ચોકીદાર માત્ર અમીરોના,ભાજપ ભ્રામક પ્રચાર કરે છેઃ પ્રિયંકા ગાંધી

530

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ આજે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજથી ચૂંટણી અભિયાનનું રણશિંગું ફૂંકયું હતું. પ્રચાર અભિયાન શરૂ કરતાં પહેલાં પ્રયાગરાજમાં સંગમ તટ પર પ્રિયંકા ગાંધીએ ગંગા પૂજન કર્યું હતું અને સાથે જ તેમણે ગંગા આચમન પણ કર્યું હતું. સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજન અર્ચન કર્યા બાદ પ્રિયંકાએ ગંગાજીની આરતી પણ ઉતારી હતી.

કોંગ્રેસના અગ્રણી નેતાઓની હાજરીમાં પ્રયાગરાજથી બોટયાત્રા શરૂ કરતાં પહેલાં પ્રિયંકાએ શરૂઆતમાં સૂતેલા હનુમાન મંદિરમાં પૂજા કરી હતી. મંદિરમાં દર્શન દરમિયાન પ્રિયંકાએ જણાવ્યું હતું કે મેં મારા માટે કંઇ જ માગ્યું નથી. હું મંદિરમાં રાજકારણની વાતો નહી કરૂ. દેશની પ્રગતિ અને શાંતિ થાય તે માટે મેં પ્રાર્થના કરી છે. ત્યાર બાદ પ્રિયંકા ગાંધી ગંગા પૂજન માટે સંગમ જવા રવાના થયાં હતાં.

પ્રિયંકા ગાંધી પ્રયાગરાજથી ગંગા નદીમાં બોટ યાત્રા કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મતક્ષેત્ર વારાણસી જવા રવાના થયાં હતાં. પ્રિયંકાની બોટ પ્રચાર યાત્રા ૧૪૦ કિ.મી.ની હશે. આ યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધી પીએમ મોદીને સીધો જવાબ આપશે. યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધી વિવિધ મંદિરનાં દર્શન પણ કરશે. ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે પ્રિયંકાએ મુલાકાત કરી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભાજપ સત્તાને હાથમાં રાખીને જનતાને પરેશાન કરી રહ્યું છે. લોકતંત્રનો અર્થ જનતાનો અવાજ સાંભળવાનો છે. આજે કોઈ જનતાની વાત સાંભળવા તૈયાર નથી. જનતા તેની માગ સરકાર સામે મુકે તો તેની પર લાઠી ચાર્જ કરાઈ રહ્યો છે.

પ્રિયંકાએ ગ્રામીણોને કહ્યું કે, તમે પહેલા વિચારો , સમજો અને પછી જ તમારો વોટ આપો. કોંગ્રસની સરકારમાં તમને મનરેગા મળી. જે રાજ્યોમાં સરકાર આવી ત્યાંના ખેડૂતોનું દેવુ માફ કરાયું. જ્યારે ભાજપના શાસનકાળમાં નક્કી કરાયેલા ઉદ્યોગપતિઓનું જ દેવુ માફ કરવામાં આવ્યુ.

દેશમાં મહિલાની સુરક્ષા અને ખેડુતોનું દેવું માફ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. તેમણે ભાજપ પર વ્યંગ કરતાં કહ્યું હતું કે ચોકીદાર માત્ર અમીરોના જ હોય છે.ભાજપ ચોકીદારના નામે ભ્રામક પ્રચાર કરી રહી છે. દેશમાં અનેક યુવક બેરોજગાર છે.

દોઢ વર્ષની અંદર પ્રિયંકાનો પ્રયાગરાજ ખાતેનો આ બીજો પ્રવાસ છે. આ પહેલા તેઓ ૨૧ નવેમ્બર ૨૦૧૬ના રોજ પ્રયાગરાજ આવી ચુક્યા છે. ત્યારે સોનિયા સાથે રાહુલ ગાંધી આવ્યા હતા.

Previous articleસ્વાઈન ફ્લુથી વધુ ૩ ના મોત
Next articleભાજપમાં નારાજ લોકો માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે