સાઉથ આફ્રિકાના બોલર ડેલ સ્ટેને કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો

913

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને શ્રીલંકા વિરુદ્ધ ડરબનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે એક ખાસ સિદ્ધિ મેળવી લીધી છે. સ્ટેને આ શ્રીલંકાની ઈનિંગની પ્રથમ બે વિકેટો ઝડપવાની સાથે ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવના ૪૩૪ ટેસ્ટ વિકેટના રેકોર્ડને પાર કરી લીધો. સ્ટેને કરિયરની ૯૨મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી લીધી છે. આ મેચ પહેલા સ્ટેનના નામે ૪૩૩ વિકેટ હતી. તેણે પહેલા લાહિરુ થિરિમાને (૦)ની વિકેટ સાથે કપિલ દેવની બરાબરી કરી અને બાદમાં ઓશાડા ફર્નાન્ડો (૧૯)ની વિકેટ ઝડપીને કપિલના રેકોર્ડને તોડી નાખ્યો. બાદમાં સ્ટેને વધુ એક વિકેટ લીધી જેનાથી તેની કુલ વિકેટોનો આંકડો ૪૩૬ થઈ ચૂક્યો છે.

કપિલ દેવે પોતાના કરિયરમાં કુલ ૧૩૧ ટેસ્ટ રમી જેમાં તેમણે ૪૩૪ વિકેટ લીધી હતી. ૧૯૯૪માં તેમણે પોતાની છેલ્લી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના મહાન બોલર સર રિચર્ડ હેડલીનો રેકોર્ડ તોડ્યો હતો. તે સમયે કપિલ સૌથી વધુ વિકેટ લેનારા બોલર હતા. જોકે, સ્ટેનના કરિયરની વાત કરીએ તો તેણે કપિલ કરતા ૩૯ ટેસ્ટ ઓછી રમીને આટલી વિકેટો ઝડપી છે.

ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલર્સની વાત કરીએ તો આ લિસ્ટમાં સૌથી ઉપર શ્રીલંકાનો જાદુઈ બોલર મુથૈયા મુરલીધરન છે જેણે ૧૩૩ ટેસ્ટમાં ૮૦૦ વિકેટ ઝડપી છે. બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાનો મહાન લેગ સ્પિનર શેન વોર્ન છે જેના નામે ૧૪૫ ટેસ્ટમાં ૭૦૮ વિકેટ છે. ત્યારબાદ ભારતના લેજેન્ડરી સ્પિનર અનિલ કુંબલેનું નામ આવે છે જે ૧૩૨ ટેસ્ટમાં ૬૧૯ વિકેટ ધરાવે છે.

ચોથા સ્થાને ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન છે જેણે ૧૪૮ ટેસ્ટમાં ૫૭૫ વિકેટ લીધી છે. પાંચમા સ્થાને ઓસ્ટ્રેલિયાનો મહાન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા છે જેણે ૧૨૪ મેચોના કરિયરમાં ૫૬૩ વિકેટો લીધી છે.

Previous article‘હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’ ૧ માર્ચે રિલિઝ થવા સજ્જ
Next articleIrani Cup: મેચના ચોથા દિવસે ફીલ્ડરનો થ્રો અમ્પાયરને માથામાં વાગ્યો