ટી-૨૦માં પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે સાત રનથી હાર્યું

679

પાકિસ્તાની ટીમ બાબર આઝમના ૯૦ રનની શાનદાર અડધી સદી છતાં રવિવારે જોહનિસબર્ગમાં વરસાદથી પ્રભાવિત બીજી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે સાત રને હારી ગઈ હતી. આફ્રિકાએ આ રીતે ત્રણ મેચોની ટી૨૦ આંતરરાષ્ટ્રીય સિરીઝમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. કાર્યવાહક કેપ્ટન ડેવિડ મિલરની ધમાકેદાર અડધી સદીની મદદથી આફ્રિકાએ ત્રણ વિકેટ પર ૧૮૮ રન બનાવ્યા હતા.

ભારતમાં માર્ચ ૨૦૧૬માં ટી૨૦ વિશ્વકપમાંથી બહાર થયા બાદ પાકિસ્તાને પ્રથમ ટી૨૦ સિરીઝ ગુમાવી છે. એટલે કે રેકોર્ડ ૧૧ ટી૨૦ સિરીઝ જીત્યા બાદ પાકિસ્તાને પ્રથમ વખત સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. દ્વિપક્ષીય ટી૨૦ સિરીઝ જીતની વાત કરીએ તો તેણે ૨૦૧૬માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ૧-૨થી સિરીઝ ગુમાવી હતી.

ઓપનિંગ બેટ્‌સમેન બાબર આઝમે ૫૮ બોલમાં ૧૩ બાઉન્ડ્રી અને એક સિક્સની મદદથી ૯૦ રન ફટકાર્યા હતા. જ્યારે હુસૈન તલતે પણ ૫૫ રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ ટીમે અંતિમ ચાપ ઓવરમાં ૩૪ રનની અંદર છ વિકેટ ગુમાવી દીધી અને નિર્ધારિત ૨૦ ઓવરમાં સાત વિકેટ પર ૧૮૧ રન બનાવી શકી હતી. ત્રીજી ટી૨૦ સેન્ચુરિયનમાં  છ ફેબ્રુઆરીએ રમાશે.

આફ્રિકા તરફથી એન્ડિલે ફેહલુકવાયોએ ત્રણ, જ્યારે બ્યૂરાન હેંડ્રિક્સ અને ક્રિસ મોરિસે બે-બે વિકેટ ઝડપી હતી. આ પહેલા નિયમિત કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની ગેરહાજરીમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મેચમાં આગેવાની કરી રહેલ મિલરે ૨૯ બોલમાં ચાર ફોર અને પાંચ સિક્સની મદદથી અણનમ ૬૫ રન બનાવ્યા, જેથી આફ્રિકાએ અંતિમ ૧૦ ઓવરમાં ૧૨૭ રન ફટકારીને ૨૦ ઓવરમાં ૧૮૮ રન બનાવ્યા હતા.

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકન ટીમ માટે પર્દાપણ કરી રહેલા જાનેમન મલાન (૩૩) અને રીઝા હેન્ડ્રિક્સ (૨૮) પ્રથમ વિકેટ માટે ૫૮ રન જોડ્યા હતા. રાસી વાન ડર હુસેને ચાર સિક્સની મદદથી ૨૭ બોલમાં ૪૫ રન ફટકાર્યા હતા.

પાકિસ્તાન માટે બોલિંગની શરૂઆત કરનાર સ્પિનર ઇમાદ વસીમે ચાર ઓવરમાં નવ રન આપીને એક વિકેટ લીધી, શાહીન શાહ અફરીદીને પણ એક સફળતા મળી હતી.

Previous articleઇજાગ્રસ્ત ગપ્ટિલની જગ્યાએ ટીમમાં જેમ્સ નીશામને સ્થાન મળી શકે
Next articleICC વનડે રેન્કિંગઃ ભારત બીજા સ્થાન પર, કોહલી-બુમરાહ ટોપ પર યથાવત