લોકતંત્રનાં રખોપાં 

970

કોઈ પણ દેશની રાજ્યવ્યવસ્થા જેટલી મજબૂત અને સુદ્રઢ હોય  તેટલી જ તે દેશની પ્રગતિ નિશ્ચિત ગતિએ થતી હોય છે. રાજા અર્થાત્‌ સત્તાની લગામ સંભાળનાર સત્તાધીશ. રાજા જેટલો પ્રમાણિક હશે તેટલી જ તે દેશની પ્રજા પ્રમાણિક બનશે. રાજા જો લોભી લફંગો કે ઢોંગી હશે તો, તે દેશની પ્રજા પણ તેવી બનશે. દેશના કરવેરા ભરવામાં તે પ્રજા લોભ કરશે. સમયસર કે અપૂરતી રકમ ભરવા, રાજાની ચુંગાલમાંથી બચવા અવનવા નુસખા શોધી કાઢશે. જો રાજા તેની પ્રજાનું ધન એક યા બીજી રીતે ઝૂંટવી લેવાની મનોકામના ધરાવતો હશે તો, તેની પ્રજા પણ રાજની કરચોરી કરવાનું ડહાપણ શીખશે. તે આવકના પ્રમાણમાં રાજ્ય કે દેશનો ટેક્ષ એનકેન રીતે નહિ ચૂકવવાના રસ્તા શોધી કાઢશે. કહેવાય છે ને? ‘જેવો રાજા, તેવી પ્રજા.’ અહીં રાજાનો મતબલ સત્તાનો ભોગવટો કરનાર સત્તાધીશ છે.

સત્તાતંત્ર દ્વારા જે કામ હાથ પર લેવામાં આવે તે પ્રત્યેક  કામ પારદર્શક રીતે થવા જોઈએ. જે સત્તાધીશ આ વાત પર અંગત  સ્વાર્થ ખાતર વળગી રહેતો નથી તેવો રાજા મળેલી સત્તાની ગરિમાનું સરેઆમ ભંગ કરી અપમાન કરતો હોય છે. આપણા દેશના ઇતિહાસનો અભ્યાસ કરીએ તો આપણને અનેક રાજા-મહારાજાનાં દાખલા તેના સોનેરી પાને કંડારેલા જોવા મળે છે. તેમાં પ્રજાના કલ્યાણ અને ઉત્થાનનાં હેતુ માટે પ્રજાની સુખાકારી વધારવા રાજા-મહારાજાઓએ કામ કર્યું હોય તેવું જોવા મળે છે. એટલું જ નહીં દુષ્કાળ જેવી સ્થિતિમાં પોતાનો હાથ લંબાવી ધન એકત્રિત કર્યાનું પણ આપણને જાણવા મળે છે. દા. ત. મહારાણા પ્રતાપે ચિત્તોડગઢનાં નગરશેઠ વીર ભામાશાની મદદ મેળવી પ્રજા અને પશુઓ માટે અનાજ અને ઘાસચારાની સગવડ ઊભી કરી હતી. આવા રાજવીઓ ખરા અર્થમાં પ્રજાવત્સલ પૂરવાર થયા હતા. એટલું જ નહિ સમય આવ્યે તેમણે પોતાના રાજ્યનો ત્યાગ કર્યાની જાણકારી પણ આપણને મળે છે. આ લોકો જે વચન આપતાં તેનું પાલન જરૂર કરતા હતા. તેમના માટે તો, પ્રજા જ સર્વોપરી ગણાતી હતી.

