માલિકનો જીવ બચાવવા સાપના બે ટુકડા કર્યાઃ પોતે પણ જીવ ગુમાયો

3845

ખેતરમાં ખાટલા ઉપર બેસીને ભોજન કરતા માલિકને કરડવા આવેલા સાપના બે કટકા કરી નાખી પાલતુ શ્વાન માઇકલે માલિકનો જીવ બચાવ્યો હતો. જોકે સાપે માઇકલ (કુતરા)ને ડંખ મારી દેતા કુતરાનું મોત નિપજ્યું હતું. કુતરાએ જીવ આપીને માલિકનું ઋણ અદા કરી વફાદારી બતાવ્યાનો કિસ્સો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

ચંદ્રાલા ગામમાં ખેતીકામ કરતા અનિશ અશોકભાઇ પટેલ બપોરના સુમારે નિત્યક્રમ મુજબ તેમના અઢારીયા ફાર્મ હાઉસના ખેતરમાં ખાટલા ઉપર ભોજન લઇ રહ્યા હતા. ત્યારે ફોન આવતા તેઓનું ધ્યાન વાતમાં જ હતું. દરમિયાન પાછળ સાતેક ફુટ લાંબો ઝેરી સાપ ખાટલા ઉપર ચડી ગયો હતો. સાપ ઉપર કુતરા (માઇકલ)ની નજર પડતા તેણે સાપ ઉપર હુમલો કરી દીધો હતો. કુતરાએ ખાટલા ઉપર હુમલો કરતા અનિશભાઇ ચોંકી ઉઠ્‌યા હતા. થોડી મિનીટ ચાલેલા સાપ અને કુતરા વચ્ચેના જંગમાં માઇકલે સાપના બે કટકા કરી નાંખ્યા હતા.

ઝેરી સાપે મારેલા ડંખથી માઇકલનું મોત નીપજ્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે ખેતરમાં જ તેની અંતિમવિધિ કરાઇ હતી, જ્યારે મૃત સાપને ઘી નાંખીને સળગાવી દીધો હતો.  પાલતુ શ્વાન માઇકલના માતા-પિતા રાજા-રાણી પણ ફાર્મ હાઉસમાં જ રહેતા હતા. માઇકલનો ઉછેર જ ફાર્મ હાઉસ માં થયો હતો. છેલ્લા ૭ વર્ષથી પટેલ પરિવાર સાથે રહેતો હતો.

Previous articleમહિલાના હત્યાની કોશિશની ઘટનાનો પર્દાફાશ, પતિ, પ્રેમિકા અને કોન્ટ્રાક્ટ કિલરની ઘરપકડ
Next articleખારાઘોડાના અગરીયાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો આપ્યા