સિહોર ન.પાં.એ ખરીદેલ સાવરણામાં ભ્રષ્ટાચારની ગંધ

734

સિહોર નગરપાલિકા દ્વારા શહેરભરની સાફ-સફાઈ માટે લખલૂંટ ખર્ચો કરવામાં આવી રહ્યો છે પરંતુ શહેરમાં નજર કરવામાં આવે તો સફાઈ કામગીરી ના નામે મીંડું જ લાગી રહ્યું છે. તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા એક-દોઢ લાખ જેવી રકમના સાવરણા,સુંડલા વિગેરે ની ખરીદી કરવામાં આવેલી તેમાં સાવરણા ઓછી સળીઓ વાળા હોવાથી સફાઈ કામદારોને રોડ-રસ્તા સાફ કરવામાં ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. એક સફાઈ કામદારે નામ નહિ દેવાની શરતે એવું જણાવ્યું હતું કે જે કામ એક કલાકમાં થાય તે જ કામમાં આ હલકી ગુણવત્તા વાળા સાવરણા ને લીધે ત્રણ કલાકનો સમય થઈ રહ્યો છે. હમેશા ચર્ચામાં રહેવા માટે ટેવાયેલા પાલિકાના સેનિટેશન વિભાગ ની આવી ગેરરીતિ કેમ તંત્રવાહકો ને ધ્યાને નથી આવી રહી તે પણ ચર્ચાનો વિષય છે જ્યારે પાલિકાના અંગત વર્તુળોમાંથી જાણ્યા મુજબ થોડા માસ પહેલા જ ફેરબદલી કરવામા આવેલા આ વિભાગના મુખ્ય અધિકારી પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેનના ખાસ હોવાથી તેની કામગીરીની બાબતમાં કોઈ પણ અધિકારી કે પદાધિકારી દખલ અંદાજી ન કરતું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે તંત્રવાહકો સાવરણા ની ખરીદી અંગે યોગ્ય તપાસ હાથ ધરશે કે પછી શૌચાલયોના રીનોવેશન, નબળી અને હલકી ગુણવત્તા વાળા ડસ્ટબીનોની જેમ આ મુદ્દો પણ ભુલાઈ જશે તેવું શહેરના પ્રબુદ્ધ નાગરિકો માં ચર્ચાઈ રહ્યું છે.

Previous article૩ વર્ષથી અપહરણના ગુનાનો ફરાર આરોપી સુરતથી ઝબ્બે
Next articleરાજુલા એસનએસયુઆઈ દ્વારા રજૂઆત