દારૂની મહેફિલ : વિસ્મયને શરતી જામીન મંજુર કરાયા

510

ગુજરાત હાઈકોર્ટે શરાબની મહેફિલના સંદર્ભમાં વિસ્મય શાહને આજે જામીન આપી દીધા હતા. વિસ્મય શાહ અગાઉ વસ્ત્રાપુર હિટ એન્ડ રન કેસમાં પણ અપરાધી જાહેર થયો હતો. અડાલજમાં ફાર્મ હાઉસ ખાતે ક્રિસમસની પૂર્વ સંધ્યાએ શરાબની મહેફિલ માણવાના મામલામાં વિસ્મય શાહની અન્ય પાંચ સાથે ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે સોમવારના દિવસે સમગ્ર મામલામાં વિસ્મયની જામીન અરજી પર દલીલોની સુનાવણી પુરી કરી હતી અને ચુકાદા માટેની તારીખ આજની નક્કી કરી હતી. બંને પક્ષો તરફથી તર્કદાર દલીલો કરવામાં આવી હતી. આ કેસમાં સુનાવણી કરવામાં આવ્યા બાદ જસ્ટિસ એવાય કોગ્જે દ્વારા ચુકાદાની તારીખ આજ ઉપર છોડી હતી. વિસ્મય શાહે સામાજિક સેવા કરવાની બાંહેધરી આપ્યા બાદ સમગ્ર મામલામાં વિસ્મયને જામીન મળી ગયા હતા. આ પહેલા જસ્ટિસ ઉમેશ ત્રિવેદી, એપી ઠાકર અને વીવી માયાણી સમક્ષ વિસ્મયની જામીન અરજીની સુનાવણી ચાલવાની હતી પરંતુ અહીં મામલો આગળ વધ્યો ન હતો. જસ્ટિસે પોતાને અલગ કરી લેતા આની ચર્ચા જોવા મળી હતી. ચોથી જાન્યુઆરીના દિવસે જસ્ટિસ એસી રાવે વિસ્મય તેની પત્નિ પુજા અને આ દંપત્તિના ચાર મિત્રો કામચલાઉ જામીન આપ્યા હતા. જસ્ટિસ કોગ્જેએ પાંચેય સહ આરોપીઓને નિયમિત જામીન મંજુર કર્યા હતા પરંતુ વિસ્મયના અગાઉના વર્તનની વિગતો માંગી હતી. વસ્ત્રાપુર વિસ્તારમાં ૨૦૧૩માં બે યુવાનોએ હિટ એન્ડ રન મામલામાં મૃત્યુ પામ્યા હતા. વિસ્મયે આજે સામાજિક સેવા કરવાની ખાતરી આપી હતી જેના લીધે વિસ્મયને જામીન મળી ગયા હતા. જો કે, તેના આચરણને સુધારવાના પ્રયાસો કરવા પડશે. ગુજરાતમાં દારુબંધી હોવાથી વિસ્મયના મામલામાં કઠોર વલણ અપનાવવામાં આવ્યું હતું. કાયદાઓ ગરીબ અને અમીર વચ્ચે અલગ અલગરીતે રહેવા જોઇએ નહીં તેવી દલીલ પણ કરવામાં આવી હતી. શરાબબંધીના કાયદાઓના ભંગ બદલ આરોપી સામે પ્રથમ વખત ગુનો નોંધાયાની દલીલ પણ થઇ હતી.

Previous articleગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળો કેર : વધુ ૩ના મૃત્યુ
Next articleબંદુક સાફ કરતા-કરતા છૂટી ગઇ ગોળી અને સૈનિકનું મોત થયુ