સન ૧૯૪૨ ‘હિન્દ છોડો’ ચળવળના પગલે આપણો દેશ ૧૯૪૭ માં આઝાદ થતાં દેશી રજવાડાઓને એક કરી દેશને એકસૂત્રે જોડવાનો પડકાર આવ્યો હતો. વળી, સ્વાતંત્ર્યસેનાનીઓ સહિત આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને  જવાહરલાલ નહેરુ,  બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જેવા નેતાઓ દેશને પ્રજાસત્તાક બનાવવા ઈચ્છતા હતા તેથી તે દિશામાં તેના ચક્રો ગતિમાન થવા લાગ્યા. દેશી રજવાડાની સત્તા હસ્તગત કરવાનું ખૂબ કપરું કામ હતું. ‘મન હોય તો માળવે જવાય’ બાપુને દિલ્લીમાં સામે ચાલીને અઢારસે પાદરનો ધણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી મળવા આવી પહોંચે છે. બાપુને વંદન કરી પોતાના રાજનો કબજો દેશના હવાલે કરવા પોતાની વાત મૂકે છે. સાથે પ્રજાની સગવડ ઊભી કરવા કેટલીક મૂડી પણ રાજકોષમાં જમા કરાવે છે. અંગ્રેજોએ ભારતની સત્તા છોડ્યા પછી પહેલો કોઈ રાજવી બાપુના ચરણોમાં રાજ અર્પણ કરનાર રાજપુરુષ આવ્યો હતો. બાપુએ તેમને કહ્યુંઃ ‘તમે, રાણીસાહેબને તો પૂછ્યું છે ને?’ પધારેલા રાજવી પુરુષ બોલી ઉઠ્યાઃ બાપુ, તેની ચિંતા કરશો નહિ અમારા પરિવારમાં તેની સંમતિ મળી ચૂકી છે.’ આપણા જ મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજીની આ ઉદારતા હતી. આજે પણ આપણી છાતી ગજ-ગજ ફૂલે તેવું આ કામ તેમણે બજાવ્યું હતું. દેશનો પહેલો એ રાજપુરુષ હતો. જેમણે પોતાનું રાજ કોઈ પણ જાતની લોભ-લાલચ વિના ઘડીનાં છઠ્ઠા ભાગમાં અઢારસે પાદરની સત્તાની પરવાહ કર્યા વિના રયતનાં સુખ માટે દેશમાં સત્તાત્યાગનો પ્રથમ દાખલો બેસાડ્યો હતો.

ભાવનગરનાં મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની આ ઉદારતાની નોંધ લઈ તેમને તાબડતોબ મદ્રાસનાં રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા હતા પણ રાજપુરુષની કેવી ઉદારતા રાજ્યપાલ તરીકે તેમણે એક રૂપિયાનાં ટોકન પગારથી ફરજ અદા કરવાની સંમતિ આપી પ્રજાની ખરી સેવા કરવાનો લોકશાહી પ્રણાલીમાં ઉત્તમ શાસકનો જીવંત દાખલો બેસાડ્યો હતો. આજે ગંગા અવળી ચાલે છે. ધારાસભ્યો કે સંસદ સભ્યોનાં વેતનમાં જો વધારો કરવાનો હોય અને તેના માટે સભાગૃહમાં કોઈ પ્રસ્તાવ લાવવામાં આવે તો, આપણા પ્રતિનિધિઓ પેલા દલા તરવાડીની જેમ બોલવા લાગે છે, ‘ ચૂંટણી અને થોડી દોડધામ  મળતિયાને જલસા કરવાના કામના ખર્ચા વસૂલવા પગાર ભથ્થા ૧૦-૧૨ ટકા વધારશું કે? સાંભળી સૌ પોતે બોલેઃ પૂછવાની જરૂર પડે ભાઈ! વધારોને ભાઈપ ૨૫-૫૦ કે ૧૦૦ ટકા કોના બાપની છે દિવાળી.’ ધ્વનિમતે ગાજી ઊઠે સભાખંડ, ગુંજી ઊઠે તાળીઓનો ગાડગડાટ.

આપણે ત્યાં કહેવાય છે કેઃ ‘ભૂવો ધૂણે તો, નાળિયર તેના ઘર તરફ જ ફેંકે, ફાયદો પોતાને જ થાય તે-નેતા.’ ફાયદો પ્રજાને થાય તે…

આપણા રાજવીશ્રી કૃષ્ણકુમારસિંહજીને ધન્ય છે.

ધન્ય છે તેમની જનેતાને.

ધન્ય છે તેમના પ્રજાપ્રેમને.

