વિવેકાનંદ મંડળના યુવાનોને સ્પોટ્‌ર્સ કિટનું વિતરણ : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

644

રાજયના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના ઉપક્રમે ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત સ્વામી વિવેકાનંદ યુવા સંમેલન અને સ્પોટ્‌ર્સ કિટ વિતરણ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે જિલ્લાના તળાજા, મહુવા, જેસર અને ઘોઘા તાલુકાના યુવાનોને ૩૦૦ જેટલી સ્પોટ્‌ર્સ કિટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને પ્રેરણા આપતાં મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે દેશની ૬૫ ટકા વસ્તી ૩૫ વર્ષથી ઓછી વયની છે એ નાતે સૌથી વઘુ યુવાનો ભારતમાં છે. ત્યારે વિશ્વને શીલ અને ચારિત્ર્યનો સંદેશો આ૫નારા સ્વામી વિવેકાનંદને યાદ કરતાં કહયું હતુ કે વિવેકાનંદ કેન્દ્રોએ રાજ્યના યુવાનોએ તક પૂરી પાડી છે. દરેક યુવાનમાં કંઈક નવું કરવાની ક્ષમતા હોય છે. આવા સમયે જાતિવાદ, કોમવાદ જેવા કોઈ પણ વાદમાં ફસાયા વિના રાષ્ટ્રવાદને અનુસરવા પ્રેરણા આપી હતી.

આ તકે પુલવામાં આતંકી હુમલાના પ્રત્યુત્તરરૂપે ઈંટના જવાબ પથ્થર તરીકે કરવામાં આવેલી વળતી કાર્યવાહીને બિરદાવતાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, આજે આપણો દેશ એટલો સક્ષમ બન્યો છે કે આવી ગંભીર પરિસ્થિતિમાં વિશ્વના અન્ય દેશો પણ આપણી પડખે ઊભા છે. આમ કહી વિવેકાનંદ યુવા મંડળના યુવાનોને તેમની પ્રવૃત્તિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે પુલવામા હુમલાના યુવાનોને શ્રદ્ધાંજલિરૂપે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યાર બાદ આરાધ્યા વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓ દ્વારા શૌર્યગીત પર પ્રસ્તુતિ રજૂ કરાઈ હતી તેમજ આંતરરાષ્ટ્રીય ગોલ્ડમેડલ વિજેતા જાનવી મહેતા દ્વારા યોગની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા વિવેકાનંદ મંડળના દિગ્વિજયસિંહ, જિલ્લા ભાજપના નારણભાઈ મોરી, વિક્રમસિંહ, નગરપાલિકા પ્રમુખ દક્ષાબા સરવૈયા, તળાજા મામલતદાર ઝીલ પટેલ, રમતગમત અધિકારી ડૉ. અરુણ ભલાણી સહિતના હોદ્દેદારો, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleબરવાળા ન.પાલિકાના સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા
Next articleસ્ટેન્ડીંગ કમિટિમાં વિકાસ લક્ષી કામોના ૮ર જેટલા ઠરાવો ચર્ચા બાદ પાસ થયા