સંવેદના કુદરતના ઈન્ટરનેટને જોડતો કેબલ છે

1042

તમે કોઈને દિલથી યાદ કરતા હોવ ને તેનો અચાનક જ તમારા મોબાઈલ કે લેંડલાઈન ફોન પર ફોન આવી જાય, અને તમે બોલી પણ ઊઠો કે, ‘હું હમણા જ તમને યાદ કરતો હતો કે યાદ કરતી હતી.’  આનું કારણ તમે કદી વિચાર્યું છે? આનું કારણ છે, તમે જ્યારે તમારી મનગમતી કોઈ પણ વ્યક્તિને દિલથી યાદ કરતા હો છો, ત્યારે તમારી સંવેદનાનાં સેતુ વડે એટલે કે કુદરતના ઈન્ટરનેટના માધ્યમથી તમારા પ્રિયજન સુધી તમારી લાગણી પહોંચી જાય છે. જોકે આનો સીધો ખ્યાલ કદાચ ભલે તમારા પ્રિયજનને આવતો નથી. તેમ છતાં તેને પણ તમે એકાએક યાદ આવવા લાગો છો. પરિણામે તે પણ તમારો સંપર્ક સાધવા પ્રયત્નશીલ બની જાય છે. અને એકાએક તેનો તમારા પર ફોન, ઇમેલ, વ્હોટ્‌સ એપ કે એસ. એમ. એસ. પણ આવી જાય છે. કોઈવાર તો આવી વ્યક્તિ તમને સામે ચાલીને મળવા આવી જતી હોય એવું પણ ઘણી વખત બનતું જ હશે! આવું થવા પાછળ જવાબદાર સંવેદનારૂપી કુદરતી ઈન્ટરનેટ છે. આ સેતુ આપણને દુનિયાભરના લોકો સાથે જોડે છે. આ રીતે હું અને તમે અવારનવાર જોડાતાં જ હોઈએ છીએ. સંવેદના એક એવો કુદરતી કેબલ છે. જેના વડે મારી અને તમારી લાગણીનો સેતુ રચાતો જ રહે છે. તમે તમારા મનમાં જે સંકલ્પ કરો છો, તેમાં તમને મદદ કરી શકે, તેવા વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહનો કોઈ ને કોઈ રીતે સહયોગ મળી રહેતો જ હશે.

તમને ચારેકોર જ્યારે નિષ્ફળતા મળવા લાગે ત્યારે સમજી લેજો કે તમારા ઓપ્ટીકલ કેબલમાં ભંગાણ સરજાયું છે. તેને મરામતની જરૂર છે. તમે જેટલા સંવેદનશીલ બનશો તેટલા તમારા કેબલને ઊર્જાવાન રાખી શકશો. તમારા સંકલ્પો પૂરા કરવા મનમાં સુંદર મનોચિત્રણ તૈયાર કરો. તંદ્રા-અવસ્થામાં (આલ્ફા) તેનું મનન કરતા રહો. જે રીતે ઈન્ટરનેટ પર તમે જોઈતી માહિતી શોધી કાઢો છો, તે જ રીતે તમારા સંકલ્પને પૂર્ણ કરવા તમારું મન પોતાની અગાધ શક્તિ વડે તમને ઉપયોગી થઈ શકે તેવાં વ્યક્તિના મન સાથે આગળ જણાવ્યાં મુજબના કુદરતી ઈન્ટરનેટના માધ્યમથી જોડે છે. જે રીતે તમે કોમ્પ્યૂટર કે મોબાઈલ દ્વારા ઈન્ટરનેટ પરથી જરૂરી સામગ્રી મેળવી લો છો, તે જ રીતે તમારું મન જોઈતો સહયોગ મેળવી લે છે. આમ, આપણું મન સમગ્ર વિશ્વના લોકો સાથે આ કુદરતી ઈન્ટરનેટના માધ્યમથી જોડાઈ તમને સફળતાની વરમાળા પહેરાવી શકે છે. સંવેદના એક એવી અદ્ભૂત શક્તિ છે કે, જેના વડે વ્યક્તિ પોતાને જરૂરી હોય તેટલી ઊર્જા મનની અગાધ શક્તિ વડે મેળવી લે છે.

