હેમિલ્ટન ટેસ્ટઃ ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને ઇનિંગ અને ૫૨ રનથી પરાજીત કર્યુ

547

સૌમ્ય સરકાર અને મહમૂદલ્લાહની સદી છતાં ન્યૂઝીલેન્ડે ટ્રેન્ટ બોલ્ટની પાંચ વિકેટની મદદથી બાંગ્લાદેશને પ્રથમ ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસે ઈનિંગ અને ૫૨ રનથી પરાજય આપ્યો હતો. આ સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ મેચ ૮ માર્ચે વેલિંગટનમાં રમાશે.

સૌમ્ય સરકારે ૧૪૯, જ્યારે કેપ્ટન મહમૂદુલ્લાહ ૧૪૬ રનની ઈનિંગ રમી અને બંન્નેએ પાંચમી વિકેટ માટે ૨૩૫ રનની ભાગીદારી પણ કરીપરંતુ તેમ છતાં તેની ટીમ ૧૦૩ ઓવરોમાં ૪૨૯ રન પર આઉટ થઈ ગઈ હતી. બંન્નેએ એક સમયે બાંગ્લાદેશનો સ્કોર ચાર વિકેટ પર ૩૬૧ રન સુધી પહોંચાડી દીધો હતો અને લાગી રહ્યું હતું કે, ટીમ ઈનિંગથી પરાજય બચાવવામાં સફળ રહેશે, પરંતુ સરકારના આઉટ થયા બાદ ટીમ ૬૮ રનની અંદર આઉટ થઈ ગઈ હતી. સરકારે પોતાની પ્રથમ ટેસ્ટ સદી દરમિયાન ૧૭૧ બોલનો સામનો કરતા ૨૧ ફોર અને પાંચ સિક્સ ફટકારી હતી. મહમૂદુલ્લા આઉટ થનાર છેલ્લો બેટ્‌સમેન રહ્યો હતો. તેણે ૨૨૯ બોલનો સામનો કરતા ૨૧ ફોર અને ત્રણ સિક્સ ફટકારી હતી.

બોલ્ટે ૧૨૩ રન આપીને પાંચ, જ્યારે ટિમ સાઉદીએ ૯૮ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. નીલ વેગનરને બે સફળતા મળી હતી. બાંગ્લાદેશની ટીમે પ્રથમ ઈનિંગમાં ૨૩૪ રન બનાવી શકી હતી. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડ છ વિકેટ પર ૭૧૫ રન બનાવીને ઈનિંગ ડિક્લેર કરતા પ્રથમ ઈનિંગના આધારે ૪૮૧ રનની લીડ મેળવી હતી.

Previous articleઅનિલ કુંબલે ફરી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના અધ્યક્ષ
Next articleટીવી શૉ કપિલ શર્માના શૉમાં કમબેક કરશે નવજોતસિંહ સિદ્ધુ..!!