આપણી સંસદમાં કે વિધાનસભામાં ધમાલ મચાવતા આપણા રાજનેતાઓમાં એવું તો કયું રસાયણ એકાએક કામ કરવા લાગે છે કે ફાયદાની વાત આવતા જ શાસક અને વિપક્ષ એકસૂરે સાંસદો કે ધારાસભ્યોના  વેતનમાં તોતિંગ વધારા માટે જે પ્રસ્તાવ લાવવામાં આવે છે તેને હર્ષનાદોથી વધાવી લેવામાં આવે છે. હમણાં હમણાં તો ધારાસભ્યો ચલક ચલાણાની રમત રમતા થઈ ગયા છે. શાળા-કૉલેજના આચાર્યોને હવે રમત-ગમતમાં ચલક ચલાણાની રમત ખાસ ઉમેરવી પડશે. તમે સૌ કહેશો કે જમાનો તો ક્રિકેટનો છે. થોડા સમય બાદ ઇંગ્લૅન્ડમાં તેનો વર્લ્ડકપ યોજાવાનો છે. તો પછી ચલક-ચલાણાની રમતની અત્યારે શું ઉતાવળ છે? તમે, સમજ્યા નહિ. માનો કે તમારો વિદ્યાર્થી નેતા બની ધારાસભામાં જવા ઇચ્છતો હોય કે ઈચ્છતી હોય તો પહેલા તે કોંગ્રેસમાં ધારાસભ્યની ચૂંટણી લડી ચૂંટાઈ આવે અને પછી દરખાસ્ત મળે એટલે જે રકમ નક્કી થાય તે લઈ શાસક પક્ષમાં જતો રહે, જો થોડું દબાણ કરી શકે તેવો મજબૂત હશે તો, મંત્રી પણ થઈ જશે. ક્રિકેટમાં ખેલાડી વધુમાં વધુ ૧૨ થી ૧૫ વર્ષ માંડ ફિટનેસ જાળવી રમી શકે છે પણ ચલક-ચલાણાની રમતમાં આવા કોઈ ફિટનેસની  જરૂર પડતી નથી. જેમ ઉંમર વધે તેમ પીઢ બની પૈસો કમાતા શીખી જશે. બોલો થઈને ફાયદાની વાતપ! તો પછી ચલક-ચલણા ની રમત શાળા-કૉલેજમાં દાખલ કરી દો, જેથી કસરત પણ થશે અને લાભ લૂંટવાની આદત પણ ખીલશે. ‘આમ કે આમ ગુટલીઓ કે ભી દામ.’

લોકતંત્રનાં રક્ષણ માટે હવે જાગવાનો સમય પાકી ગયો છે. જનપ્રતિનિધિ ધારામાં સુધારા લાવવાની તાતી જરૂર છે. જનપ્રતિનિધિ ધારો અસરકારક સુધારા સાથે જો અમલમાં મૂકવામાં આવશે તો ચલક-ચલણાની રમતની આપણા નેતાઓ ‘ખો’ આપવાનું ભૂલી જશે. ચૂંટણીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરતાં રાજનેતાઓને જનતાએ પાઠ ભણાવવા જેવો છે. ચૂંટણીપંચે  કોઈ પણ પરવા કર્યા વિના જેની ફરિયાદ મળે તેની તટસ્થ તપાસ કરી કસૂરવાર સામે પગલાં લેવા હિંમત એકઠી કરવી પડશે.   કોઈ પણ ચમરબંધી હોય તેને ખુલ્લો પાડી કાયદા મુજબ તેની સામે પગલાં ભરવા પડશે. સામાન્ય જનતા પણ જાણતી હોય છે શહીદોનાં ફોટા પોતાની ચૂંટણી સભામાં કોણ રાખે છે? તેમ છતા ચૂંટણીપંચ ઢાંકપિછોડો કરવા તમામ રાજકીય પક્ષોને કાગળ લખીને જણાવે છે કેઃ કોઈએ શહીદોના ફોટા પોતાની ચૂંટણીસભામાં રાખવા નહિ. ચૂંટણીપંચ આવી શેહશરમ શા માટે ભરે છે? અથવા એમ કહો જેમણે શહીદોનાં ફોટા રાખવાનું શરૂ કર્યું છે તેની સામે કડક પગલા કેમ લેવામાં આવતા નથી?

