ગાંધીનગરમાં વિશ્વ ચકલી દિન નિમિત્તે “હેપ્પી સ્પેરો વીક” ઉજવાશે

692

ગાંધીનગરમાં પણ સતત ત્રીજા વર્ષે હેપ્પી યૂથ ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે “હેપ્પી સ્પેરો વીક”નું  આયોજન કરવામાં આવ્યું છે. હેપ્પી સ્પેરો વીકનો પ્રારંભ તા. ૧૯મી માર્ચથી થશે જે તા. ૨૭મી માર્ચ સુધી ઉજવાશે જેમાં શહેરમાં આશરે ૩ હજાર કરતા વધુ હેપ્પી ચકલી ઘરનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત શહેરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંકુલમાં તથા જાહેર સ્થળો ખાતે સમગ્ર ઉનાળાના સમય દરમ્યાન નિયમિત જળ સિંચન થાય તેવી વ્યવસ્થા સાથે આશરે ૨૫૦ જેટલી માટીના કુંડાની પક્ષી પરબોનું સ્થાપન કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે તારીખ ૨૦મી માર્ચના રોજ સમગ્ર દેશમાં પર્યાવરણ પ્રેમીઓ તથા પક્ષીપ્રેમીઓ સહિત જીવદયા પ્રેમીઓ દ્વારા “વિશ્વ ચકલી દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. ગાંધીનગરની કુદરતી વનરાજીમાં વસતાં ચકલી, કાબર, મેના, પોપટ જેવા અને નાના કદના પક્ષીઓ ઉનાળાની ગરમીમાં પાણી વિના ટળવળી મોતને ભેટતાં અટકે અને તેમનું સંવર્ધન થાય તે હેતુથી હેપ્પી યૂથ ક્લબ દ્વારા “હેપ્પી સ્પેરો વીક”નું આયોજન કરવામાં આવે છે.

“હેપ્પી સ્પેરો વીક”ના પ્રોજેકટ કો-ઓર્ડિનેટર રાજુભાઇ મકવાણાએ જણાવ્યુ છે કે “આશરે આઠ વર્ષ પૂર્વે તેમના ઘરે માળો બનાવવા કાર્યરત એક ચકલી અકસ્માતે પંખામાં આવી જતાં કરૂણ મોતને ભેટી હતી.  આ ઘટનાએ મારા હ્રદયને હચમચાવી મૂક્યું હતું ત્યારથી મે નક્કી કર્યું હતું કે હું ચકલી કે તેના જેવા નાના કદના પંખીઓના સલામત વસવાટ માટે મારાથી બનતા પ્રયત્નો કરીશ. બસ ત્યારથી હું દર વર્ષે વિશ્વ ચકલી દિવસે “ચકલી-ઘર”નું વિના મૂલ્યે વિતરણ કરું છુ. છેલ્લા ત્રણ વર્ષથી હું હેપ્પી યૂથ ક્લબ સાથે જોડાઈને અમે આખું “હેપ્પી સ્પેરો વીક” ઉજવીએ છીએ.

હેપ્પી યૂથ ક્લબ ગાંધીનગરમાં પર્યાવરણની જાગૃતિ અંગે કાર્યરત છે અને “હેપ્પી સ્પેરો વીક” દ્વારા માત્ર ચકલી-ઘરનું વિતરણ જ નથી કરતું બલ્કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે જે ઉમદા અને પ્રસંશનીય કાર્ય છે. “હેપ્પી સ્પેરો વિક” દરમ્યાન હેપ્પી યુથ કલબ દ્વારા શહેરમાં આશરે ૩ હજાર કરતા વધુ હેપ્પી ચકલી ઘરનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમજ સ્વયંસેવકોની ટીમો બનાવી શહેરના વિવિધ શૈક્ષણિક સંકુલો તથા કેટલાક જાહેર સ્થળો ખાતે આવનાર ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓની તરસ છીપાય તે હેતુથી ૨૫૦ જેટલી પક્ષી પરબ (માટીના કુંડા) નું સ્થાપન કરવામાં આવશે તેમજ તેમાં નિયમિત જળવ્યવસ્થાપન ની કાળજી લેવાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.”

Previous articleસાબરડેરીમાં પરિવતૅનનો પવન ફુંકાયો  જેઠાભાઈ પટેલના સુંપડા સાફ
Next articleબ્રહ્માકુમારી ખાતે ચેતક કમાન્ડો માટે હેપ્પી લિવિંગ વિષય પર કાર્યક્રમ યોજાયો