માર્ચ મહિનાથી શહેરમાં દોડતી થઈ જશે મેટ્રો ટ્રેન

1070

અમદાવાદ શહેરના નાગરિકો છેલ્લા ઘણા સમયથી મેટ્રો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. હવે તેમનો આ ઈંતેજાર ટૂંક સમયમાં જ પૂરો થવાનો છે. માર્ચ મહિનાથી શહેરમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. તેના માટે ફેબ્રુઆરી મહિનામાં ટેસ્ટિંગ હાથ ધરાવાનું છે. ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલયના કમિશનર ઓફ સેફ્ટી વિભાગ તરફથી સલામતી અંગેનું પ્રમાણપત્ર મળી ગયા બાદ શહેરમાં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર માર્ચ, ૨૦૧૯ના પ્રથમ અઠવાડિયાથી એપેરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીના ૬.૫ કિમીના રૂટ પર મેટ્રો ટ્રેન નિયમિત રીતે દોડતી થઈ જવાની છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૧ અંતર્ગત મેટ્રો ટ્રેનના કોચ ૧ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ આવી પહોંચ્યા હતા. બાકીના કોચ પણ ૧૭ જાન્યુઆરીના રોજ દ.કોરિયાથી અમદાવાદ માટે રવાના થવાના છે. આ બધા કોચ આવી ગયા બાદ ૭ ફેબ્રુઆરીથી મેટ્રો ટ્રેનની ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. અમદાવા મેટ્રો ટ્રેનના ટેસ્ટિંગની કામગીરી માટે લખનઉથી રેલવે મંત્રાલયની આરડીએસઓની ટીમ આવવાની છે. જે મેટ્રો ટ્રેનની ટ્રાયલ, રનિંગ અને સુરક્ષા વગેરેની ચકાસણી કરશે. ૧૮ ફેબ્રુઆરીથી મેટ્રો ટ્રેનની ટેસ્ટિંગની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. સંપૂર્ણ ચકાસણી થઈ ગયા બાદ ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલયનું કમિશનર ઓફ સેફ્ટી વિભાગ સુરક્ષા અંગેનું એક પ્રમાણપત્ર આપશે. આ પ્રમાણપત્ર મળી ગયા બાદ માર્ચ, ૨૦૧૯ના પ્રથમ અઠવાડિયામાં એપેરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીના ૬.૫ કિમીના રૂટ પર આ ટ્રેન નિયમિત રીતે દોડાવાશે.

Previous articleકેન્દ્ર સરકાર ગેઝેટ બહાર પાડે ત્યાર બાદ રાજ્યમાં સરકારી ભરતીઓ હાથ ધરાશે
Next articleપીએમ મોદીની ગુજરાતને વધુ એક ભેટ, દાંડી યાત્રાના ઐતિહાસિક મ્યુઝિયમનું કરશે ઉદ્ધાટન