ભાવનગરમાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ૬૧.૭૬% મતદાન

1171
bvn10122017-2.jpg

ભાવનગર શહેર-જિલ્લાની ૭ વિધાનસભા બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં કુલ ૬૧.૭૬ ટકા જેવું જંગી મતદાન થયું છે. શાંતિપૂર્ણ વાતાવરણ અને સુરક્ષા-વ્યવસ્થાના સઘન બંદોબસ્ત વચ્ચે શહેર તથા જિલ્લામાં મતદાનનો પ્રારંભ થયો હતો અને નિર્ધારિત સમય મુજબ સાંજે પ-૦૦ કલાકે પૂર્ણ થયું હતું. જેમાં અનેક યુવા મતદારો સહિતનાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 
વિધાનસભા ચૂંટણી-ર૦૧૭ ભાવનગરની કુલ ૭ બેઠકો માટે યોજાયેલ મતદાનમાં મતદારોએ અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો હતો. મોટાભાગના તમામ મતકેન્દ્રો પર સવારના સમયે મત આપવા માટે લાંબી કતારો જોવા મળી હતી. ભાવનગર શહેરમાં બે બેઠક વિભાજીત કરવામાં આવી છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ બેઠકનો સમાવેશ થાય છે. પૂર્વ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે વિભાવરીબેન દવે જ્યારે તેમની વિરૂધ્ધમાં કોંગ્રેસના નીતાબેન રાઠોડએ ઉમેદવારી નોંધાવી હતી. એવી જ રીતે ભાવનગર પશ્ચિમ બેઠક પર પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ચૂંટણી લડી હતી. એમના પ્રતિસ્પર્ધી તરીકે કોંગ્રેસના પીઢ ઉમેદવાર દિલીપસિંહ ગોહિલે ઉમેદવારી કરી હતી. આ ઉપરાંત અન્ય પક્ષો તથા અપક્ષ તરીકે પણ અનેક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર સવારથી જ ભારે ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળ્યો હતો. લોકોમાં સ્વયમ્‌ મતદાન કરવાની ભાવનાઓ પ્રબળ બની હતી. એવી જ રીતે પશ્ચિમ બેઠક પર પણ યુવા મતદારોની સંખ્યા સૌથી વધુ જોવા મળી હતી અને અનેક વયોવૃધ્ધ મતદારોએ પોતાના નૈતિક મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ ચૂંટણી તંત્ર, જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ તંત્ર અને અન્ય સુરક્ષા તંત્ર દ્વારા મતદાનના એક દિવસ પૂર્વે જ તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી. ગત ચૂંટણીની બરાબરીએ આ ટર્મની ચૂંટણીમાં અનેક ફેરફારો જોવા મળ્યા હતા. જે ફેરફારો મતદારોને પસંદ પડ્યા હતા. આ ટર્મમાં મતદાર યાદીમાં મતદારોના નામ સંબંધી અથવા અન્ય ફેરફારોને લગતી ફરિયાદો ખુબ ઓછી માત્રામાં જોવા મળી હતી. ચૂંટણીપંચ દ્વારા મતદારોની સ્લીપમાં મતદારનો ફોટો, પુરી વિગત સહિત પાછળના પાને મતદાન કેન્દ્રનો નક્શો પણ ઉમેર્યો હોય જેને લઈને મતદારોને મત આપવામાં ખુબ જ સરળતા રહી હતી. 
આ ઉપરાંત મતદાન કેન્દ્રો પર ચારથી વધુ નિરીક્ષકોને કામગીરી સોંપવામાં આવી હતી. જેમનું વર્ક મતદારની યાદી ચકાસણી વગેરે હતું. સવારથી શરૂ થયેલ મતદાનના પ્રથમ તબક્કામાં જ લોકોએ મતદાન કેન્દ્રો પર મોટી માત્રામાં ભીડ જમાવી હતી. શહેરની સાથોસાથ ગ્રામ્ય પંથકોમાં પણ લોકોમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો પરિવાર સાથે મતદાન કરવા માટે મત કેન્દ્રો પર પહોંચ્યા હતા.ચૂંટણી પંચ દ્વારા મતદારોને આકર્ષવા માટે અને વધુને વધુ લોકો મતદાન કરે તેવા પ્રયત્નો સફળ રહ્યા હતા. ખાસ કરીને મતદાન કેન્દ્રો પર સેલ્ફી ઝોન યુવાઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લોકશાહીના મહાપર્વમાં ગરીબથી લઈને અમીર સુધીનો તમામ વર્ગ એક સમાન હક્ક સાથે આ પર્વમાં જોડાઈ છે. જે અટલ, નિષ્ઠા અને રાષ્ટ્ર પ્રત્યેની આદર્શ ભાવના દર્શાવે છે. સામાન્યતઃ પછાત વિસ્તારોમાં મતદાન અંગે ખાસ જનજાગૃતિ ન હોવાનું ગણાતું હતું. પરંતુ આ ટર્મમાં શિક્ષિત અને એજ્યુકેટેડ વર્ગને શરમાવે તેવી સ્ફુર્તી અને જુસ્સા સાથે પછાત વર્ગના લોકોએ મતદાન કર્યુ હતું.  ચૂંટણી પંચ દ્વારા મતદાનની કામગીરી પણ ખુબ સરળ અને અશિક્ષિત વ્યક્તિ પણ સારી રીતે કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. ભાવનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં યુવા મતદારો સાથોસાથ મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સમાજને નવો સંદેશ આપ્યો છે. લોકો ખાસ્સો ટાઈમ સુધી કતારોમાં ઉભા રહીને પણ મતદાન કર્યુ હતું.

