પાલિતાણા શેત્રુંજી ડેમ ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી નર્મદા નીરના વધામણા કરશે

1972

સૌરાષ્ટ્રના જળાશયોને નર્મદાના પાણીથી ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સૌની યોજનાના બીજા તબક્કા અંતર્ગત ભીમડાદથી ભાવનગરના શેત્રુંજી ડેમ સુધીની યોજના તેમજ ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે નવનિર્મિત પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સનું લોકાર્પણ આવતીકાલ તા.૭ના રોજ સવારે ૯-૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે શેત્રુંજી ડેમ ખાતેથી કરવામાં આવનાર છે. આ સાથે જ શેત્રુંજીથી રાયડી જળાશય સુધીની કામગીરી તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણાધીન તરસમિયા, ભાવનગર ખાતેના આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારોમાં નર્મદાના પાણી પહોંચાડવા માટે સૌની યોજના-સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કુલ ત્રણ તબક્કામાં આકાર લેનારી આ યોજનાના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા બીજા તબક્કાની કામગીરીની પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પાલિતાણાના જીનદાસ ધર્મદાસ પેઢીના મેદાન ખાતે ભીમડાદથી શેત્રુંજી ડેમમાં નર્મદાના પાણી ઠાલવવામાં આવનાર છે. આ તકે યોજાનારા ઉદઘાટન સમારંભના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા તેમજ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જળસંપત્તિ અને પાણીપુરવઠા રાજ્યમંત્રી પરબતભાઈ પટેલ ઉપસ્થિતિ રહેશે. આ સાથે જ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા કુલ રૂ.૨૩.૭૩ કરોડના ખર્ચે તૈયાર ભાવનગર પોલીસ સ્ટાફ માટેના બહુમાળી ક્વાર્ટર્સનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે. તદુપરાંત, શેત્રુંજીથી રાયડી જળાશય સુધીની કામગીરી તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણાધીન તરસમિયા, ભાવનગર ખાતેના ઈઉજી-૧ તથા ઈઉજી-૨ના કુલ ૨૪૯૬ આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં રાજ્યના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી, શિક્ષણ અને મહિલા બાળકલ્યાણમંત્રી વિભાવરીબેન દવે, ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, મેયર મનહરભાઈ મોરી, જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા, સંસદસભ્ય નારણભાઈ કાછડિયા તેમજ  ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી,  આર.સી. મકવાણા,  કેશુભાઈ નાકરાણી,  ભીખાભાઈ બારૈયા,  કનુભાઈ બારૈયા,  પ્રવીણભાઈ મારૂ સહિતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.

Previous articleજીજ્ઞેશ દાદાની ભાગવત કથાનો ભાવનગર ખાતે આજથી પ્રારંભ
Next articleઆજથી ધોરણ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