ગુજરાતમાં ઉદ્યોગપતિની સરકાર જશે : રાહુલ ગાંધીએ કરેલો દાવો

975
guj12122017-6.jpg

કોંગ્રેસના નવનિયુકત રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગુજરાત મુલાકાતના સતત ૪થા દિવસે થરાદ, વિરમગામ, સાવલી અને ગાંધીનગર સહિતના સ્થળોએ વિશાળ જાહેરસભા અને પ્રચાર અભિયાન હાથ ધરી બીજા તબક્કાના મતદાનમાં તા.૧૪મી ડિસેમ્બરે કોંગ્રેસ તરફી મતદાન કરવા વિશાળ જનસમુદાયને અનુરોધ કર્યો હતો. રાહુલે આજે પણ તેમની પ્રચારસભાઓમાં મોદી સરકાર અને ભાજપ પર આકરા ચાબખા વરસાવ્યા હતા કે, મોદીજી માટે વિકાસ અને ભ્રષ્ટાચારના મુદ્દે બોલવા જેવું કંઇ રહ્યું નથી અને તેથી મોદીજી તેમની
સભાઓમાં તેમની પોતાની જ વાતો કર્યા કરે છે. મોદીજી પાસે હવે બીજા કોઇ મુદ્દે બોલવા જેવુ બચ્યું નથી એટલે, તેઓ માત્ર તેમની જ વાત કરી શકે છે, બીજું કંઇ કરી શકતા નથી. મોદીજીને સત્યએ ચોતરફથી ઘેરી લીધા છે. ગુજરાતમાં ભાજપના છેલ્લા ૨૨ વર્ષનુ સત્ય હવે જનતા સમક્ષ આવી રહ્યું છે. 
ગુજરાતમાં આ વખતે કોંગ્રસની સરકાર આવી રહી છે અને ઉદ્યોગપતિઓની સરકાર જઇ રહી છે. હિન્દુસ્તાન એ સચ્ચાઇનો દેશ છે અને વર્ષોથી સત્યની જીત થાય છે, તેથી કોંગ્રેસની સચ્ચાઇની જ જીત થવાની છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, મોદી સરકારે દેશના મોટા ઉદ્યોગપતિઓના કુલ રૂ.૧.૨૦ લાખ કરોડોના દેવા માફ કરી દીધા પરંતુ જયારે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે છે ત્યારે તેમના નાણાંમંત્રી અરૂણ જેટલી કહે છે કે, તમે ખેડૂત છો અને તેથી તમારા દેવા માફ કરવાની નીતિ અમારી પાસે નથી. રાહુલે ઉપસ્થિત જનસમુદાયને સંબોધી તેમને ખાતરી આપતાં જણાવ્યું કે, ભલે મોદી સરકાર તમારા દેવા માફ ના કરે પરંતુ તેમ ચિંતા ના કરો. કોંગ્રેસની સરકાર આવે એટલે તમે ખાલી ગણજો કે એક, બે, ત્રણ…દસ બસ દસ જ દિવસમાં ખેડૂતોના તમામ દેવા માફ થઇ જશે. અમે ખેડૂતોને તેમના પાકના ટેકાના ભાવ પણ વાજબી અને પૂરતા આપીશું એટલું જ નહી, સીઝન શરૂ થતાં પહેલાં જ ખેડૂતોને કહી દઇશું કે, આ સીઝનનમાં તમને આ પાકના ટેકના આટલા ભાવ મળવાના છે.  રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર ટાટા નેનો મુદ્દે મોદી સરકાર પર સીધા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે મનરેગામાં રૂ.૩૫ હજાર કરોડ ફાળવ્યા હતા, જયારે મોદીજીએ તેટલી જ રકમ માત્ર એક કંપની ટાટા નેનોને ફાળવી દીધી. મોદીજીએ લોકોને રોજગારી આપવાનો વાયદો કરી પાંચ ગામોના ખેડૂતોની જમીન લઇ લીધી હતી અને ટાટા નેનો કંપનીને ફાળવી દીધી હતી પરંતુ લોકોને ના રોજગારી મળી કે નથી તો રોડ ફર નેનો ગાડી દેખાતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમારી જમીનો, પાણી અને વીજળી છીનવી લેવાય છે અને તે મોદીજીના માનીતા ઉદ્યોગપતિઓને પધરાવી દેવાય છે. કચ્છના મુંદ્રામાં એક વ્યકિતને ૪૫ હજાર એકર જમીન માત્ર એક રૂપિયા પ્રતિ ચો.મીના ભાવે પધરાવી દેવાઇ અને આ વ્યકિતએ તમારી આ જમીનો થોડા મહિનાઓ પછી રૂ.ત્રણથી પાંચ હજારમાં એચપીસીએલ સહિતની સરકારી કંપનીઓને વેચી મારી..