ગાંધીનગરમાં કાતિલ ઠંડીથી જનજીવન ઉપર ભારે અસર- ૪૮ કલાકમાં આઠ ડિગ્રીનો કડાકો

632

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિના કારણે હાલ સમગ્ર ભારતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તરભારતમાં હિમવર્ષાને લઇને ગાંધીનગરનું તાપમાન પણ એકાએક ઘટયું છે. બુધવારે ગાંધીનગરમાં ૧૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં ગઇકાલે એટલે કે ગુરુવારે ચાર ડિગ્રી ઘટીને ૧૧.૫ ડિગ્રી તાપમાન થઇ ગયું હતું. ત્યારે આજે શુક્રવારે પારો વધુ ચાર ડિગ્રી ગગટયો છે અને પારો ૮ ડિગ્રીએ થીજી થતાં ગાંધીનગરના જનજીવન ઉપર પણ તેની અસરો વર્તાઇ રહી છે. વહેલી સવારે અને રાત્રે નગરજના માર્ગો સુમસામ ભાસી રહ્યાં છે તો ઠંડા પવનોના આક્રમણને લઇને ઠંડીનો અનુભવ પણ વધુ થઇ રહ્યો છે.

આ વખત ચાલુ શિયાળાની ઋતુમાં સતત ઠંડી પડી રહી છે. જેના કારણે તેની જનજીવન ઉપર પણ અસર વર્તાઇ છે. સતતની સાથે સાથે અસહ્ય ઠંડી પડવાથી શ્વાસના દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. તો ખેતીને ઠંડીથી ફાયદો થશે તેમ ખેતીવાડી વિભાગના સુત્રો જણાવી રહ્યાં છે. ગાંધીનગરમાં શિયાળાની શરૂઆત આક્રમક થઇ હતી અને સતત તાપમાનનો પારો ૧૧ ડિગ્રીની આસપાસ રહેતો હતો જેના કારણે નગરજનોને કાતિલ ઠંડીનો અનુભવ થતો હતો.

તો ઉત્તરાયણ વખતે એટલે કે જાન્યુઆરી માસના મધ્ય ભાગે ફરી પારો ૭ થી ૯ ડિગ્રીની વચ્ચે રહેવા લાગ્યો હતો. જેના કારણે અસહ્ય ઠંડીથી નગરજનનો ઠુંઠવાયા હતા. તે વચ્ચે બે દિવસ પહેલા સોમ અને મંગળવારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તાપમાનનો પારો ઉંચકાયો હતો મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું ત્યારે લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રીએ આવી ગયું હતું.

જેના કારણે હવે શિયાળો પુરો થશે અને ઉનાળાની વહેલી શરૂઆત થશે તેમ લાગતું હતું. પરંતુ તે વચ્ચે ગઇકાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે સમગ્ર ઉત્તરભારતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. દિલ્હી સહિત ઘણા રાજ્યમાં હિમવર્ષા પણ થઇ હતી. જેની અસર ગાંધીનગરના વાતાવરણ ઉપર પણ પડી હતી. ગઇકાલે તાપમાન એકાએક ચાર ડિગ્રી ઘટી ગયું હતું અને ૧૧ ડીગ્રીએ ગાંધીનગર ઠર્યું હતું.

એટલું જ નહીં આજે ગઇકાલના તાપમાનના પારામાં વધુ ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને શુક્રવારે તાપમાનનો પારો ૮ ડિગ્રીએ આવીને થીજી ગયો હતો. શુક્રવારે મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. જેના કારણે સમગ્ર દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થયો હતો. આ ઉપરાંત ગુરુવાર અને શુક્રવાર એમ બંને દિવસ શીત લહેરોએ જાણે ગાંધીનગરને બાનમાં લીધું હોય તેમ લાગતું હતું. જેનાથી ઠંડીનો અનુભવ બેવડાઇ ગયો હતો.

કાતિલ ઠંડી ફરી શરૂ થવાના કારણે ગાંધીનગર શહેરના જનજીવન ઉપર પણ તેની અસર વર્તાઇ રહી છે. સવારે અને રાત્રે નગરના માર્ગો ઉપર કરફર્યું લાદી દીધો હોય તેવો માહોલ જોવા મળે છે. આવી ઠંડી હજુ એક દિવસ રહેશે તેમ હવામાન ખાતાનો વરતારો છે.

Previous articleઅમદાવાદ શહેરમાં શ્વાસ લેવાનું દિલ્હી કરતાં પણ જોખમી : પ્રદુષણનું સ્તર વધી ચિંતાજનક
Next articleમહાત્મા ગાંધી વિદ્યામંદિર ખાતે કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