લોકતંત્રનાં રક્ષણની જવાબદારી આવા સમયે દેશની પાયાની સંસ્થાઓ ચૂંટણીપંચ, આપણું ન્યાયતંત્ર અને મીડિયા એટલે કે પ્રસાર માધ્યમોની બને છે. લોકશાહીનો તે પ્રાણ છે. આત્મા વિનાનું શરીર નકામું બની જાય છે તેમ આ બધી સંસ્થાઓની નિષ્ક્રિયતાનાં લીધે લોકશાહી નિષ્પ્રાણ થઇ જાય છે. સરહદ પરના  સૈનિકો કરતા આપણી પાયાની સંસ્થાઓના કાર્યને જરા પણ લોકશાહીના રક્ષણ માટે ઓછું મૂલવી શકાય નહીં.

રાજા હરિશ્ચંદ્ર પોતાના રાજધર્મને બચાવવા, આપેલા વચનને પાળવા રાજપાટ છોડી વાયદા મુજબ પોતાનું કરજ ચૂકવવા જાતે જ ચંડાળને ત્યાં વેચાયા હતા. તેના માટે વચન નિભાવવું વધુ મહત્ત્વનું હતું, રાજ ટકાવવું નહિ. આજે રાજ મેળવવા અને તેને ટકાવવા ગમે તેવી સાંઠગાંઠ થઈ શકે છે. જો આમ ને આમ ચાલતું રહેશે તો લોકશાહીનું પતન નક્કી છે. વાણીવિલાસ આજકાલના નેતાઓની ભાષાની લાયકાત માનવામાં આવે છે. વ્યક્તિગત આક્ષેપો તેની શોભા ગણાય છે. આ બધું લોકશાહી માટે ઘાતક છે. કેટલાક દેશી રજવાડાઓનો આપણે અભ્યાસ કરીએ તો તેમાં પણ લોકપ્રતિનિધિ સભા ચૂંટવાની પ્રથા હતી. આવા રજવાડાના નિયમો-ઉપનિયમો કે ધારાઓ ઘડી કાઢવાની પ્રણાલી અમલમાં હતી. આ વ્યવસ્થા જે-તે રજવાડાના સત્તાતંત્રમાં પ્રજાની ભાગીદારી સૂચવે છે. આમ પહેલાંનાં રાજા મહારાજાઓ પણ લોકો વડે સ્થપાયેલ રાજ વ્યવસ્થાનાં હિમાયતી હતા. આપણો દેશ ૧૯૫૦માં પ્રજાસત્તાક બન્યો હતો. માત્ર  સાત દાયકાઓમાં જ તેની જડ હચમચી ગઈ છે. ભષ્ટાચાર, કામચોરી, ખોટા વચનો, ચૂંટણીમાં ખર્ચાતા અઢળક નાણાં-જેવા અનેક દુષણોએ આપણી લોકશાહી પ્રણાલીના પાયામાં ઘા કરી તેનું નિકંદન નીકળી જાય તેવો અત્યાચાર આરંભ્યો છે. દૈનિક સમાચારપત્રો કે ટીવી ચેનલોમાં અપાતી જાહેરખબરોમાં કોઈ વિશ્વસનીયતા નજરે પડતી નથી. પ્રજાએ ચૂંટેલી સરકાર આંકડાની માયાજાળ રચી તે જ પ્રજાને ગુમરાહ કરી,  દિવસો વિતાવવા કડાકા-ભડાકા કરી કરી, વર્ષા વિનાના ચાલ્યા જતા ખોટા વાદળોની જેમ ભાષણોની ભરમાળ કરતા નેતાઓ ડગલે ને પગલે નજરે પડે છે. આવા નેતાઓ કોઈ આળસુ, સ્ત્રી જે રીતે માત્ર પાવળું તેલ ગરમ મૂકી જેમ તેની સુગંધ વડે મહેમાનોને જમાડ્યા વિના ઘર છોડવા મજબૂર કરવામાં કુશળ હોય છે તેમ આજકાલનાં નેતાઓ તેજાબી આક્ષેપો અને ભૂતકાળનાં આભાસીચિત્રો બતાવી જનતાનું પેટ ભરી સત્તાની ખુરશી મેળવી લેવામાં સફળ થઈ રહ્યા છે. તે ખરેખર લોકતંત્રનું મોટું કલંક છે. લોકશાહી વ્યવસ્થામાં જનતા સર્વોપરી હોવી જોઈએ, તેમ છતાં ઘણીવાર જાણ્યે અજાણ્યે આપણો તે અધિકાર  હું અને તમે જતો કરી કોઈ ને કોઈ નેતાની માયાજાળમાં ફસાતા રહીએ છીએ.  એટલે એમ કહેવાનું મન થાય ‘જનતાને જળ દોરે ત્યાં (ખેંચે ત્યાં) જાય. કારણ જનતા તો આશાના ઘરમાં વસવાટ કરનારી ભોળી પ્રજા કહેવાય. જેમ પાણીને જે વાસણમાં ભરવામાં આવે છે અને તે પાણી તેવો આકાર ધારણ કરી લે છે  તેમ નેતાઓની ખોટી-બનાવટી ઘડી કાઢેલી યોજનાઓમાં જનતા ગૂંચવાઈ જાય છે. ખોટા નેતાને આ રીતે તે ચૂંટી કાઢી જાળમાં ફસાઈ જાય છે. આ વાતને સમજવા મને એક નાનકડી વાર્તા યાદ આવે છે.

