જે સમાજ દિવ્યાંગ પ્રત્યે સંવેદનશીલ નથી તે સમગ્ર સમાજ જ દિવ્યાંગ છે : રૂપાણી

854

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સમાજની સામાજીક જવાબદારી અદા કરવી અને સમાજનાં સર્વાંગી ઉત્થાન માટે પ્રતિબધ્ધ બનવું એજ આપણો સાચો નાગરિક ધર્મ છે રાજય સરકાર સમાજનાં સર્વાંગી – સમરસ અને સમતોલ વિકાસ માટે પ્રતિબધ્ધ છે.

મુખ્યમંત્રી સુરેન્દ્રનગરમાં સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ આયોજિત રપમાં લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ દિકરીઓનું કન્યાદાન પણ કર્યુ હતું. જે સમાજ દિવ્યાંગની ચીંતા નથી કરતો તે સમાજ જ દિવ્યાંગ છે.  દિવ્યાંગ પ્રત્યે પુર્ણ સંવેદના સાથે તેમને પણ સમાજનાં મુખ્યપ્રવાહમાં લાવવા તે આપણી સામુહિક જવાબદારી છે તે વહન કરવા માટે આપણે કટીબધ્ધ બનવાનું છે તેમ મુખ્યમંત્રી જણાવ્યુ હતુ મુખ્યમંત્રી વિજયભાઇએ પ્રેરક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, દિવ્યાંગ સંતાન દરેક કુટુંબ માટે હંમેશા ચીંતાનો વિષય હોય છે તેવા દરેક કુટંબોને આપણે હુંફ આપીને તે સંતાન માત્ર કુંટુંબનુ જ નહિ પણ સમગ્ર સમાજનું છે તે રીતે તેને સમાજનાં મુખ્યધારામાં લાવવા આપણે સદાય પ્રયત્નશીલ રહેવુ જોઇએ કારણકે આ કાર્ય તો ઇશ્વરીય કાર્ય છે. રાજય સરકાર દિવ્યાંગનાં સર્વાગી ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. તેમનાં અભ્યાસ માટે હોસ્ટેલ સુવિધા સહિતની વ્યવસ્થા  ઉભી કરવા માટે રાજય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે. રાજય સરકારે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૮ (આઠ) નવદંપતિઓને સુખી દાંપત્યજીવનની શુભકામના આપી હતી અને સંસ્થાની સેવાકિય પ્રવૃતિઓની સરાહના કરી હતી. આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા ઉપસ્થિત મહાનુભાવો તથા દાતાઓનાં હસ્તે સમાજને શ્રેષ્ઠ પ્રદાન કરનારાઓનું એવોર્ડ સન્માનપત્ર આપી ગૌરવપુર્ણ સન્માન કર્યુ હતું વિજયભાઇ રૂપાણીનાં હસ્તે પ્રજ્ઞાચક્ષુ સરીતાબેન જયસ્વાલનું સગૌરવ કન્યાદાન કર્યુ હતું અને સુખ દાંપત્યજીવનની શુભકામના પાઠવી હતી. કાર્યકમની શરૂઆતમાં સંસ્થાની પ્રજ્ઞાચક્ષુ બાળાઓએ ગણેશવંદના-સ્તૃતિ વગેરે કૃતિઓ  ભાવવંદના સાથે પ્રસ્તૃત કરી હતી. આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં સંસ્થાનાં મુકતાબેન ડગલીએ  સંસ્થામાં ચાલતી વિવિધ સામાજિક પ્રવર્તિઓની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી જેમાં સંસ્થાનાં આગામી આયોજનોની માહિતી પુરી પાડી હતી આ તકે  વધુમાં જણાવ્યુ હતુ કે, આજનાં લગ્નોત્સવમાં ૮ દીકરીઓ દાંપત્ય સંસારમાં પગલા પાડી રહી છે. આભારવિધિ  સંસ્થાનાં પ્રમુખ નવીનભાઇ મણીયારએ કરી હતી. સમારોહમાં દેશ-વિદેશથી ઉપસ્થિત રહેલા સમાજ શ્રેષ્ઠીઓ-દાતાઓ, આગેવાનો તથા વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતાં.

Previous articleસમગ્ર દેશ-રાજ્ય અને વિવિધ સમાજો એક છે : વિજય રૂપાણી
Next articleનાણા પ્રધાન અરૂણ જેટલી શુક્રવારે સ્વદેશ પરત ફરશે