મોદીને ક્લિન ચીટ મામલે ઝકીયા જાફરીની અરજી સુપ્રીમ ૪ સપ્તાહ પછી સાંભળશે

578

સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે તે ગુજરાતના ૨૦૦૨ના રમખાણો મામલે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આપવામાં આવેલી ક્લિન ચીટને પડકારતી ઝકીયા જાફરીની અરજી ચાર સપ્તાહ પછી સાંભળશે. ૨૦૦૨માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના ડબામાં આગ ચાંપવાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં કોમી રમખાણો ફાટી નિકળ્યા હતા. ગોધરા કાંડ બાદના કોમી રમખાણોમાં ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ અમદાવાદમાં ગુલબર્ગ સોસાયટીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીના ઘરને ટોળાએ આગ ચાંપી દીધી હતી જેમાં તેમનું મોત થયું હતું. મૃતકના પત્ની ઝકીયા જાફરીએ આ કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૫ ઓક્ટોબર ૨૦૧૭ના, એસઆઈટીના ચુકાદાને પડકારતી અરજી ફગાવી દેવાના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો. જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ અજય રસ્તોગીની બેન્ચ સમક્ષ આ મેટર સુનાવણી માટે આવી હતી.

જેમાં અરજદાર માટે હાજર રહેલા વકીલે જણાવ્યું કે તેમણે આ સુનાવણી ટાળવા માટે પત્ર લખ્યો છે.

બેન્ચે આ મામલે જણાવ્યું કે અરજદારે ચાર સપ્તાહની માંગ કરી છે જેથી આ કેસ અંગે ચાર સપ્તાહ બાદ સાંભળવામાં આવશે.

Previous article૧૦ ડિગ્રી ઠંડીમાં શાહીસ્નાન સાથે કુંભ મેળાનો પ્રારંભ
Next articleપેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી જંગી વધારો ઝીંકી દેવાયો