હાર્દિકની સત્તાવાર જાહેરાત : લોકસભા ચૂંટણી લડશે

602

પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ હવે લોકસભા ૨૦૧૯ની ચૂંટણી લડવાનો છે. લખનઉમાં એક મુલાકાતમાં હાર્દિક પટેલે સ્પષ્ટ કહ્યું કે, તે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડશે. પરંતુ તે ક્યાંથી ચૂંટણી લડશે તે વિશે તેણે કોઈ જવાબ આપ્યો નથી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય માહોલ હાર્દિક પટેલને કારણે વધુ ગરમાયુ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિનો મુખ્ય કન્વીનર હાર્દિક પટેલે ખુદ આ જાહેરાત કરી છે કે, તે ચૂંટણી લડશે અને રાજકારણમાં ઝંપલાવશે. જોકે, તે હાલ ક્યાંથી ચૂંટણી લડશે તે હજી સામે આવ્યું નથી. સમાજ માટે લડવાના વાતથી યુ ટર્ન લઈને હવે હાર્દિક પટેલે ચૂંટણી લડવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. બે દિવસ પહેલા તેણે લખનઉમાં સ્પષ્ટ કહ્યું કે, તે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, હાર્દિક અમરેલી અને મહેસાણા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. હાલ બંને બેઠક પર સરવે ચાલી રહ્યો છે. અમરેલી એ ગુજરાતમાં સૌથી વધુ પટેલ વસ્તી ધરાવતો જિલ્લો છે. તો બીજી તરફ, કોંગ્રેસ હાઇકમાન્ડે પણ હાર્દિક પર પસંદગી ઉતારી છે.  લખનઉમાં હાર્દિકે કહ્યું કે, સમગ્ર દેશમાં સંવિધાન બચાવવા માટેનો માહોલ ચાલી રહ્યો છે. ભાજપ હટાવવા અને દેશને બચાવવા માટે મોટી લડાઈ ચલાવવામાં આવશે. તેની શરૂઆત પશ્ચિમ બંગાળમાં મમતા દીદીએ કરી છે. સમગ્ર દેશમાં અલગ અલગ પ્રદેશમાં તેની વાત થઈ રહી છે.  હું ૨૦૧૯માં બિલકુલ ઈલેક્શન લડીશ.  હાર્દિકની લોકસભા ચૂંટણી લડવાના મુદ્દે ધાર્મિક માલવીયાએ કહ્યું કે, મીડિયા છેલ્લા કેટલાક દિવસથી ચલાવી રહ્યું છે. પાસની કોર કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થશે. ચર્ચા બાદ નક્કી કરાશે કે ચૂંટણી લડવી કે નહિ. યુવાનો રાજનીતિમાં આવે તે વર્તમાન સમયની માંગ છે.

Previous articleપીએમ મોદી લોકસભા ચૂંટણી રાજકોટથી લડશે એવી ચર્ચા
Next articleગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળો કેર : વધુ ૩ના મૃત્યુ