કેન્દ્ર સરકાર ગેઝેટ બહાર પાડે ત્યાર બાદ રાજ્યમાં સરકારી ભરતીઓ હાથ ધરાશે

811

સવર્ણોને દસ ટકા અનામતનો અમલ કરી દેવાયા બાદ ગુજરાત સરકારની તમામ સરકારી ભરતીઓ હાલ પૂરતી રોકવામાં આવી છે.  નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે કોઈને અન્યાય ના થાય એ માટે ભરતી રોકવાનો સરકારે નિર્ણય લીધો છે. ભારત સરકાર ગેઝેટ બહાર પાડે અને તેના નિયમો સામે આવે ત્યારબાદ જ ગુજરાતમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. કોંગ્રેસને આડે હાથ લેતા નીતિન પટેલે કહ્યું કે,‘નવા કાયદાનો લાભ તમામને મળે તે માટે સરકારે આ નિર્ણય કર્યો છે પરંતુ કોંગ્રેસ સમજ્યા વગર આક્ષેપો કરે છે. તમામ નિર્ણયમાં વાંધાવાચક કાઢવા એ કોંગ્રેસનું કામ છે.’ ગુજરાત સરકારે કેન્દ્રના ૧૦ ટકા અનામતના કાયદાને રાજ્યમાં ભરતી-શિક્ષણમાં લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે ત્યારે ૨૦૧૯-૨૦નાશૈક્ષણિક વર્ષ માટેના આરટીઈ પ્રવેશથી માંડી ધો.૧૧ સાયન્સના પ્રવેશ ઉપરાંત યુનિવર્સિટીઓના યુજી-પીજી કોર્સીસ તેમજ મેડિકલ-ઈજનેરી સહિતના તમામ પ્રોફેશનલ-ટેકનિકલ કોર્સીસમાં પ્રવેશ માટેના નવા નિયમો લાગુ કરાશે. ૮ લાખ સુધીની આવક ધરાવતા ૧૦ ટકા  સવર્ણોને અનામત આપવાના નિયમ પ્રમાણે ઉચ્ચ શિક્ષણના પ્રવેશનાતમામ નવા ઠરાવો સરકાર કરશે અને ૧૦ ટકા અનામત પ્રમાણેની બેઠકો મુજબ આગામી વર્ષમા પ્રવેશ પ્રક્રિયા થશે.  ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ વર્ગના આર્થિક રીતે પછાત એવા સવર્ણોને ૧૦ ટકા અનામતનો કાયદો લાગુ કરવાની જાહેરાત સાથે રાજ્યની વિવિધ ખાતાઓની ભરતીથી માંડી સ્કૂલો-કોલેજો અને યુનિ.ઓની ભરતી પ્રક્રિયા તેમજ સ્કૂલો-કોલેજો અને યુનિ.ઓના ઉચ્ચ શિક્ષણના પ્રવેશોમાં પણ મોટા પાયે ફેરફારો થશે.

Previous articleસોમનાથમાં આજે કરાઇ મકરસંક્રાંતિની ઉજવણી, મહાદેવને કરાયો તલાભિષેક
Next articleમાર્ચ મહિનાથી શહેરમાં દોડતી થઈ જશે મેટ્રો ટ્રેન