બીઆરટીએસનું સ્માર્ટકાર્ડ મુસાફરો માટે બન્યું ‘ટ્રબલકાર્ડ’

527

તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ સમગ્ર દેશની બેસ્ટ સર્વિસ તરીકે ઓળખાવીને તેને સફળ પ્રોજેકટ જાહેર કર્યો હતો, પરંતુ જે પેસેન્જર્સ બીઆરટીએસ સર્વિસમાં મુસાફરી કરે છે અને જે વાહનચાલકો બીઆરટીએસ કોરિડોર સંલગ્ન ચાર રરતા કે સર્કલ પાસેથી પસાર થાય છે તેમને વારંવાર કડવા અનુભવ થતા હોઇ લોકોમાં બીઆરટીએસ સર્વિસની પ્રતિષ્ઠા અગાઉની જેમ જળવાઈ નથી.

જોકે તંત્ર બીઆરટીએસ સર્વિસમાં ઇલેકિટ્રક બસ દોડતી કરવા જેવા નુસખા અજમાવીને તેને લોકપ્રિય બનાવવાના પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ બીઆરટીએસના સત્તાવાળાઓ ‘સ્માર્ટકાર્ડ’ (જનમિત્રકાર્ડ) જેવી સાદી સુવિધાના મામલે પણ પેસેન્જર્સને સંતોષ આપવામાં નિષ્ફળ નિવડ્યા હોઇ રપ,૦૦૦થી વધુ સ્માર્ટકાર્ડધારકો માટે આ સ્માર્ટકાર્ડ ‘ટ્રબલકાર્ડ’ બની રહ્યાં છે.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ બીઆરટીએસ સર્વિસને વધુ લોકાભિમુખ કરવા માટે સત્તાવાળાઓ લાખો રૂપિયાના ખર્ચે નવી પચાસ ઇલેક્ટ્રિક બસ જે તે બસ સ્ટેશન પર એએનવીપી કેમેરા, સ્ટ્રિંગ ગેટ વગેરે નવા પ્રોજેક્ટને એક અથવા બીજા તબક્કામાં અમલમાં મૂકી રહ્યા છે.

અગાઉ વધુ ને વધુ પેેસેન્જર્સ સ્માર્ટકાર્ડ એટલે કે જનમિત્રકાર્ડ લેવા પ્રેરાય તે આશયે ગત તા.૧ સપ્ટેમ્બરથી તા.૩૦ સપ્ટેમ્બર સુધી તમામ પેસેન્જર્સને રૂ.પ૦ અને રૂ.૭પની કિંમત ધરાવતાં પર્સનલાઈઝડ કાર્ડ અને નોન પર્સનલાઈઝડ કાર્ડ મફત આપવાની તંત્રે જાહેરાત કરી હતી.

જોકે શરૂઆતના ૧પ દિવસ પેસેન્જર્સ માટે મશ્કરીરૂપ જ બન્યા હતા, કેમ કે જનમિત્રકાર્ડ કે સ્માર્ટકાર્ડ તૈયાર કરાવનાર આઇસીઆઇસીઆઇ બેન્કની મોટા ભાગની શાખામાં તે પહોંચ્યાં જ ન હતાં તેમજ સિવિલ સેન્ટરનાં ‘ઇઝી પે મશીન’ ચાલતાં જ ન હતાં, જોકે પાછળથી તંત્રને ફ્રી સ્માર્ટકાર્ડ યોજનાની મુદતમાં વધારો કરવાની ફરજ પડી હતી.

Previous articleએસવીપી હોસ્પિટલની એન્ટ્રી રિવરફ્રન્ટ પરથી અપાતા વિવાદ
Next articleસ્વછતા અભિયાન, અંબાજી યાત્રાધામ માટે કાર્ટૂન લગાવાયા