થોડી  કીડીઓ ચૈતર માસ આવતા લોકો દ્વારા પરંપરા મુજબ પૂરવામાં આવતા કીડિયારાનાં મેદાન તરફ જઈ રહી હતી એટલામાં એક કીડીનું ધ્યાન રસ્તા પર પસાર થઇ રહેલા ઊંટ તરફ જાય છે. ઊંટનો હોઠ લબડી નીચે પડું-પડું થઇ રહ્યો હતો. તે જોઈ, કીડીને લાગ્યું કે  લોચો નીચે પડે તો મિજબાની થાય. કીડી ઊંટ જે દિશામાં જતું હતું તે દિશામાં આગળ ને આગળ ચાલવા લાગી. ઘણું અંતર કપાયા પછી, ઊંટની પાછળ ચાલી જતી કીડી થાકવા લાગી.  દિવસ આથમવા લાગ્યો હતો. બધી કીડીઓ કીડિયારું ખાઈને પાછી પણ આવી ગઈ હતી. હજુ ઊંટ પાછળ ચાલી જતી કીડી આવી ન હતી. બધી કીડીઓને તેની ચિંતા થવા લાગી કેટલીક કીડીઓ તો તેને શોધવા પણ નીકળી પડી. ઘણી મથામણ કરવા છતાં કોઈને કીડી નજરે ન પડી. આખરે એકલી ખૂબ દૂર પહોંચી ગયેલી કીડીને એક મકોડો મળે છે. તે કીડીને એકલી જોઈ પૂછે છેઃ કીડીબેન, આમ એકલા ક્યાં ચાલ્યાં? સાંભળી કીડી બોલે છેઃ ‘ઊંટનો હોઠ કપાઈ ગયો લાગે છે હમણાં તે નીચે પડશે એટલે ખાવાની મજા પડશે. તમારે પણ સાથે આવવું છે?’ સાંભળી મકોડાએ કહ્યુંઃ ‘મારે તો આવવું નથી. તમે પણ તેની પાછળ જવાનું છોડી દો, કારણ કે  ઊંટનો હોઠ કપાયેલો લાગે ખરો, તે કપાયો હોતો નથી તેથી તે કદી નીચે પડશે જ નહિ. માટે નાહક તેની આશામાં દોડધામ કરી દુઃખી થશો નહિ. આપણે પણ નેતાઓનાં વાયદા-ઊંટના કપાયેલા દેખાતા હોઠ જેવા હોવા છતાં તેની પાછળ સમયનો વિચાર કર્યા વિના દોડતા રહીએ છીએ.ચૂંટણીનાં સમયમાં આવા નેતાઓની સભા માટે સમય અને પૈસાનો પણ વ્યય કરતા રહીએ છીએ. પરિણામ તો ઊંટના હોઠ જેવું જ મળવાનું છે. જે આપણને છતી આંખે દેખાઈ છે તે તો, ઝાંઝવાના જળ જેવું કોઈવાર વાસ્તવમાં પૂરવાર થતું હોય છે. તેથી આભાસી દેખાતા ચિત્ર પાછલ ભાગવું ફોગટ છે. હરણની દુંટીમાં રહેલી કસ્તુરી તેની અજ્ઞાનતાના કારણે તે પામી શકતું નથી. હરણ  તેની  પાસે રહેલી  કસ્તુરીની સુવાસ આવતા દોડવા લાગે છે. આખરે તે થાકીને નિરાશ થઈ જાય છે અને ધરતી પર પટકાય છે. હું અને તમે પણ હરણની માફક નેતાઓ પાછળ દેશ-પ્રદેશના વિકાસ ખાતર સાત કામ પડતા મૂકી દોડીએ છીએ. મિત્રો,  આ હરણદોટ કદી સફળ થવાની નથી. હવે તો જનતાએ જાતે જ જાગવું પડશે.  તમે કહેશો કે તમારી વાત ગળે ઊતરે તેવી નથી. વિકાસ તો ખૂબ થયો છે. તમે સાચા છો, તમારી દૃષ્ટિ હકારાત્મક છે. મારે તમને એટલું જ પૂછવું છે કેઃ‘સમતોલ વિકાસની વાત કરતા આપણા પ્રધાનમંત્રીને ભાવનગરની પાયાની જરૂરિયાતો કેમ દેખાતી નથી? ચશ્માં આવ્યા હોય તો જુદી વાત છે. ભાવનગરના મહારાજાએ આપણને જો પાયાની સુવિધાઓ ન આપી હોત તો, આજે ભાવનગરનો થોડોઘણો તમને જે વિકાસ થયેલો દેખાય છે તે પણ થયેલો ન જોવા મળી શકે તેવી હાલત આપણી થઇ હોત.

