ગુજરાતમાં ઉનાળું વાવેતર માત્ર ૧પ.૭૩ ટકા ૬ લાખ હેકટર જમીન વાવેતર વગર પડતર

584

ગુજરાતમાં સામાન્ય રીતે તા.૧૫ ફેબુ્રઆરીથી તા.૧૫ માર્ચ સુધીમાં ઉનાળું વાવેતર થઇ જતું હોય છે. ચાલુ વર્ષે વરસાદની ઘટ અને સિંચાઇના પાણીની ભારે અછતને લઇને આ વર્ષે ઉનાળું વાવેતર સદંતર નિષ્ફળ જવાની ભીતિ ઉત્પન્ન થઇ છે.

ઉનાળું વાવેતરનો સમયગાળો હાલમાં પૂર્ણતાને આરે હોવા છતાંય રાજ્યમાં તા.૧૧ માર્ચ સુધીમાં ફક્ત ૧,૨૩,૧૦૦ હેક્ટરમાં જ વાવેતર થયું છે. જે કુલ વાવેતર વિસ્તારના ફક્ત ૧૫.૭૩ ટકા જ વાવેતર થયાનું દર્શાવે છે. હાલ રાજ્યમાં ૬,૫૯,૬૬૨ હેક્ટર જમીન વાવેતર વગર પડતર પડી રહી છે. ગત વર્ષે આ સમયગાળામાં રાજ્યમાં ૩,૫૦,૭૪૯ હેક્ટર ઉનાળું વાવેતર થયું હતું.

એકબાજુ દેશભરમાં ગુજરાત મોડલના ભરપેટ વખાણ કરાઇ રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતથી માંડીને રાજ્યની દરેક બાબતોને દેશના અન્ય રાજ્યો માટે અનુકરણીય, આદર્શ બતાવાઇ રહી છે. પરંતુ રાજ્યનું ખેતીવાડી મોડલ સાવ પડી ભાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં છેલ્લી ત્રણ સિઝન વાવેતરની દ્રષ્ટિએ નિષ્ફળ ગયાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે.

નર્મદા સહિતની વિવિધ યોજનાઓ હેઠળ રાજ્યભરમાં સિંચાઇની સંપૂર્ણ સવલતો ઉભી કરાયાના દાવાઓ વચ્ચે નવાઇની વાત એ છેકે દર વર્ષે સિંચાઇનું પાણી ન મળતા કે અપુરતું મળતા ખેડૂતો વાવેતર પણ કરી શકતા નથી. રાજ્યનો ખેડૂત વરસાદ આધારીત ખેતી પર નિર્ભર હોય તેમ વરસાદની રાહ જોવી પડે છે. બીજી તરફ વરસાદ પણ ઓછો પડતા ખેડૂતોને તો પડતા પર પાટું મારવા જેવો ઘાટ ઘડાઇ ગયો છે.

નર્મદા કેનાલમાં પાણીની અછત હોવાનું કારણ આગળ ધરીને રાજ્ય સરકાર ખેડૂતોને સિંચાઇનું પુરતું પાણી આપતી નથી. ગત ઉનાળામાં તો રાજ્ય સરકારે ખેડૂતોને ઉનાળું વાવેતર જ ન કરવાની અપીલ કરી હતી. અમદાવાદમાં ખારીકટ, ફતેવાડી કેનાલના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે. સભા, રેલી, ધરણા-સૂત્રોચ્ચાર, રજૂઆતો કરીને ખેડૂતો થાક્યા તોય આ બંને કેનાલોને નર્મદાના કમાન્ડમાં ન સમાવીને હળહળતો અન્યાય કરાઇ રહ્યો હોવાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે.

નર્મદાનું પાણી પીવા અને સિંચાઇ બંને માટે વપરાય છે. નવાઇની વાત એ છેકે બંનેમાં પાણીની ઘટ વર્તાઇ રહી છે. તો રાજ્યની જરૂરીયાત મુજબ નર્મદાના પાણીનું વ્યવસ્થાપન કરવામાં રાજ્ય સરકાર ક્યાં ઉણી ઉતરી છે. તે સૌથી મોટો પ્રશ્ન હાલ ખેડૂતવર્ગમાં ચર્ચાઇ રહ્યો છે. જે સિંચાઇ યોજના ખેડૂતોને પુરતું વાવેતર ન કરાવી શકે તે યોજના શું કામની તેવો પ્રશ્ન પણ ખેડૂતો કરી રહ્યા છે.

ચાલુ વર્ષના ઉનાળું વાવેતરની વાત કરીએ તો અછતગ્રસ્ત કચ્છમાં માત્ર ૧,૫૦૦ હેક્ટર વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતમાં ૨૫,૯૦૦ હેક્ટર, મધ્ય ગુજરાતમાં ૬૭,૧૦૦ હેક્ટર, સૌરાષ્ટ્રમાં ૧૩,૧૦૦ હેક્ટર અને દક્ષિણ ગુજરાતમાં ૧૫,૫૦૦ હેક્ટરમાં જ વાવેતર અત્યાર સુધીમાં થયું છે.

Previous articleગાંધીનગર લોકસભાની ટિકિટ માટે અમિત શાહ-આનંદી બેનની રજૂઆત, અડવાણી ભૂલાયા
Next articleદેશમાં કોંગ્રેસ તરફી માહોલ, ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો જીતીશુંઃ રાજીવ સાતવ