ભાજપને ગુજરાતના મતદાર ઝટકો આપશે, કોંગ્રેસ જીતશે : રાહુલ ગાંધી

1335
guj14122017-10.jpg

આવતીકાલે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન યોજાવા જઇ રહ્યું છે ત્યારે તે પહેલાં કોંગ્રેસના નવનિયુકત રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ  ભારે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, આ વખતે ભાજપને ગુજરાતની જનતા જોરદાર ઝટકો આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જબરદસ્ત ચોંકાવનારા હશે. આ વખતે ગુજરાતના લોકોમાં ભાજપ માટે ગુસ્સો છે અને લોકોના સેન્ટીમેન્ટ બદલાયા છે. પરિણામોથી ભાજપને જોરદાર સરપ્રાઇઝ મળશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, ગુજરાતમાં આ વખતે કોંગ્રેસની જનતાની પોતાની સરકાર બનશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ન્યુઝ ચેનલને ઇન્ટરવ્યુ દરમ્યાન જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોને જે વીઝન ભાજપે આપવુ જોઇએ તે મોદીજી નથી આપી શકયા. કોંગ્રેસે ગુજરાતની 
જનતાને શિક્ષણ, રોજગારી, આરોગ્ય, કૃષિ સહિતના તમામ ક્ષેત્રે એક અલગ અને વિકાસશીલ વીઝન આપ્યું છે. અમે ગુજરાતના ખૂણેખૂણે રાજયના તમામ લોકોને પૂછીપૂછીને તેમની ઇચ્છાઓ, અભિપ્રાયો, મંતવ્યો જાણીને કોંગ્રેસ 
પક્ષનો ચૂંટણી ઢંઢેરો બનાવ્યો છે. આ વખતે એકપક્ષીય ચૂંટણી છે અને ગુજરાતમાં સેન્ટીમેન્ટ બદલાઇ ગયા છે, તેથી લાગે છે કે, કોંગ્રેસ જ જીતશે. રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી એક જૂની અને આદર્શ વિચારધારા છે. દેશમાં પ્રેમ અને ભાઇચારાને એકસાથે લઇ જવાની વિચારધારા છે, તેને દેશથી અલગ ના જોઇ શકાય. જો ભારત કોંગ્રેસ મુકત થઇ ગયું હોવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા હોય તો તેમના ભાષણોમાં અડધો અડધ સમય કોંગ્રેસની વાત શા માટે કર્યા કરે છે. મને લાગે છે કે, આજે જે પ્રકારે મોદીજી અને ભાજપના નેતાઓ દ્વારા વાતો કરવામાં આવી રહી છે, તે દેશ અને દેશવાસીઓ માટે યોગ્ય નથી ખાસ કરીને ગુજરાતની જનતા માટે. અમારી વિચારધારા અલગ છે પરંતુ કોઇપણ વાત મર્યાદામાં રહીને જ થવી જોઇએ, પ્રેમથી થવી જોઇએ.રાહુલ ગાંધીએ ફરીએકવાર મણિશંકરના મુદ્દે  સ્પષ્ટ કર્યું હતું કે, વડાપ્રધાન મોદી ભારતના રિપ્રેઝન્ટેટીવ છે અને વડાપ્રધાન પદની ગરિમા જળવાવી જોઇએ તેમાં કોઇ શંકા નથી. મે સ્પષ્ટપણે સંદેશો આપ્યો કે, મણિશંકર જે બોલ્યા તે અમારા માટે સ્વીકાર્ય ન હતુ અને તેથી તેમને પક્ષમાંથી હકાલપટ્ટી કરી સુણાવી દેવાયું કે, કોંગ્રેસ પાર્ટીમાં રહીને આ પ્રમાણેના નિવેદન કોઇપણ રીતે વાજબી કે યોગ્ય નથી. આ અમારામાં ફેર છે. અમે તાત્કાલિક કાર્યવાહી કરી પરંતુ તેઓ અમારા વિશે ગમે તે બોલે, પણ અમે કંઇ નહી બોલીએ. મનમોહનસિંહ પણ દેશના પૂર્વ વડાપ્રધાન હતા અને તેથી તેમના માટે પણ મોદીજી દ્વારા કરાયેલી ટિપ્પણી યોગ્ય કે સ્વીકાર્ય નથી. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે, છેલ્લા ત્રણ-ચાર મહિનાઓથી હું ગુજરાતનો મુડ જોઇ રહ્યો છું, લોકોમાં એક અનોખો ઉત્સાહ અને જોશ દેખાઇ રહ્યો છે. મને કોંગ્રેસની જીત માટે ખૂબ આત્મવિશ્વાસ છે. ભાજપને ભારે સરપ્રાઇઝ મળશે.

Previous articleજનતા ચૂંટણી માટે ઇવીએમ નહી બેલેટ પેપર જ ઇચ્છે છે
Next articleબીજા ચરણમાં ભારે મતદાન કરવા માટે રૂપાણીની અપીલ