કોંગ્રેસના વધુ બે ઉમેદવાર જાહેર : બીજી યાદી ટૂંકમાં

977

ગુજરાત કોંગ્રેસે ૨૬ લોકસભા બેઠકો માટે ચાર ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે વધુ બે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં કચ્છથી નરેશ મહેશ્વરી અને નવસારી બેઠક માટે ધર્મેશ પટેલના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ દ્વારા બીજા ઉમેદવારોની યાદી તા.૨૮ માર્ચે અથવા તો તે પહેલાં જાહેર કરી દેવાય તેવી શકયતા સેવાઇ રહી છે. કચ્છ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી દલિત સમાજના બહુ મોટા આગેવાન છે અને સ્થાનિક કક્ષાએ સારો એવો ઘરોબો ધરાવે છે, જેને પગલે ચૂંટણીમાં લોકમત જીતી શકે તેવા ઉમેદવાર હોઇ કોંગ્રેસે તેમની પર પસંદગી ઉતારી છે, જયારે નવસારી બેઠકના ધર્મેશ પટેલ વિજલપોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે અને સ્થાનિક કક્ષાએ જનમત આકર્ષવમાં સારુ એવું વર્ચસ્વ ધરાવતાં હોવાથી તેમને ટિકિટ ફાળવાઇ છે. ગુજરાત કોંગ્રેસમાં ગત તા.૮ માર્ચે લોકસભાની કુલ ર૬ બેઠક પૈકી ચાર બેઠકના ઉમેદવારની થયેલી જાહેરાત બાદ ગત તા.૧ર માર્ચે અડાલજના ત્રિમંદિર ખાતે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીની જંગી જનવિકલ્પ રેલીની ભવ્ય સફળતા બાદ પક્ષના કાર્યકરોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. કોંગ્રેસ દ્વારા ચારથી પાંચ બેઠકોના ઉમેદવાર નક્કી કરાયા બાદ હવે બાકીની રર બેઠકના ઉમેદવારની જાહેરાત લંબાતાં આ બાબત રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાસ્પદ બની છે. કોંગ્રેસના અંતરંગ વર્તુળોના મતે, તા.ર૮ માર્ચ પહેલાં પક્ષની બીજી યાદીની જાહેરાત કરાય તેવી શક્યતા છે. રાજયની કેટલીક બેઠકો પર કોંગ્રેસમાં જ આંતરિક કટ્ટર સ્પર્ધા અને ખેંચતાણ પ્રવર્તી રહી હોઇ યોગ્ય અને જીતી શકે તેવા ઉમેદવારોને પસંદ કરી ટિકિટ ફાળવવી ખુદ કોંગી હાઇકમાન્ડ માટે પણ કસોટીરૂપ બન્યું છે. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગાંધીનગર, પાટણ, બારડોલી, કચ્છ, નવસારી અને પંચમહાલ બેઠકના ઉમેદવાર નક્કી થયા હોઇ આ અંગેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે તેવી ચર્ચા છેલ્લા પાંચ સાત દિવસથી ચાલતી હતી. પક્ષનાં ટોચનાં વર્તુળો પણ આ બાબતને સમર્થન આપતાં હતાં. પરંતુ ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ઉમેદવારોની પસંદગીમાં સુરેન્દ્રનગરનો અપવાદ છોડતાં રિપિટ થિયરી અપનાવાતાં કોંગ્રેસમાં ઉમેદવારોની સત્તાવાર જાહેરાતમાં વિલંબ થઇ રહ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોમાં સંસદ સભ્ય બનવાનો થનગનાટ છે તો પાટણ બેઠકમાં અંદરખાનેથી જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર વચ્ચે તીવ્ર મતભેદ સર્જાયા છે. ભાજપના સુરેન્દ્રનગરના હાલના ધારાસભ્ય દેવજી ફતેપરાની ટિકિટ કપાતાં તેમને કોંગ્રેસમાંથી ચૂંટણી લડાવાય તેવી ચર્ચા ઊઠી છે. બીજી તરફ રાજકોટથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને કોંગ્રેસ તરફથી ઉમેદવાર બનાવાશે તેવી અટકળોનો અંત આવતાં રાજકોટ બેઠકના ઉમેદવારનું ચિત્ર ધૂંધળું બન્યું છે. જોકે ગુજરાતની ચૂંટણી આગામી તા.ર૩ એપ્રિલે યોજાનાર હોઇ ચૂંટણી પંચ દ્વારા આગામી તા.ર૮ માર્ચે આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પડાશે. તે દિવસથી રાજ્યમાં ઉમેદવારી ભરવાનો પ્રારંભ થશે એટલે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો માટે બાકી બેઠકના ઉમેદવારની પસંદગી કરવામાં રાત ટૂંકી ને વેશ ઝાઝા જેવી સ્થિતિ સર્જાઇ છે. ભાજપની બાકી ૧૦ બેઠકના ઉમેદવારની જાહેરાત વિલંબમાં મુકાઇ હોઇ કમ સે કમ કોંગ્રેસની બીજી યાદી આગામી તા.ર૮ માર્ચ પહેલા જાહેરાત જાહેરાત થાય તેમ જણાય છે. ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કોંગી હાઇકમાન્ડ યાદીને લઇ બહુ ગંભીર અને પુખ્ત વિચારણા અને સઘળા પાસાઓ ધ્યાનમાં લઇ ઉમેદવારોના નામો જાહેર કરાશે તેમ મનાઇ રહ્યું છે.

Previous articleરાહુલજી…ગરીબો સુધી લઘુતમ આવક યોજના કઈ રીતે પહોંચાડશો..?!!ઃ રાજન
Next articleરાજ્યમાં ગરમી, હિટવેવની ચેતવણી