મોટા નેતાઓ આ ભાવનગર જિલ્લાએ ઘણા આપ્યા છે. કોઈએ નગરનાં અરમાન પૂરા કરવાની તસ્દી લીધી હોય તેવું કામ દેખાતું નથી. આપણી હૉસ્પિટલ, એરપૉર્ટ અને રેલવે-આ બધું જ આપણને આપણા મહારાજાએ આપ્યું છે. છેલ્લા દસ વર્ષથી ખખડધજ થયેલું બસસ્ટૅન્ડ રિપેર થઇ શકતું નથી. બે-બેવાર ખાતમુરત થવા છતાં નવું બસસ્ટૅન્ડ જનતાને મળી શક્યું નથી. તાલુકા કક્ષાનાં, શહેરોનાં બસસ્ટૅન્ડ અતિ આધુનિક બની રહ્યા છે ત્યારે ભાવનગરને શા માટે તડપવું પડે છે? જે મહાનગરને તેનાં રાજાની ઉદારતાનો લાભ મળવો જોઈએ તેના બદલે, તે જ નગરની જનતા સૌથી વધુ પિસાઈ રહી છે. ‘નામુમકીન’ નારો આપતા નેતાઓની સ્મૃતિમાં ભાવેણાનાં રાજવીની ઉદારતા ક્યાયં દૃશ્યમાન થતી નથી. નગરની સુવિધાને થોડીવાર બાજુ પર રાખી વિચાર કરીએ તો પણ મહારાજવીએ દેશના રજવાડાઓમાં પોતાનું રાજ સર્વપ્રથમ અર્પણ કર્યું છે તેવા રાજપુરુષશ્રી કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારતરત્ન એવોર્ડ આપી તેનું અને ભાવેણાનું સન્માન કરવું જોઈએ તેમ હું માનું છું. મને શ્રદ્ધા છે કે આપ સૌ પણ મારા પ્રસ્તાવને આવકારશો.