વાચક મિત્રો,

આમ તો આપણા શરીરમાં બે મન આવેલા છે, એક જાગૃત મન અને બીજું અર્ધ જાગૃત મન. જાગૃત મન ૧૦ ટકા શક્તિ ધરાવે છે. જ્યારે અર્ધ જાગૃત મન ૯૦ ટકા શક્તિ ધરાવતું હોય છે. જાગૃત મન વ્યક્તિની જાગૃત અવસ્થામાં કાર્ય કરતું હોય છે. પણ અર્ધ જાગૃત મન ૨૪ કલાક કાર્યરત રહે છે. તંદ્રાવસ્થામાં લગભગ બંને મન કાર્યશીલ હોય છે તેથી આવા સમયે જો વ્યક્તિ કોઈ પણ કાર્ય પાર પાડવા સંકલ્પ કરી તેનું મનન કરે તો તેને અવશ્ય સફળતાં મળે છે. જોકે આમા શંકાના કીડાને કોઈ સ્થાન હોવું ન જોઈએ. જાગૃત મન માલિક છે, જ્યારે અર્ધજાગૃત મન સેવક છે. જાગૃત મન તર્ક, વિચાર કે ખરાં-ખોટાની પરખ કરવાની શક્તિ ધરાવે છે. જ્યારે અર્ધજાગૃત મન આવી કોઈ પણ પ્રકારની શક્તિ ધરાવતું નથી. ઉલટાનું રમૂજમાં પણ જો તમે તેને કોઈ નકારાત્મક સંદેશ આપી દેશો તો પણ તેને સાચો સમજી લઈ તેના પર કામ શરૂ કરી દે છે. જેના લીધે તમે પોતે જ તમારી જાતને ગંભીર નુકસાન પહોંચાડી જાતે જ તકલીફમાં મુકાઈ જાવ છો. જોકે આની ખબર બહુ ઓછા લોકોને હોય છે. આપણે ઘણી વખત આપણા જ બાળક માટે ઘણા ઉતરતા શબ્દો વાપરી, આપણા જ બાળકના વિકાસને અવરોધતા હોઈએ છીએ. ‘તું મુરખ છો, તું ગધેડા જેવો છો’, ‘તને અક્કલ નથી’ વારંવાર તમે જ ઉચ્ચારેલા શબ્દો તમારા જ બાળકના વિકાસને હાનિ પહોંચાડે છે. તમારા માટે કોઈ પણ વ્યક્તિ જ્યારે અજુગતું કે ઊતરતું બોલે તેવા સમયે તમે પોતે બોલાયેલા શબ્દો કે વાંક્યોને નકારી દો. આમ કરવાથી તમારું અર્ધજાગૃત મન મળેલા ખોટા સંદેશને નકારી દઈ તેને ડિલીટ કરી દેશે. પરિણામે તમારા પર તેની નકારાત્મક અસર થશે નહિ.

જાગૃત મન માત્ર ૧૦ ટકા શક્તિ ધરાવતું હોવા છતાં માલિક છે તેનું મુખ્ય કારણ ઇશ્વરે તેને આપેલી તર્ક શક્તિ છે. આના લીધે તો આપણું જાગૃત મન ખરાખોટાનો નિર્ણય લઈ શકે છે. તમારા અર્ધ જાગૃત મનમાં તમને હાનિ પહોંચાડે તેવા નકારાત્મક સંદેશ તમારી જાણ બહાર પ્રવેશે નહિ તેની પણ કાળજી રાખે છે. આ માટે સાવધાન રહી ચોકીદારી કરે છે. જેના લીધે તમે અનેક નકારાત્મક બાબતોનો ભોગ બનતા અટકી જાવ છો. તમારા સંકલ્પો પૂરા કરવા રોજ રાત્રીના સૂતા પહેલાં કે સવારના ઊઠતા પહેલાં જ્યારે તમે (આલ્ફા) તંદ્રા અવસ્થામાં હોવ ત્યારે તમારા સંકલ્પોને સિદ્ધ કરવા ચિંતન અને મનન કરવાનું રાખો. તમને જરૂર સફળતા મળશે. કારણ કે તમારું મન દુનિયાભરનાં લોકો સાથે કુદરતી ઈન્ટરનેટના માધ્યમથી જોડાઈ જરૂરી સહયોગ મેળવી શકે છે. અર્ધજાગૃત મનની આ શક્તિના કારણે, આપણે સાવ અજાણી વ્યક્તિ કે બિલકુલ અજાણ્યા વિસ્તારમાં સફળ નીવડતાં હોઈએ છીએ. આ સફળતા આપણા અર્ધજાગૃત મનનાં લીધે જ મળતી હોય છે. તેથી તો આપણા આ બંને મનની અગાધ શક્તિઓનો લાભ લેવા આપણી સંવેદનાના કેબલને સમયાંતરે મરામત કરતાં રહેવું જોઈએ.

