મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી મુદ્દે ચીનને મનાવવામાં લાગ્યા અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન

538

જૈશ-એ-મોહમ્મદના આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની પહેલ ફરી શરૂ કરવામાં આવી છે. અહેવાલો છે કે આ બાબતમાં અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને ચીન સાથે વાતચીત કરી છે. આ વાતચીતમાં, સુરક્ષા પરિષદના ત્રણ સભ્ય દેશોએ મસૂદ અઝહર સામે ચીન સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વાતચીત સારી રહી હતી અને ટૂંક સમયમાં આ કિસ્સામાં એક નવો વળાંક આવી શકે છે. ભારતે ચીનના આ વલણ ઉપર નિરાશા વ્યક્ત કરી હતી. યુએસએ ચેતવણી આપતા કહ્યું હતું કે જો ચીન અમને ટેકો નહીં આપે, તો અમે અન્ય પદ્ધતિઓ અપનાવીશું. જોકે સિક્યુરિટી કાઉન્સિલ સમિતિની આંતરિક ચર્ચાઓ ગોપનીય રાખવામાં આવે છે, પરંતુ આ સમયે આતંકવાદીઓને બચાવવા માટે ચીનનું અનુચિત દ્રષ્ટિકોણથી નારાજ પરિષદના અનેક સભ્યોએ પોતાની ઓળખ ગોપનીય રાખતા મીડિયાને જણાવ્યું છે કે ચીન કઇ રીતે નકારાત્મક ભૂમિકા નિભાવી રહ્યું છે.

એમ માનવામાં આવે છે કે આ પ્રસ્તાવના મૂળ પ્રાયોજક છેલ્લા ૫૦ કલાકથી ચીન સાથે સદભાવના વાતચીત કરી રહ્યું છે, જેને કેસના ઘણાં જાણકાર લોકોએ ’સમાધાન’ નામ આપ્યું છે. તેનો અર્થ એ થાય કે અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવશે, પરંતુ તેને આતંકવાદી જાહેર કરતી વખતે ઉપયોગ લેવામાં આવતી ભાષા એવી હશે જે ચીનને સ્વીકાર્ય હોય.

એમ મનાય છે કે ચીને અઝહરને આતંકવાદી જાહેર કરવાની ભાષામાં  કેટલાક ફેરફારો સૂચવ્યા છે અને અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ આ સૂચનો પર વિચાર કરી રહ્યા છે. ત્રણેય દેશોએ સંકેત આપ્યા છે કે જો પ્રસ્તાવનો મૂળ ભાવ બદલાતો નથી અને આખરે અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવે છે, તો તેઓ ભાષામાં પરિવર્તન માટે ચીનની વિનંતી સ્વીકારવા તૈયાર છે.

જાણકારોના મતે જો આ પ્રયાસ છતાંય અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાશે નહીં તો ત્રણેય સ્થાયી સભ્ય આ મુદ્દા પર ખુલી ચર્ચા માટે સંયુક રાષ્ટ્રની સૌથી શક્તિશાળી શાખામાં પ્રસ્તાવ રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. ભારતે ચીનને આ વલણના પ્રત્યે નિરાશા વ્યકત કરી છે અને પ્રસ્તાવ રજૂ કરનારા દેશો એ ચેતવણી આપી કે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ‘અન્ય પગલાંઓ’ પર વિચાર કરીશું.

Previous articleન્યૂઝીલેન્ડ હુમલાથી ક્રિકેટ જગતમાં સન્નાટો, ખેલાડીઓએ સહાનુભૂતિ દર્શાવી
Next articleગઠબંધન અને પ્રિયંકાની કોઈ પણ અસર દેખાશે નહીં : યોગી