લોકશાહી એટલે શું? રાજ્યનો કારોબાર ચલાવવા જે પ્રણાલી સ્થાપિત કરવા લોકોનાં હિત અને તેના વિકાસ માટે લોકો માટે, લોકો દ્વારા કે લોકો વડે સ્થાપવામાં આવતી તંત્રવ્યવસ્થા. જેના પાયામાં દેશના સામાન્ય નાગરિકથી લઇ મૂડીવાદી સમાજની સામૂહિક શક્તિનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં ભારતની લોકશાહી વ્યવસ્થા અને તેના બહુમુખી બંધારણની નોંધ લેવામાં આવી છે. આપણા ભાવનગરનાં સ્વ. શ્રી બળવંતરાય મહેતા પ્રેરિત ‘પંચાયતી રાજ’ વ્યવસ્થા લોકશાહી પ્રણાલીનું સાચું ગૌરવ છે. આ વ્યવસ્થામાં ત્રિસ્તરિય પંચાયત હોય છે.

૧. ગ્રામ પંચાયત, ૨. તાલુકા પંચાયત,૩. જિલ્લા પંચાયત

આ ઉપરાંત વ્યવસ્થાનાં ભાગરૂપે મોટા ગ્રામ્ય વિસ્તારોમાં નગર પંચાયત, શહેરી વિસ્તારોમાં નગરપાલિકા અને મોટા શહેરોમાં મહાનગરપાલિકા કાર્યરત હોય છે.આપણી લોકશાહી વ્યવસ્થાના રક્ષણ માટે આપણે આટલું તો જરૂર કરીએ. ચૂંટણીમાં આપનો કિંમતી અને પવિત્ર, મૂલ્યવાન નિર્ણાયક મત કોઈ પણ કામ પડતા મૂકી આપવાનું કદી ચૂકીએ નહીં. આપણો મત આત્માના અવાજે ઉમેદવારની કામગીરીના આધારે આપવાનું રાખીએ. કોઈની શેહશરમમાં આવ્યા વિના, કોઈ પણ લાલચ વિના મતદાન કરી આપણી પવિત્ર ફરજ બજાવીએ અને એ રીતે દેશનું ઋણ અદા કરીએ. શાળા-કૉલેજના શિક્ષકો અને પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને નિયમિત રીતે જાગૃત કરતા રહેવું જોઈએ. મતદાનના દિવસે ઉમેદવારના વાહનોનો ઉપયોગ કરવો નહીં. પોતાના વાહનથી મતદાન મથક પર જવાનું રાખવું જોઈએ. મત બદલ મળતા ધનનો સ્વીકાર કરવો નહીં, આપણા કોઈ પણ કામ માટે નેતાઓ કે અધિકારીઓને લાંચ આપવી કે લેવી નહીં. આપણી જાણમાં જો આવી કોઈ બાબત આવે તો, તેને છુપાવવી નહિ તેની ફરિયાદ નોંધાવી, તેને અટકવવા મદદ કરવી. લોકશાહીનું રક્ષણ કરવું પ્રત્યેક નાગરિકની ફરજ છે. ભાવુક થઇ તમારો મત એળે જવા દેશો નહીં. તમારો એક મત ખૂબ કિંમતી છે. ચૂંટણીસભામાં ભાષણ બધા નેતાનું સાંભળો પણ નિર્ણય તમારા આત્માનો અવાજ સાંભળીને જ લેવાનું રાખો. ઇતિહાસની ભ્રમિત વાતોમાં આવી તમારો  કિંમતી મત એળે જવા દેશો નહીં. વળી, સમજી લેજો કોઈ પણ પરિસ્થિતિ ઇતિહાસમાં તમારી સામે મુકાઈ છે તેમાં તે વખતના લોકોની ભૂલ દેખાડવામાં આવે છે પણ તે ભૂલ હોતી નથી તે તો ઈશ્વરની ઈચ્છા વડે બનેલી ઘટના હોય છે તેથી ભૂતકાળને વાગોળતા નેતાઓથી ચેતતું રહેવું જોઈએ અને તેના વર્તમાનને તપાસો. આમ, લોકતંત્રનું રખોપું કરવું એ દેશના પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ બની જાય છે.

લોકતંત્રનાં રક્ષણ માટે નાઝીરની પંક્તિ યાદ રાખીએ.

બે હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી,

પણ હું માંગું ને તું આપી દે તે વાત મને મંજૂર નથી.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજનું ગૌરવ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે