મે માસમાં હીટવેવ રહે તેવી સંભાવના

1090

દેશભરમાં આ વખતે ઉનાળાની ગરમી લોકોને વધુ દઝાડશે. ગુજરાતમાં પણ હિટવેવ રહેવાની શક્યતા છે. એપ્રિલ મહિના બાદ મે મહિનામાં ગરમીનું પ્રમાણ ખુબ વધશે. મે મહિનામાં દેશના કેટલાક રાજયોમાં ગરમીની સૌથી વધુ અસર જોવા મળશે અને હીટવેવ ત્રાટકશે. આઇએમડીના અહેવાલમાં જે રાજયો હીટ વેવ ઝોન હેઠળ જાહેર કરાયા છે, તેમાં ગુજરાત રાજયનો પણ સમાવેશ થાય છે, તેથી ગુજરાતના પ્રજાજનોને પણ આ વખતની ઉનાળાની બળબળતી ગરમી દરવખત કરતાં વધારે પરચો બતાવે તેવી શકયતા છે. આઇએમડીના સીઝનલ ફોરકાસ્ટ રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે કે, દેશમાં ગરમીનો સૌથી વધુ પ્રકોપ ઉત્તર ભારતના રાજયોમાં જોવા મળશે. માર્ચથી લઇ મે મહિના દરમ્યાન ગરમીનો પારો ઉંચો જશે. ખાસ કરીને મે મહિનામાં ગરમી તેનો બળબળતો ચમકારો બતાવશે. માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીની અસર વાતાવરણમાં જોવા મળી રહી છે. દેશના અન્ય રાજયોની જેમ ગુજરાતમાં પણ ઉનાળાની અસર વર્તાવાની શરૂઆત થઇ ગઇ છે. બપોરની ગરમી લોકોને હવે દઝાડી રહી છે. માર્ચથી મે મહિનાના ત્રણ મહિનાના સમયગાળામાં ગરમીની સૌથી વધુ અસર વર્તાવાની સંભાવના છે. ખાસ કરીને મે મહિનામાં તો હીટવેવ અને લુ ત્રાટકવાની પૂરી શકયતા હોઇ રાજયના લોકોએ ગરમી ને લુથી બચવાના અસરકારક અને ઠંડકના ઉપાયો કરવા પડશે. આઇએમડી દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં પણ સ્પષ્ટ કરાયું છે કે, ઉત્તર ભારતના રાજયોમાં ગરમીનો સૌથી વધુ પ્રકોપ જોવા મળશે.

જેમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં તો ગરમીનો પારો સામાન્ય કરતાં દોઢથી બે ડિગ્રી સુધી ઉંચો જાય તેવી શકયતા છે. હીટ વેવ ઝોનમાં સમાવિષ્ટ રાજયોની યાદી જાહેર કરાઇ છે, તેમાં ગુજરાત પણ સમાવિષ્ટ છે. આ સિવાય હીટવેવ ઝોનના રાજયોમાં દિલ્હી, પંજાબ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, તેલંગાણા, મરાઠાવાડ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. જો કે, રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે, દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વના રાજયોમાં ગરમીનું તાપમાન એકંદરે સામાન્ય રહેશે. ખાસ કરીને તામિલનાડુ, કર્ણાટકના દક્ષિણ ભાગમાં, રાયલસીમા ઉપરાંત નાગાલેન્ડ, મણિપુર, મીઝોરમ અને ત્રિપુરામાં સામાન્ય તાપમાન કરતાં ૦.૫ ડિગ્રી જેટલું તાપમાન ઓછુ નોંધાવાની શકયતા છે. એટલે કે, આ પ્રદેશોમાં ગરમીમાં કંઇક અંશે રાહત અનુભવાશે.

ઉલ્લેખનીય છે કે, આઇએમડી દ્વારા ફેબ્રુઆરી મહિનાના તાપમાનને ધ્યાનમાં રાખીને માર્ચથી લઇ મે મહિના સુધીનો સીઝનલ ફોરકાસ્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. જો કે, સૂત્રોના મતે, આ વખતે ઉનાળામાં ગરમીના તાપમાનમાં જે વધારાની આગાહી કરાઇ છે, તે ગ્લોબલ વોર્મિંગ તરફ ઇશારો કરે છે.

Previous articleડાકોર, દ્વારકા યાત્રાધામોમાં આજે ફુલ ડોલોત્સવ યોજાશે
Next articleસમગ્ર રાજ્યમાં ભારે ઉત્સાહ-રંગોની છોળો વચ્ચે હોળી પર્વની ઉજવણી