ભારત આતંકવાદીઓને તેમની ભાષામાં જવાબ આપશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

502

પુલવામા ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય હવાઈ દળ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને લઈને પુરાવા માંગનારની વડાપ્રધાન મોદીએ આજે જોરદાર ઝાટકણી કાઢી હતી. વડાપ્રધાને પાકિસ્તાન અને આતંકવાદ પર વિગતવાર રીતે પ્રહાર કરીને ટુકડે ગેંગને પણ જોરદાર ઝાટકી કાઢી હતી. મોદીએ કહ્યું હતું કે જ્યારે પાકિસ્તાન ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને લઈને પરેશાન અને હચમચી ઉઠેલું હતું ત્યારે ટુકડે ટુકડે ગેંગના લોકો આ બાબતને લઈને ચર્ચા કરી રહ્યા હતા કે આ બાલાકોટ કયા વિસ્તારમાં છે. તેમણે કહ્યું હતું કે જ્યારે પાકિસ્તાન કહી રહ્યું હતું કે મોદીએ હુમલા કરાવ્યા છે ત્યારે અહીંના લોકો પ્રશ્ન કરી રહ્યા હતા. વિપક્ષી પાર્ટીઓની ઝાટકણી કાઢતા મોદીએ કહ્યું હતું કે આજે ભારતની અંદર જ પોતાને મોટા નેતા તરીકે ગણનાર ઘણા લોકો રહેલા છે. આ લોકો જુદી ભાષા બોલે છે. તેના કારણે પાકિસ્તાની લોકોને ફાયદો થાય છે. દુશ્મનોને તાકાત મળે છે. દેશના જવાનોના પરાક્રમો ઉપર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. જેના લીધે પડોશી દેશના લોકો ખુશ થાય છે.

ટુકડે ટુકડે ગેંગની ચાલ એવી છે કે હવાઈ હુમલા બાદ પાકિસ્તાન પરેશાન હતું પરંતુ અહીંના લોકો આ બાલાકોટ ભારતમાં છે કે પાકિસ્તાનમાં તેને લઈને ચર્ચા કરી રહ્યા હતા. આ પ્રકારનો લોકો પર વિશ્વાસ કરી શકાય નહીં. વર્ષ ૨૦૧૬માં પ્રથમ વખત અમારી સરકારે આતંકવાદી આકાઓને તેમની ભાષામાં જવાબ આપ્યા હતા. જે ભાષામાં તે સમજે છે તે ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે. ઉરીમાં હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી ત્યારે પણ આ લોકો પુરાવા માંગી રહ્યા હતા. હવે પુલવામા હુમલા બાદ ભારતીય જવાનોના પરાક્રમ વચ્ચે પણ આ લોકો પુરાવા માંગી રહ્યા છે.  તેમણે કહ્યું હતું કે અમારા વીર જવાનો દુશ્મનના ઘરમાં ઘુસીને તેમને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ત્રાસવાદીઓને ભારત તરફથી આ પ્રકારના હુમલાની અપેક્ષા ન હતી. પાકિસ્તાને જમીનો ઉપર ટેન્કો ગોઠવી હતી. પૂર્ણ તૈયારી કરી હતી. અમે ઉપરથી જતા રહ્યા હતા. અમે આને લઈને બિલકુલ શાંત હતા. આ ઘટના એટલી મોટી હતી કે રાત્રે સાડા ત્રણ વાગે પાકિસ્તાનની ઉંઘ હરામ થઈ ગઈ હતી અને સવારે પાંચ વાગ્યાથી ટ્‌વીટર ઉપર તેમના સંદેશાઓ જારી થઈ ગયા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે દેશના દુશ્મનો ભારત પ્રત્યે જે વલણ ધરાવતા હતા તેનું કારણ ૨૦૧૪ પહેલાની સરકારોનું વલણ હતું. મુંબઈમાં હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોતને ભુલાવી શકાય નહીં. તે વખતે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની જરૂર હતી પરંતુ સરકારે પગલા લીધા ન તા. તે વખતે પણ જવાનો તો તૈયાર હતા પરંતુ ઈચ્છાશક્તિ ન હતી. અગાઉની સરકારોએ આતંકવાદને તેની ભાષામાં જવાબ આપ્યો હોત તો આજે આ જટીલ સ્થિતિ ઉભી થઈ ન હોત. નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં જુદા જુદા મુદ્દાઓની વાત કરી હતી. ખાસ કરીને તેમની સરકાર દ્વારા કરાયેલા વિકાસ કામોનો ઉલ્લેખ કર્યો હતો. વિવિધ પગલાઓની વાત કરી હતી. મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં લેવાયેલા પગલાંની વાત કરી હતી.

Previous articleઅનિલ અંબાણી મોદીના ખાસ ચોકીદાર છે : રાહુલ
Next articleરૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : ત્રણ પ્રધાન સામેલ