શેત્રુંજીમાં નર્મદાનાં નીરનાં વધામણા કરતા મુખ્યમંત્રી

838

ગોહિલવાડના શેત્રુંજી ડેમમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નર્મદા નીરના વધામણાં કર્યા હતાં. સૌની યોજનાના બીજા તબક્કા અંતર્ગત આ પ્રોજેક્ટથી ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર, ગઢડા અને ઉમરાળા શહેરને પીવાના પાણીની સુવિધા મળશે અને ખેતીમાં ભાવનગર જિલ્લામાં ૧.૨૩ લાખ એકર અને બોટાદની ૧૬ હજાર એકરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળશે.

સમયાંતરે દુષ્કાળ માટે જાણીતા એવા સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ ખૂબ જ ટૂંકી લંબાઇની અને ખડકાળ તળીયું ધરાવતી હોવાના કારણે બારેમાસ વહેતી નથી. બીજી તરફ, અનિયમિત વરસાદના કારણે પાણીની ઉપલબ્ધિ પણ અનિશ્ચિત છે. ત્યારે આ વિસ્તારમાં સિંચાઈ માટે તેમજ ઘરવપરાશ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે જળાશયોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને આ સમસ્યાને અંશતઃ હલ કરી શકાય છે. આ ઉકેલરૂપ યોજના એટલે સૌરાષ્ટ્ર નર્મદા જળ અવતરણ યોજના એટલે કે સૌની યોજના.

પ્રથમ તબક્કાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવેલા આ બીજા તબક્કામાં કુલ રૂ. ૬૪૭૩ કરોડ રૂપિયાના ખર્ચે સૌરાષ્ટ્રના ૫૭ જળાશયોના ૩.૭૭ લાખ એકર વિસ્તારને સિંચાઇ સુવિધાનો લાભ મળશે. જે અંતર્ગત લિંક-૨માં ભીમડાદથી શેત્રુંજી સુધી પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર પહોંચતાં આજે મુખ્યમંત્રી દ્વારા નર્મદામૈયાને વધાવી આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સૌની યોજનાના આ બીજા તબક્કામાં ભાવનગર જિલ્લાનાં ૫ જળાશયો (રંઘોળા, હણોલ, ખારો, રજાવળ અને શેત્રુંજી) તેમજ બોટાદ જિલ્લાના ૨ જળાશયો (માલપરા અને કાળુભાર) દ્વારા બંને જિલ્લામાં પૂરક સિંચાઈ સુવિધા પૂરી પાડવા માટે કુલ રૂ. ૧૭૮૮ કરોડના ખર્ચે ત્રણ જુદા જુદા પેકેજમાં લિંક-૨ના પાઇપલાઇનનાં કામો પૂર્ણ થયેલ છે.

અયોધ્યામાં રામ, યુવાનોને કામ, કિસાનોને સહી દામ, મોંઘવારી પર લગામ : મુખ્યમંત્રી

ભાવનગર,તા.૭

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે શેત્રુંજી ડેમમાં નર્મદા જળના વધામણાં કરતાં ગુજરાત વિરોધીઓને સ્પષ્ટ કહ્યું હતું કે સૌરાષ્ટ્રની પ્રજાને તરસી રાખી ખેડૂતોને બરબાદી તરફ ધકેલવાનું જે પાપ તેમણે કર્યું છે તેને પ્રજા માફ નહીં કરે. ગુજરાતની જનતામાં પાણીમાંથી પારસમણી પેદા કરવાની અને ખેડૂતોને વીજળી અને પાણી મળે, તો સોનું ઉગાડવાની તાકાત છે, એમ કહીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે સૌની યોજનાથી પાણીનો દુષ્કાળ ભૂતકાળ બની જશે. સૌની યોજના અંતિમ તબક્કામાં છે. આવતા વર્ષે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ રૂ. ૧૮,૦૦૦ કરોડના ખર્ચે નર્મદા મૈયાના પાણીથી છલોછલ થઇ જવાના છે.

અયોધ્યામાં રામ, યુવાનોને કામ, કિસાનોને સહિ દામ અને મોંઘવારી પર લગામ’- આ મંત્ર સાથે સરકાર કાર્યરત છે એમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ’અમે જે કહીએ છીએ, તે કરીએ જ છીએ’ તેની પ્રજા સાક્ષી પણ છે. આતંકવાદીઓને વીણીવીણીને ખતમ કરવાનું કામ પણ આપણી સેનાએ શૌર્યતાથી કર્યું છે.

દરિયાના ખારા પાણીને શુદ્ધ પાણીમાં ફેરવી પીવાલાયક મીઠા બનાવવાનો ડિસેલિનેશન પ્રોજેક્ટનો આપણે પ્રારંભ કર્યો છે  ભાવનગરમાં પણ આવો એક ડિસેલિનેશન પ્લાન્ટ શરૂ કરાશે તેની વિગતો તેમણે આપી હતી.

અલંગ ખાતે મેરિટાઇમ બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવેલી હોસ્પિટલનું લોકાર્પણ તકતી અનાવરણ કરીને ચાવી અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. જિલ્લાના મહેસૂલી અને ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓએ તેમના એક દિવસના પગારમાંથી એકઠા કરેલા રૂ. ૧૯ લાખનો ચેક તેમજ કૃણાલ ગ્રૂપે રૂ. ૨.૫૧ લાખ શહીદ પરિવારોના ફંડ માટે અર્પણ કર્યા હતા.

Previous articleધો.૧૦ની પરીક્ષામાં ૭૮૨ વિદ્યાર્થીઓ ગેરહાજર
Next articleશોર્ટ ફિલ્મ ’અશ્રુ’નું પોસ્ટર થયું લોંચ!