આધુનિક સુવિધાયુક્ત શહેરો એ જનસુખાકારીની પારાશીશી છે : રૂપાણી

688

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજકોટને જનસુખાકારીના રૂ. ૫૦૪ કરોડના વિકાસ કામોની ભેટ ધરી છે. શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન આ જંગી રકમના કામોનું તેમણે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે આ વેળાએ જણાવ્યું કે, આધુનિક સુવિધાયુક્ત શહેરો એ જનસુખાકારીની પારાશીશી છે. આજના યુગમાં શહેરી વિકાસ અને જનસુખાકારીની સુવિધાઓ જ જનતાની ખુશહાલીનું માધ્યમ છે. શહેરો એ આપણા સમાજના ચેતના કેન્દ્રો છે.

અહીના ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર યોજાયેલી જાહેરસભાને સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ રાજ્યના શહેરોને આધુનિક બનાવવા માટે કરવામાં આવેલા વિકાસ કામોની રૂપરેખા આપતા ઉમેર્યું કે,

કોંગ્રેસના રાજમાં દાયકાઓમાં માંડ એકાદો બ્રિજ બનતો હતો. એ ગાળામાં ટ્રાફિક ડબલ થઇ જતો, એવા સેતુનો ક્યાંય હેતુ સરતો નહોતો. ગુજરાતમાં છેલ્લાં બે દાયકામાં આપણે જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે લોકોને સરળતા તરફ દોરી જવાના નક્કર હેતુ સાથે રોડ-રસ્તા, અંડરબ્રિજ, ઓવરબ્રિજના નિર્માણ-સુદ્વઢીકરણ સાથે જનજીવનને વધુ ને વધુ સરળ બનાવ્યું છે.

ગુજરાત સરકારની સર્વાંગી વિકાસની નેમના લીધે આજે રાજકોટ સહિતના અમદાવાદના આઠેય મહાનગરોનો વિકાસ ટોપ સ્પીડે દોડી રહ્યો છે. ગ્લોબલ ઇકોનોમિક રિસર્ચ રિપોર્ટે આવતા ૧૦ વર્ષમાં દુનિયામાં સૌથી વધુ ઝડપે વિકાસ પામનારા ૧૦ શહેરોમાં ગુજરાતના રાજકોટ અને સુરત શહેર સામેલ કર્યાં છે. સમગ્ર રાજકોટવાસીઓ માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે. રાજ્યમાં વધતા જતા શહેરીકરણ અને આર્થિક સમૃદ્ધિ – ઉદ્યોગ – વેપારના વ્યાપને કારણે વાહનોની સંખ્યા વધતી જાય છે. તેથી વાહન યાતાયાતમાં સરળતા રહે, ટ્રાફિક જામના પ્રશ્નો ઊભા ન થાય એ માટે આ વર્ષના બજેટમાં મહત્વની જોગવાઇ કરી છે. આઠ મહાનગરપાલિકા વિસ્તારોમાં ૫૪ અને નગરપાલિકા વિસ્તારોમાં ૨૧ એમ કુલ ૭૫ ફ્લાયઓવર બનવા છે. ૮ ફ્લાયઓવર તો એકલા રાજકોટમાં બનવાના છે.

Previous articleદેવભૂમિ દ્વારકા જીલ્લામાં વાતાવરણમાં પલટોઃ વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં ચિંતા
Next articleએલઆરડી પેપર લીકઃ વડગામથી મૌલિક પટેલની ધરપકડ