ગાંધીનગર બેઠક પરથી અમીત શાહ ચૂંટણી લડશે

575

૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઇ ભાજપ દ્વારા પ્રથમ તબક્કાની ઉમેદવારોની યાદી જાહેર કરાતાં ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચી ગયો છે અને રાજકારણમાં પણ ભારે ઉત્તેજનાભર્યો માહોલ છવાયો છે. ખાસ કરીને ગુજરાતમાં ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહનું નામ ભાજપે જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે. અમિત શાહનું નામ જાહેર કરાતાંની સાથે જ ગુજરાત ભાજપમાં જોરદાર ઉત્સાહ અને ખુશીનો માહોલ છવાઇ ગયો છે. મોડી સાંજે તો, શહેરના નારણપુરા અંકુર ચાર રસ્તા પાસે ભાજપના હજારો કાર્યકરો અને નેતાઓ-આગેવાનો ઉમટી પડયા હતા અને અમિત શાહના બેનરો, વિશાળ કટઆઉટ અને ભાજપના વાવટા લઇને લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા અને અમિત શાહના નામને લઇ ખુશીનો જશ્ન મનાવ્યો હતો. આ પ્રસંગે મોટાપાયે ફટાકડા ફોડી અને આતશબાજી કરી જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની ઉજવણી જોવા મળી હતી. ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહને ચૂંટણી જંગમાં ઉતારીને ભાજપે એક કાંકરે અનેક પક્ષી મારવાનો નિર્ણય કર્યો છે. અડવાણીને હટાવીને તેમના સ્થાને કોઈ નબળા ઉમેદવારને સ્થાન આપવાના બદલે ભાજપે ખુદ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને જ મૂકી દીધા છે. જો કે, અડવાણીની ઈચ્છા હજુ પણ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડવાની હતી પરંતુ અનેક મસલતો પછી પક્ષ તેમને ગાંધીનગરની બેઠક ખાલી કરવા માટે મનાવી લેવામાં સફળ રહ્યો છે.  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આ બેઠક પરથી ઉમેદવારી કરવા કમાન સોંપવામાં આવી છે. ભાજપે જાહેર કરેલી કુલ ૧૮૪ બેઠકની પ્રથમ યાદીમાં ગાંધીનગરથી અમિત શાહની ઉમેદવારી જાહેર કરીને ભાજપમાંથી રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતા ચૂંટણી લડે તે પરંપરા જળવાઈ રહેશે. ભાજપનાં સૂત્રો કહે છે કે આ નિર્ણયના કારણે ગાંધીનગર બેઠક ઉપર આ ઉપરાંત ગુજરાતમાં વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મજબૂત પ્રદર્શન કર્યું છે ત્યારે અમિત શાહને ગુજરાતથી ચૂંટણી લડાવવાનો નિર્ણય પક્ષમાં પ્રાણ અને ઉત્સાહ પૂરવાનું કામ કરશે. ગુજરાત ભાજપનો ગઢ છે અને નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહનું હોમ ટાઉન છે, માટે વિધાનસભા ચૂંટણી જેવો ફિયાસ્કો લોકસભાની ચૂંટણીમાં ન થાય તે માટે ભાજપે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. ગુજરાતમાં ભાજપ તરફી જુવાળ ઊભો કરવા માટે કોઈ દિગ્ગ્જ નેતાને ગુજરાતમાંથી ચૂંટણી લડાવવી જરૂરી હતી ૨૦૧૪ની સ્થતિને રિપીટ કરવી ભાજપ માટે મુશ્કેલ હતી ત્યારે મોદી પછી કયા મોટા નેતાને ગુજરાતથી ચૂંટણી લડાવી શકાય તે અંગે ભાજપમાં કશ્મકશ ચાલુ જ હતી. જેનો એક માત્ર ઉકેલ કે સૌથી સારો વિકલ્પ માત્ર અમિત શાહ જ હતા. ત્યાર બાદ ભાજપના આ ગઢ સમાન બેઠક પર અન્ય ઉમેદવારની વાત આવી ત્યારે તરત જ ગુજરાત પ્રદેશ નેતાગીરીએ પણ અમિત શાહના નામનો પ્રસ્તાવ રજૂ કરી દીધો. આ ચૂંટણીમાં આ વખતે રાજ્યના ૨૬ પૈકી કેટલાક સાંસદોનું પત્તું કપાય તેવી શક્યતા છે. ટિકિટ ન મળવાથી નારાજ નેતાઓ કે તેમના સમર્થકો ચૂંટણી સમયે કોઈ ડખો ઊભો ન કરે તેના માટે રાજ્યમાં કોઈ કદાવર નેતાની હાજરી જરૂરી હતી. હવે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જ રાજ્યમાંથી ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે આવી કોઈ પણ સ્થિતિમાં ભાજપ માટે ડેમેજ કન્ટ્રોલ ઘણું સરળ થઈ જશે. ઉત્તર ગુજરાતમાં ભાજપને માટે લોકસભાની ચૂંટણીમાં અસંતુષ્ટ નેતાઓ ઉપરાંત બીજા મુદ્દાઓ પડકાર ઊભો કરે તેમ છે. હવે ગાંધીનગર બેઠક પરથી શાહ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેનો ફાયદો ભાજપને સમગ્ર ઉત્તર ગુજરાતમાં મળી શકે તેમ છે. આજે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતના બાકી રહેલા ૨૫ ઉમેદવારો નિશ્ચિત થશે. આ બેઠકમાં હાજરી આપવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પ્રદેશ પ્રભારી ઓમ માથુર અને સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા દિલ્હી પહોંચ્યા છે. ટૂંક સમયમાં જ ઉમેદવારોની યાદી જાહેર થવાની શક્યતા છે. પ્રથમ વાર લોકસભાની ચૂંટણી લડતાં અમિત શાહ ગુજરાતમાં ક્લિન સ્વિપનું પુનરાવર્તન કરવા માટે પણ અમિતભાઈની ભૂમિકા નિર્ણાયક બનશે તેવી ચર્ચા તેજ બની છે.

Previous articleઅડવાણીએ નહીં લડવાનો નિર્ણય કર્યો ન હતો : રિપોર્ટ
Next articleસમાજના જરૂરીયાતમંદ બાળકો માટે શોધન ફાઉન્ડેશન દ્વારા રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું