મની લોન્ડરિંગ : નિરવ સામે નવી ચાર્જશીટ દાખલ કરાઈ

502

પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આજે મની લોન્ડરિંગ કેસમાં મુંબઈની એક અદાલતમાં ફરાર હિરા કારોબારી નિરવ મોદી અને કેટલાક અન્ય લોકોની સામે નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ ચાર્જશીટ મામલામાં નવા પુરાવા સપાટી ઉપર આવ્યા બાદ ઇડી દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. ૧૩૦૦૦ કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદી હાલમાં લંડનમાં છે. મિડિયા રિપોર્ટના કહેવા મુજબ મોદી લંડનના પોશ વિસ્તારમાં ખુબ મોંઘા એપાર્ટમેન્ટમાં રહે છે. નિરવ મોદી બ્રિટનના હિરા કારોબાર પણ શરૂ કરી ચુક્યો છે. ભારતીય તપાસ સંસ્થાઓએ નિરવ મોદીના પ્રત્યાર્પણ માટે ગયા વર્ષથી જ બ્રિટનમાં ખાસ અરજી દાખલ કરી હતી. પ્રત્યાર્પણની અરજી મળી હોવાની કબૂલાત બ્રિટન સરકાર પણ કરી ચુકી છે. ત્યાંની સરકારે શનિવારના દિવસે એમ પણ કહ્યું હતું કે, ભારતીય તપાસ સંસ્થાઓની માંગને કોર્ટને સોંપી દેવામાં આવી છે. શનિવારના દિવસે જ બ્રિટનના એક અખબારે નિરવ મોદી લંડનમાં હોવાના અહેવાલ જારી કર્યા હતા. ત્યારબાદથી તેના પર સકંજો મજબૂત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે હાલમાં જ પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકારોના પ્રશ્નોના જવાબમાં રવિશ કુમારે કહ્યું હતું કે બેન્કોના ૯૦૦૦ કરોડ રૂપિયા લઈને ફરાર થયેલા વિજય માલ્યાને ભારત લાવવા માટે જે સ્તરના પ્રયાસ થઈ રહ્યા છે તે સ્તરના પ્રયાસ નિરવ મોદીના પ્રત્યાર્પણને લઈને પણ કરવામાં આવી રહ્યા છે. નિરવ મોદી અને વિજય માલ્યા ઉપર સકંજો મજબૂત કરવામાં આવી રહ્યો છે.

Previous articleલોકસભા ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાનની સંઘ ખાતરી કરી શકે
Next articleજનરલ ક્વોટા : અરજી પર ૨૮મી માર્ચે સુનાવણી થશે