પીએમ મોદીની ગુજરાતને વધુ એક ભેટ, દાંડી યાત્રાના ઐતિહાસિક મ્યુઝિયમનું કરશે ઉદ્ધાટન

1017

નર્મદા નદીના કિનારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ હવે ગુજરાતના લોકોને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. મહાત્મા ગાંધીએ દેશની આઝાદી માટે અનેક આંદોલનો કર્યા હતાં, જેમનું એક આંદોનલ મીઠાના સત્યાગ્રહનું પણ હતું. ત્યારે નવસારીના દાંડીના જે દરિયા કિનારે બાપુએ ચપટી મીઠું ઊંચકી અંગ્રેજ સરકારને હલાવી હતી, ત્યાં ૧૫૦ કરોડના ખર્ચે મ્યુઝિયમ બની રહ્યું છે, જેનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી ૩૦મી જાન્યુઆરીના રોજ કરાશે.મ્યુઝિયમ અંગે માહિતી આપતા નવસારીના સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશથી આ પ્રોજેક્ટનું કામ શરૂ કરાયું હતું. તેમના દ્વારા મુંબઈની આઇઆઇડી સંસ્થા પાસે મ્યુઝિયમની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. આ મ્યુઝિયમની ખાસ વાત એ છે કે સાબરમતી આશ્રમથી જ્યારે મહાત્મા ગાંધી દાંડી યાત્રાએ નીકળ્યા હતાં ત્યારે તેમની સાથે ૮૦ જેટલા પદયાત્રીઓ હતાં, આ તમામના સ્ટેચ્યુ અહીં બનાવવામાં આવ્યા છે, તો સાથે જ ૧૦૦ ફૂટ ઊંચી જ્યોત બનાવવામાં આવી છે, જે હંમેશા પ્રજ્વલિત રહેશે. અહીં ૫ લાખ લીટર પાણી રહી શકે તેવું તળાવ પણ બનાવવામાં આવ્યું છે. સાથે જ ૪ લાખ લીટર પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકી પણ બનાવવામાં આવી છે ઇ.સ. ૧૯૩૦નાં વર્ષમાં અંગ્રેજો સામે દાંડી સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવ્યો હતો. ભારતની આઝાદી માટે અહિંસક લડત લડતા ગાંધીજીને આ પગલું અન્યાયી અને દેશની જનતા વિરુદ્ધનું લાગ્યું હતું. તેના વિરોધમાં તેમણે દાંડી સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો હતો. દાંડીકુચની શરૂઆત ગાંધીજીએ તેમના ૭૮ સાથીદારો સાથે અમદાવાદથી ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ પદયાત્રા સ્વરૂપે કરી હતી. જે ૬ એપ્રિલ ૧૯૩૦એ નવસારી નજીક આવેલા દરિયા કિનારાનાં દાંડી ગામે પુરી કરી હતી.

Previous articleમાર્ચ મહિનાથી શહેરમાં દોડતી થઈ જશે મેટ્રો ટ્રેન
Next articleનર્મદા નદીમાં બોટ પલટી : ૫નાં મોત