આમ કહી રાહુલ ગાંધીએ અદાણી જૂથને નિશાના પર લઇ લીધુ હતું. રાહુલે રાફેલ હવાઇ જહાજના કોન્ટ્રાકના મુદ્દે પણ વડાપ્રધાન મોદી પર સીધા પ્રહારો કર્યા હતા કે, મોદીએ અનુભવી સરકાર કંપની સાથેનો રાફેલ હવાઇ જહાજનો કોન્ટ્રાકટ રદ કરી હજારો કરોડની ઉંચી કિંમતે તે પોતાના ખાસ ઉદ્યોગતિને આપી દીધો કે જેણે કયારેય હવાઇ જહાજ બનાવ્યા નથી. આ ઉદ્યોગપતિના માથે રૂ.૪૫ હજાર કરોડનું તો દેવું છે. રાહુલ ગાંધીએ રાફેલ હવાઇ જહાજ ડીલ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછેલા ત્રણ સવાલો આજે ફરીથી દોહરાવ્યા હતા અને તેમની પાસેથી જવાબની માંગણી કરી હતી. રાહુલે શિક્ષણ, બેરોજગારી, આરોગ્ય સેવા, ખેડૂતો અને મહિલા સુરક્ષા સહિતના મુદ્દે પણ મોદી સરકાર અને ભાજપને આડા હાથે લીધા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર એ માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે, જયારે કોંગ્રેસની સરકાર આવશે એ ગુજરાતના ગરીબોની પોતાની સરકાર હશે આમ કહી રાહુલ ગાંધીએ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજયનો ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો હતો. રાહુલે ખેડૂતોને ૧૬ કલાક વીજળી આપવાની અને તેમના દવા માફ કરવાની વાત પણ દોહરાવી ખાતરી આપી હતી. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં ખેડૂતોની કે જનતાની વાત કે વેદના કોઇ સાંભળતુ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર તેમની મનની વાત સંભળાવી જાય છે અને તેમનું ધાર્યું જ કરે છે. છેલ્લા ૨૨ વર્ષોથી ગુજરાતમાં જનતાનો-પ્રજાનો અવાજ સંભળાતો નથી પરંતુ આ વખતે ગુજરાતની જનતાને સરપ્રાઇઝ મળવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસની કે સ્થાનિક મુદ્દાઓની વાત નથી કરતા પંરતુ અફઘાનિસ્તાન, ચીન અને જમ્મુ-કાશ્મીરની વાત કરે છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઇને જણાવ્યું હતું કે, કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં પ્રજાલક્ષી અને લોકોનો કલ્યાણ  અને ખુશહાલ જીંદગીની વાત કરી વચનો આપ્યા છે. કારણ કે, કોંગ્રેસ ગુજરાતના વસતા તમામ કુંટુંબોને ખુશહાલ જોવા ઇચ્છે છે. આ માટે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરોએ લોકોના ઘેર-ઘેર જઇ, ગામડે ગામડે ફરી લોકોના, ગ્રામજનોના અને સમાજના તમામ વર્ગ-સમુદાયની ઇચ્છા, અપેક્ષાઓ, પ્રતિભાવો, અભિપ્રાયો જાણ્યા અને સમજયા બાદ આ ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે. રાહુલ ગાંધીએ નર્મદા મુદ્દે ફરી એકવાર મોદી સરકાર અને ભાજપને આડા હાથે લીધા હતા કે, છેલ્લા ૨૨ વર્ષોથી ગુજરાતમાં નર્મદાની વાતો થાય છે. શું તમને નર્મદાના પાણી મળ્યા ? જેથી ઉપસ્થિત જનમેદનીમાંથી નકારનો જવાબ ઉઠયો હતો. રાહુલે જણાવ્યું કે, મોદીજી પાસે તહેમણે પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા જેવું કંઇ નથી અને તેથી પ્રજાને બીજા મુદ્દાઓ અને ભાવનાત્મક વાતોમાં ગેરમાર્ગે દોરી રહ્યા છે પરંતુ ગુજરાતની શાણી અને સમજુ પ્રજા હવે તેમને ઓળખી ગઇ છે. રાહુલે ફરી એકવાર જય શાહ, રાફેલ ડીલ સહિતના દસ પ્રશ્નો મુદ્દે ગુજરાત સહિત દેશની જનતાને જવાબ આપવાની મોદીજીને માંગણી કરી હતી. 

Previous articleઅમદાવાદમાં યોજાનાર મોદી-રાહુલના રૉડ શૉ ને મંજુરી ન મળી
Next articleઆજે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો અંત આવશે