મા અને મા વાત્સલ્યના લાભાર્થીઓને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે

844

રાજ્યનાં આરોગ્ય કમિશનર ડૉ.જયંતિ રવિએ જણાવ્યું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓ માટે અમલી કરેલી આરોગ્યલક્ષી શ્રેષ્ઠ યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ હવે ગુજરાત રાજ્યનાં ‘મા’  અને ‘મા વાત્સલ્ય’ યોજનાના લાભાર્થીઓને પણ મળશે.

રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા ચાલુ વર્ષે બજેટમાં મુખ્યમંત્રી અમૃતમ ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાના તમામ લાભાર્થીઓને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી હતી. જેની અમલવારી તા.૧લી માર્ચ ૨૦૧૯થી કરી દેવામાં આવી છે.

‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાના તમામ ૭૦ લાખ જેટલા લાભાર્થી કુટુંબો એટલે કે ૩.૫ કરોડ નાગરિકોને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો સમાન રીતે પ્રાથમિક, સેકન્ડરી અને ગંભીર બિમારીઓ માટે લાભ મળશે.

આરોગ્ય કમિશનર ડૉ.જયંતિ રવિએ યોજનાના લાભો જણાવતાં કહ્યું હતું કે, આ યોજના હેઠળ નોંધાયેલા પરિવારોને રૂ.૫ લાખ સુધીની સારવાર નોંધાયેલી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે. તે ઉપરાંત પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી બિમારીઓમાં આંખના રોગો, કાન, નાક અને ગળાના રોગો, સ્ત્રી રોગો, હૃદયના રોગો, માનસિક રોગો, કિડનીના રોગો, મગજના રોગો, ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓને લગતા ગંભીર રોગો, કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ તથા કિડની અને લિવરના રિપ્લેસમેન્ટ સહિતની સારવારોમાં લાભ મળવાપાત્ર થશે. કુલ ૩૧૧૦ સંલગ્ન સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર ઉપલબ્ધ થશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દરેક લાભાર્થીઓને આવવા-જવાના ભાડા પેટે ડિસ્ચાર્જ સમયે રૂ.૩૦૦ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ મળવાપાત્ર થશે. આ યોજના સાથે જોડવામાં તમામ હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી આયુષ્માન મિત્ર પણ ઉપલબ્ધ થશે. જેઓ લાભાર્થીઓને સરળતા માટે સારવાર સમયે માર્ગદર્શન પુરુ પાડશે અને મદદરૂપ થશે.

Previous articleહાઈકોર્ટની ટકોર બાદ તંત્ર જાગ્યું, સ્વાઈન ફ્‌લૂ મુદ્દે આરોગ્ય કમિશનરે માહિતી આપી
Next article‘ડિજિટલ ઈન્ડિયા’ : મહેસૂલ વિભાગની કુલ ૧૦ સેવાઓ ઓનલાઈન થશે