ઈવીએમ મશીનોમાં વ્યાપક ક્ષતિઓ
ગુજરાતીની પ્રસિધ્ધ કહેવત ‘દશેરાના દિવસે ઘોડુ ના દોડ્યું’ જેવો ઘાટ આજે ચૂંટણી દરમિયાન જોવા મળ્યો હતો. ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી પૂર્વે ઈવીએમ મશીનનું જાહેરમાં નિર્દેશન કર્યુ હતું અને સબ સલામત હોવા સાથે સમગ્ર તંત્ર તૈયાર હોવાનું જણાવ્યું હતું પરંતુ ભાવનગર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ ઈવીએમ મશીનને લઈને વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. જેમાં ચૂંટણી કામગીરી દરમિયાન મશીન બંધ પડી જવા, ધીમુ ચાલવા સહિતની ફરિયાદોને લઈને ફરજ પર તૈનાત કર્મચારીગણ તથા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા આવેલ મતદારો પણ અકળાયા હતા. ખાસ કરીને મશીનની ધીમી કામગીરીને લઈને ખુબ સમય લાગતો હોવાનું મતદારોએ જણાવ્યું હતું. જો કે, તંત્ર દ્વારા બંધ પડેલા, ખરાબ થયેલા મશીનોને તત્કાલ બદલવા અને અન્ય મશીનો મુકવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરી હોય બાકી કોઈ હાલાકી ભોગવવી પડી ન હતી. આ ઉપરાંત ઈવીએમ મશીનમાં કોઈપણ પ્રકારની ગેરરીતિની ફરિયાદ પણ આવી ન હોવાનું તંત્રએ જણાવ્યું હતું. એ સાથે સુરક્ષા તંત્ર તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ થયે સઘન બંદોબસ્ત સાથે ઈવીએમ મશીનને નિયત સ્થળે સીલ કરી મુકી દેવામાં આવ્યા છે. 

૭૧ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ
ભાવનગર વિધાનસભાની કુલ સાત બેઠકો પર ૭૧ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આ ૭૧ ઉમેદવારોના ભાવીનો ફેંસલો આગામી તા.૧૮-૧રના રોજ મતગણતરી યોજાશે ત્યારે પ્રજાજનો કોને વિજયની વરમાળા પહેરાવશે તે નક્કી થશે. પરંતુ ત્યાં સુધી લોકોમાં, ઉમેદવારોમાં રાજકિય પક્ષોમાં, ચર્ચાઓ અને અટકળોનો દૌર યથાવત રહેશે. એક સપ્તાહ સુધી માત્રને માત્ર કોણ જીતશે અને કોણ હારશે એ વિષયની ચર્ચા જ મહત્વની બની રહેશે. સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ હતી. ૮૯ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીને લઈને તમામ વર્ગના લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. અત્યારે તમામ પ્રકારના મુદ્દાઓને વિરામ આપી સમગ્ર દેશનું ધ્યાન રાજ્યની વિધાનસભા ચૂંટણી પર જ કેન્દ્રીત થયું છે. 

મતદાન અંગે સત્તાવાર આંક
૧૦૪-ભાવનગર પૂર્વ        ૬૪.૮૦ ટકા
૧૦પ-ભાવનગર પશ્ચિમ    ૬ર.૬૧ ટકા
૧૦૩-ભાવનગર ગ્રામ્ય    ૬ર.૧૮ ટકા
૧૦૦-તળાજા        ૬ર.૯પ ટકા
૧૦૧-ગારિયાધાર        પપ.૩૧ ટકા
૧૦ર-પાલીતાણા        પ૯.૧૯ ટકા
૯૯-મહુવા            ૭૧.૮૯ ટકા
કુલ            ૬૧.૭૬ ટકા
ઉપરોક્ત આંક ચૂંટણી પંચના જણાવ્યા અનુસારનો છે. 

Previous articleભાવનગરના પચ્છેગામ સંતરામ મંદિરે પૂ.શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદજી ભટ્ટની ભાગવત કથા
Next articleગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કામાં