સેંસેક્સ ૨૨૨ પોઇન્ટ ઘટી ૩૮,૧૬૫ની સપાટી ઉપર

487

શેરબજારમાં છેલ્લા આઠ દિવસથી ચાલતી તેજી ઉપર બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૨૨ પોઇન્ટ ઘટીને ૩૮૧૬૫ની સપાટીએ રહ્યો હતો. તાજેતરમાં તેજી નોંધાયા બાદ મૂડીરોકાણકારો પ્રોફિટ બુક કરતા નજરે પડ્યા હતા. ઉપરાંત ઓટો શેરમાં વેચવાલી જોવા મળી હતી. ઇન્ડસ્ટ્રી હેવીવેઇટ ગણાતા આરઆઈએલ, એચડીએફસી બેંક, એસબીઆઈ અને મારુતિના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. માત્ર ૧૦ શેરમાં તેજી રહી હતી. બાકીના શેરમાં મંદી જામી હતી. નિફ્ટી ૬૪ પોઇન્ટ ઘટીને ૧૧૪૫૭ની સપાટીએ રહ્યો હતો. માર્કેટ બ્રીડ્‌થ નકારાત્મક રહી હતી. આજે બીએસઈમાં ૨૮૫૯ કંપનીઓમાં કારોબાર થયો હતો જે પૈકી ૧૬૯૭ શેરમાં મંદી અને ૧૦૧૭ શેરમાં તેજી રહી હતી. ૧૪૫ શેરની સ્થિતિ યથાવત રહી હતી. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૦.૩૬ ટકા અને નિફ્ટીમાં ૦.૨૬ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૮૪ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૫૦૭૭ રહી હતી. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૬૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૭૫૯ રહી હતી. આઈટીસીના શેરમાં જોરદાર ઉથલાપાથલ રહી હતી. મારુતિના શેરમાં પણ બે ટકાનો ઘટાડો રહ્યો હતો. પીએસયુ બેંકમાં સૌથી વધુ મંદી રહી હતી. મિડિયા અને ઓટોના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બે ટકા અને નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૨.૨૮ ટકાનો ઘટાડો રહ્યો હતો.  માર્કેટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, ચૂંટણી પહેલા તેજી રહી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તામાં ફરી વાપસી થવાના સંકેત વધુ મજબૂત બનતા નવી આશા જાગી છે. લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર થયા બાદ જોરદાર તેજી આવી ગઈ છે. બીજા મહત્વપૂર્ણ આંકડા પણ જારી કરવામાં આવી ચુક્યા છે. ટ્રેડ ડેફિસિટના કારણે આ આંકડો વધ્યો હતો. શુક્રવારના દિવસે જારી કરાયેલા આંકડામાં દર્શાવવામાં આવ્યું હતું કે, ટ્રેડ ડેફિસિટનો આંકડો ફેબ્રુઆરી મહિનામાં ૧૭ મહિનાની નીચી સપાટીએ ૯.૬ અબજ ડોલર સુધી રહ્યો હતો. અન્ય વૈશ્વિક પરિબળોમાં બ્રિટનમાં જાન્યુઆરીમાં બેરોજગારીનો દર પણ જારી કરવામાં આવનાર છે. શેરબજારમાં તેજી માટે એફપીઆઈ પ્રવાહની અસર પણ જોવા મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચના પ્રથમ ૧૫ દિવસના ગાળામાં સ્થાનિક માર્કેટ મૂડીમાં ૨૦૪૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. માર્ચ મહિનામાં વિદેશી મૂડીરોકાણકારો ભારે આશાસ્પદ દેખાયા છે. રેટને યથાવતસ્થિતિમાં રાખવાના અમેરિકી ફેડરલના નિર્ણયની સાથે સાથે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર કરારથી હકારાત્મક માહોલ સર્જાઈ ગયો છે. ફેબ્રુઆરી મહિનામાં જ વિદેશી રોકણકારોએ ઇક્વિટી અને સાથે સાથે ડેબ્ટ માર્કેટમાં ૧૧૧૮૨ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. નવેસરના આંકડા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૧૭૯૧૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં  ૨૪૯૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. પહેલીથી ૧૫મી માર્ચ વચ્ચેના ગાળામાં આ જંગી રોકાણ કરવામાં આવ્યું છે.

Previous articleઅમેઠી સીટ પર કમળ ખિલી ઉઠશે : સ્મૃતિ ઇરાનીનો દાવો
Next articleકલર્સ ગુજરાતીનો ૭ એવોડ્‌ર્સ સાથે ટ્રાંસમિડિયા અવોર્ડમાં દબદબો !