આયર્લેન્ડને ૭ વિકેટે હરાવી અફઘાનિસ્તાનને ટેસ્ટ મેચમાં પ્રથમ જીત

483

અફગાનિસ્તાને રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલા એકમાત્ર ટેસ્ટ મેચમાં આયર્લેન્ડને સાત વિકેટે પરાજય આપ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની પ્રથમ જીત છે. અફગાનિસ્તાને અત્યાર સુધી માત્ર બે ટેસ્ટ રમી છે. તે પોતાના બીજા ટેસ્ટમાં જ જીત હાસિલ કરનારી વિશ્વની ત્રીજી ટીમ છે. આ પહેલા ઈંગ્લેન્ડ અને પાકિસ્તાને પોતાની બીજી ટેસ્ટમાં જીતનો સ્વાદ ચાખ્યો હતો.

અફગાનિસ્તાને પોતાનો પ્રથમ ટેસ્ટ મેચ ગત વર્ષે ભારત વિરુદ્ધ રમી હતી. આ ટેસ્ટમાં તેનો ઈનિંગ અને ૨૬૨ રનથી પરાજય થયો હતો. આયર્લેન્ડનો પણ આ બીજો ટેસ્ટ હતો. તેણે બંન્નેમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. તેણે પ્રથમ ટેસ્ટ પાકિસ્તાન વિરુદ્ધ ડબલિનમાં રમી હતી. જેમાં તેને ૫ વિકેટે પરાજય થયો હતો.

ઓસ્ટ્રેસલિયાએ પોતાના પ્રથમ ટેસ્ટમાં જીત હાસિલ કરી હતી. તો સૌથી વધુ ટેસ્ટ રમ્યા બાદ જીત હાસિલ કરવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે. તેને પ્રથમ જીત ૪૫મા ટેસ્ટમાં મળી હતી. ભારતે પોતાની પ્રથમ જીત ૨૫મા ટેસ્ટમાં મેળવી હતી.

આ મેચમાં આયર્લેન્ડે ટોસ જીત્યો અને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેનો આ નિર્ણય ખોટો સાબિત થયો અને ટીમ ૧૭૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અફગાનિસ્તાન તરફથી યામિન અહમદઝઈ અને નબીએ ૩-૩, જ્યારે રાશિદ ખાન અને વકાર સલમાનખઇલે ૨-૨ વિકેટ ઝડપી હતી.

અફગાનિસ્તાનની ટીમ પ્રથમ ઈનિંગમાં ૩૧૪ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના તરફથી ઓપનર મોહમ્મદ શહજાધે ૪૦, રહમ શાહ ૯૮, હસમતઉલ્લા શાહિદી ૬૧, કેપ્ટન અસગર અફગાને ૬૭ રન બનાવ્યા હતા. આયર્લેન્ડ માટે સ્ટુઅર્ટ થામસને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય એન્ડી મૈકબ્રાઇન, જેમ્સ કૈમરૂન-ડોઉ અને જોર્જ જોકરેલે બે-બે વિકેટ ઝડપી હતી.

બીજી ઈનિંગમાં આયર્લેન્ડની શરૂઆત ખરાબ રહી, તેની પ્રથમ વિકેટ શૂન્ય રને ગુમાવી દીધી હતી. ત્યારબાદ એંડ્રયૂ બોલબર્નીએ ૮૨ રન બનાવ્યા હતા. આ સિવાય જેમ્સ મૈકુલમે ૩૯, કેવિન ઓ બ્રાયને ૫૬, જોર્જ ડોકરેલ ૨૫, કૈમરૂન ડોઉએ ૩૨ અને ટિમ મુર્તગાએ ૨૭ રનનું યોગદાન આપ્યું હતું. આયર્લેન્ડનો બીજો દાવ ૨૮૮ રન પર સમેટાઇ ગયો હતો. અફગાનિસ્તાન તરફથી રાશિદ ખાને સૌથી વધુ ૫ વિકેટ ઝડપી હતી. આ સિવાય અહમદજઇને ૩ અને વકારને ૨ સફળતા મળી હતી. આ સિવાયે અફગાનિસ્તાને જીત માટે ૧૪૭ રનની જરૂર હતી.

અફગાનિસ્તાનને મેચના ચોથા દિવસે ૪૭.૫ ઓવરમાં૩ વિકેટ પર ૧૪૯ રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. રહમત શાહ બીજી ઈનિંગમાં અફગાનનો ટોપ સ્કોરર રહ્યો હતો. તેણે ૭૬ રન બનાવ્યા હતા. આ સિવાય ઇંશાલ્લાહ જન્નતે ૬૫ રનનું યોગદાન આપ્યું હતું.

Previous articleફેડરરને ૩-૨થી હરાવી ઓસ્ટ્રિયાના થિએમે જીત્યું ઈન્ડિયન્સ વેલ્સનું ટાઇટલ
Next articleએથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ડાંગના ગાવિત મુરલી કુમારે જીત્યો ગોલ્ડ મેડલ