ભાજપમાંથી રેશ્મા પટેલનું રાજીનામુ

606

પોતાના બેબાક બોલ અને વાકપ્રહારોથી ચર્ચામાં રહેતી તેમ જ ભાજપ સામે ખુલ્લેઆમ પ્રહારો કરવા માટે જાણીતી બનેલી પાટીદાર મહિલા નેતા અને ભાજપમાં થોડા મહિનાઓ પહેલાં જોડાયેલી રેશમા પટેલે ભાજપથી કંટાળીને આખરે આજે પોતાનું રાજીનામુ આપી દીધુ હતું અને ભાજપ સાથેનો છેડો ફાડવાની સત્તાવાર જાહેરાત કરી હતી.

રેશમા પટેલે સાથે સાથે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને સમર્થન જાહેર કર્યું હતું અને ભાજપને પાડી દેવા એકસંપ થઇને લડવા પાટીદાર સમાજ સહિત સૌકોઇને હાકલ કરી હતી. એટલું જ નહી, રેશમા પટેલે ભાજપ અને તેના નેતાઓ પર જોરદાર આકરા પ્રહારો કરવા સાથે ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. જેને લઇ ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે.

રેશમાએ જણાવ્યું કે, ભાજપના તાનાશાહી નેતાઓના પાપમાં ભાગીદારીથી હું ગૂંગળામણ અનુભવુ છું અને તેથી આવા તાનાશાહી નેતાઓની પાપની ભાગીદારીમાં આજે મુકત થાઉં છું. રાજ્યના તમામ નાના-મોટા પક્ષ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે રાજ્યમાં પણ ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ભાજપ અને કોંગ્રેસમાં ચાલી રહેલી આયારામ-ગયારામ પરિસ્થિતિ વચ્ચે પૂર્વ પાસ કન્વીનર અને ભાજપનાં નેતા રેશમા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દેતાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. રેશમા પટેલે પોરબંદર લોકસભાની સાથે માણાવદરથી વિધાનસભા પણ લડવાની ઇચ્છા વ્યકત કરી હતી. એટલું જ નહી, જો કોઇ પક્ષ ટિકિટ નહીં આપે તો અપક્ષમાં ઉભી રહી ચૂંટણી લડીશ. રેશ્મા પટેલે આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ભાજપને પાડી દેવા એક થઇને લડવું પડશે. ભાજપમાંથી હું વિધિવત રીતે છેડો ફાડી રહી છું, માનસિક રીતે ત્રસ્ત થઇ મેં રાજીનામું આપી દીધું છે. આ માટે મેં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીને પત્ર લખ્યો છે. ભાજપ કાર્યકરો પાસે માત્ર માર્કેટિંગ કરાવે છે. હાર્દિક પટેલને મારૂ સમર્થન છે.

ભાજપનો ખેસ પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયે મોકલી દઇશ. ઉપલેટાને મે મારૂ  ચૂંટણી સેન્ટર બનાવ્યું છે. હું પોરબંદર લોકસભા અને માણાવદરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડીશ. કોઇ રાજકીય પક્ષ ટિકિટ નહીં આપે કે ગઠબંધનમાં તક નહીં મળે તો અપક્ષમાંથી ચૂંટણી લડીશ. તેમજ મે લોકસંપર્ક અને સરપંચ સંપર્ક અભિયાન મેં શરૂ કર્યું છે. અમિત શાહની તાનાશાહીથી કાર્યકરો હવે થાકી ગયા છે. હાર્દિક પટેલ જ્યાંથી ચૂંટણી લડશે ત્યાં પ્રચારમાં જઇશ અને મારો તેને ટેકો છે.

હાર્દિકના સમર્થનમાં પ્રચાર કરીશ. ભાજપ પ્રદેશ અધ્યક્ષને લખેલા પત્રમાં મેં જણાવ્યું છે કે, હવે હું ભાજપમાં રહી સહન કરવાની હાલતમાં નથી. ભાજપ પ્રદેશ અધ્યક્ષને મોકલેલા પત્રમાં રેશમાએ જણાવ્યું છે કે, ભાજપની ખોટી નીતિઓ અને ખોટી યોજનાઓના માર્કેટિંગ દ્વારા જનતાને છેતરવાનું કામ શીખવાડવામાં આવે છે અને કરવામાં આવે છે ભાજપના નેતાઓની તાનાશાહી, માનસિકતા હંમેશા કાર્યકરોને દબાવે છે. કાર્યકરોને મજૂરીયા બનાવી માત્ર ગધા મજૂરી માટે જ પક્ષમાં રાખવામાં આવે છે. મારી સહનશક્તિ નથી એટલા માટે હું લોકહિત માટે રાજીનામું આપું છું. તાનાશાહી નેતાઓની પાપની ભાગીદારીમાંથી મુક્ત થાવ છું. રેશમાએ ભાજપ પ્રદેશ પક્ષ પ્રમુખ જીતુ વાઘાણીને  લખ્યું છે કે, તમે માર્કેટિંગ કંપની ચલાવો છો પણ અમારી પાસે માત્ર પક્ષનું માર્કેટિંગ કરાવવામાં આવે છે. ભાજપના નેતાઓની તાનાશાહીના કારણે તેણે પક્ષ છોડ્‌યો હોવાની જાહેરાત કરી હતી. મેં અત્યાર સુધી મીડિયા પેનલિસ્ટ તરીકે ભાજપમાં સક્રિય ભૂમિકા ભજવી છે. વર્ષ ર૦૧૭ની વિધાનસભા ચૂંટણી સમયે રેશમા પટેલે હાર્દિક પટેલનો સાથ છોડી ભાજપનો ખેસ પહેર્યો હતો, પરંતુ સમય જતાં ભાજપમાં રેશમા પટેલને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યાં હતાં, જેના કારણે રેશમા પટેલે અવારનવાર ભાજપ સામે બાંયો ચઢાવી હતી. રેશમા પટેલે હવે લોકસભા ચૂંટણી લડવા માટે ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવાર તરીકે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે.

 

Previous articleરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત
Next articleજયનારાયણ વ્યાસે ભાજપાનો ખેસ પહેરવા નનૈયો ભણ્યો