કોંગ્રેસ  દ્વારા પીએમ નરેન્દ્ર મોદીની ઇમેજ બગાડવાનો પ્રયાસ : રૂપાલા

814

સુરેન્દ્રનગરમાં ભાજપના ક્લસ્ટર સંમેલનમાં કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલા ગરજ્યા હતા. પરસોત્તમ રૂપાલા કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી આવી છે, ત્યારે આ કાર્યક્રમ ચૂંટણીના શ્રીગણેશ કહી શકાય. આ તમામ ૨૬ બેઠક જીતીને આપણે લોકસભામાં જવાના છીએ. આપણે થોડી વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. વાતાવરણમાં હવા બદલવાનો પ્રયાસ થઇ રહ્યો છે. કોંગ્રેસ પીએમ નરેન્દ્ર મોદીની ઇમેજ બગાડવાનો પ્રયાસ કરી રહી છે. આગામી દોઢ મહિનાનો સમય છે ત્યારે એક મારી નમ્ર વિનંતી છે કે જે વિષયની સમજણ ન હોય તેમાં બોલવું નહીં. એવું જરૂરી નથી કે બધા સવાલના જવાબ તમારે આપવા. તેની માટે લોકો બેસાડેલા છે. વાત નાની હોય, પણ તેને વળ ચઢાવીને પાર્ટીને બદનામ કરવા માટેની એક સુઆયોજિત ચાલ છે, જેનો ભાગ આપણે ન બની જઇએ તેનું ધ્યાન રાખજો. ૨૬ સાંસદોની ટીમ સાથે આગામી લોકસભા આપણે જીતી જઇશું.  કોંગ્રેસ મોં-માથા વગરની વાતો કરીને લોકોમાં ભ્રમ ફેલાવવાની કોશિશ કરે છે. કોંગ્રેસ પાસે સાચું મટિરિયલ કંઇ નથી. ગ્રામ પંચાયતના સરપંચને ભારત સરકારની તિજોરીમાંથી એક કરોડની ગ્રાન્ટ મળે છે. ગામડાની પંચાયતને પૈસા આપવાનો નિર્ણય આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો. તેમણે કહ્યું કે દેવા નાબુદીની વાર્તા કરનારી આ કોંગ્રેસે ૫૨ હજાર કરોડ રૂપિયા માફ કર્યા હતા. પરંતુ કોના માફ થયા અને કોના માફ ન થયા એ હજુ કોઈને ખબર નથી. પૈસા જે ડિફોલ્ટર હોય તેના ખાતામાં પૈસા જમા થાય. પરંતુ, મને આપણા રાજ્યના ખેડૂતો પર ગર્વ છે, કારણ કે આપણા રાજ્યમાં કોઈ ડિફોલ્ટર છે જ નહીં.

દર વર્ષે મારા ખેડૂતો નવું દેવુ લઈને જુનું દેવુ ભરપાઈ કરી દે છે. એટલે એ કોઈ દિવસ ડિફોલ્ટર થતો જ નથી.  ૧૦ વર્ષમાં એક પહેલીવાર ૫૨ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના માફ કર્યા. એ વખતના કેગના રિપોર્ટમાં છે કે તે સમયના ૫ લાખ ખાતાઓ એવા છે જે બોગસ છે, જેમના ખાતામાં આ પૈસા જમા કરાવવામાં આવ્યા છે. કોંગ્રેસના તો એવા-એવા ગોટાળાઓ સામે આવી રહ્યા છે. તેઓ તો જ્યાં હાથ નાંખે ત્યાં માત્ર ગોટાળા જ છે. ખેડૂતોના પૈસા ખાઈ જનાર કોંગ્રેસ આપણને ઉપદેશ આપે છે. આ દેશ ઉપર કટોકટી નાંખનારા લોકો આપણને ઉપદેશ આપે છે કે તમે લોકશાહીની સંસ્થાઓનું અપમાન કરી રહ્યા છો. તમે આ દેશમાં કટોકટી નાંખી હતી, લશ્કરના વડાને ગુંડા કીધા હતા. આ બધી વાતોને આપણે દેશના લોકોને યાદ કરાવવાની આવશ્યકતા છે.

Previous articleચૂંટણી પહેલા સરકારનો માસ્ટરસ્ટ્રોક, ટેકાના ભાવે મગફળીની જંગી ખરીદી
Next articleએશિયાટીક સિંહ સંવર્ધન પ્રોજેક્ટ લોન્ચ, ૨૦૨૦ સુધીમાં કેન્દ્ર દ્વારા ૯૮ કરોડની સહાય