હવામાન ખાતાની આગાહી, આગામી ૪૮ કલાકમાં ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થઇ શકે

1109

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ની સાથે વાવાઝોડાની સ્થિતિ સર્જાતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૪૮ કલાક સુધી દેશના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

ડિસ્ટબર્ન્સના કારણે હિમાલિયન રાજ્યો અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આગામી ૨૪થી ૪૮ કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની શક્યતા વ્યકત છે.

ઉલ્લેખનીય છે કે, દેશને અડીને આવેલા પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં સર્જાયેલા એકાએક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની સાથે હવાના વાવાઝોડાની સ્થિતિ સર્જાતા દેશના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

ખાસ કરીને હિમાલિયન અને ઉત્તર પૃર્વી રાજ્યો તેમજ રાજસ્થાન સહિતના વિસ્તારોમાં વરસાદની શકયતા છે. જ્યારે આગામી ૨૪થી ૪૮ કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની શકયતા વ્યકત થઈ છે.

જમ્મૂ અને કશ્મીરમાં ભારે હિમવર્ષા નોંધાઈ છે. જમ્મૂ-કશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષા થયા બાદ જન જીવન સહિત વાહન વ્યવહાર સેવા પણ ઠપ થઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં જમ્મૂ-કશ્મીરમાં ભારે હિમવર્ષા થતા અનેક વાહન ચાલકો અટવાયા છે. સ્વર્ગમાં ઠેર ઠેર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે.

એટલું જ નહીં અનેક વિસ્તારો એવા પણ છે કે જ્યાં પાણી અને વીજળીની સમસ્યા પણ સામે આવી છે અને લોકો પાણી તથા વીજળીથી વંચિત બન્યા છે. સ્થાનિકોનું પણ કહેવું છે કે, એવુ લાગી રહ્યુ છે કે પહેલીવાર આટલી લાંબી શિયાળાની સિઝન ચાલી છે. માર્ચ મહિનાની પણ શરૂઆત થઈ ગઈ છે તેમ છતા છેલ્લા બે દિવસથી અહીં ભારે હિમવર્ષા થઈ રહી છે. તો હિમવર્ષાના પગલે લોકો પણ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ગોંડલ પંથકમાં વાદળછાયું વાતવરણ છે અને વરસાદી છાંટા પણ પડ્‌યા જેને લઇ ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. ઘઉં, જીરૂ, ચણા સહિતના પાકોમાં ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ફરીવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ડીસા, લાખણી, ધાનેરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્‌યા હતા. જેને લઈને બટાટા, જીરું અને રાયડાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

મહત્વનું છે કે, થોડા સમય પહેલા રાજસ્થાનમાં સર્જાયેલાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના પગલે રાજ્યમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તેમજ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી.

Previous articleબ્રહ્મસમાજનો પંચમ સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાયો
Next articleઅંબાજીનો ગબ્બર રૉપ-વે છ દિવસ માટે બંધ રહેશેઃ૧૦ માર્ચથી ચાલુ થશે