આપણે ૈં. ઊ. એટલે કે બુદ્ધિ આંક માટે જેટલાં ચિંતિત છીએ. તેટલાં ભાગ્યે જ ઈ. ઊ. એટલે કે લાગણીઆંક, કે પછી જી. ઊ. એટલે કે આધ્યાત્મિક આંક માટે જાગૃત હોઈએ છીએ ખરા? લાગણી અને આધ્યાત્મિક બાબત આપણને માનવતા તરફ દોરી જાય છે. તેથી આપણે આ બંનેના આંકમાં સતત વૃદ્ધિ થતી રહે તેવા પ્રયત્નો કરતા રહેવું જોઈએ. પણ મિત્રો, હું ખેદ સાથે તમારા સૌ વતી, અંતરથી સ્વિકારી જણાવા માંગુ છું કે- ‘આપણે આ બાબતે સાવ બેદરકાર રહીએ છીએ. જોકે સમય આવ્યે લાગણીની વાત કરવામાં કદી પાછી પાની કરતાં નથી. આપણી માન્યતા તો એવી જ હોય છે કે, બુદ્ધિથી દુનિયામાં રહેલી તમામ ખુશીઓ આપણે મેળવી લઈશું પણ વાસ્તવિકતા તો તદ્દન જુદી જ છે. લાગણી અને આધ્યાત્મિકક્ષેત્રે જેઓ સફળતાપૂર્વક આગળ ધપી શકે છે તે જ સોહમ આનંદને પામે છે.

સંવેદના માટે કહેવું હોય તો નીચેની પંક્તિઓમાં કહી શકાય…

નો’ તા ચંદ્ર સીતારાં,  નો’ તા સૂર્ય ઝગારા.

જાગ્યા સંવેદનાના ફુવારા;

વાત બધી વંટોળ ચાલી, રાત બ્રહ્માની ભાંગી ત્યારે ખીલી આભ અટારી,

ગગનભેદી થયો ધડાકો, થયું આ જગત  સુંદર મજાનું,

બની આકાશ ગંગા વાદળી થઈ વર્ષી સંવેદના, વાયા વાણાં કરોડો વર્ષના.

જિંદગીમાં સફળ બનવા ચોક્કસ ધ્યેય નક્કી હશે, તો તમારો સંવાદ કુદરતી નેટવર્ક વડે સ્થપાશે. સ્થપાયેલો તમારો સંવાદ તમને સિદ્ધી તરફ દોરી જશે. સિદ્ધિના માલિક બનવા સારું વિચારો, સુંદર આયોજન તૈયાર કરો. તમારા કાર્યને સફળ બનાવવા તેને વર્ગીકૃત કરી કામનું મૂલ્યાંકન કરો. તમે જે કામ કરવા ઈચ્છતાં હોવ તેનું પરિણામ તાર્કિક રીતે ચકાસી લો. તમારા જાગૃત મનની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ બુદ્ધિને કામે લગાવી કરશો તો સંવેદનાનાં સેતુ વડે તમે સફળતાની સીમાને સ્પર્શી શકો છો. આ માટે તમારી નિર્ણય શક્તિ પાવરફૂલ હોવી અનિવાર્ય છે. અર્ધ-જાગૃત મન ખૂબ જ શક્તિશાળી હોવા છતાં તેની પાસે ઉપરની કેટલીક મૂલ્યવાન શક્તિઓના અભાવે તે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકતું નથી. તેથી અર્ધ-જાગૃત મનની પાસે જે કામ લેવાનું હોય તેના આયોજનથી લઈ તમામ કાર્યોનું સંચાલન તેનું મૂલ્યાંકન સહીતના પાસા ચકાસવાનું કામ જાગૃત મનની દેખરેખ નીચે સોંપવાનું હોય છે. સંવેદનાનાં સેતુ વડે આપણે આપણા મનના માધ્યમથી જરૂરી સહયોગ મેળવી જીવનની સાચી આધ્યાત્મિક પૂંજી કમાઈ શકીએ છીએ, માટે આપણે કહી શકીએ કે-સંવેદના કુદરતના ઇન્ટરનેટને જોડતો ઓપ્ટીકલને કેબલ છે.

Previous articleપુલવામાના સુત્રધાર ગાઝી સહિત ૩ ઠાર
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે