GIDCમાં ઇ-બાઇક એસેમ્બલ યુનિટમાં ભીષણ આગમાં ૫૦૦ બાઇક સ્વાહા થયા

768

ગાંધીનગર સેક્ટર-૨૬ની જીઆઇડીસીમાં આજે બપોરે બાર આગ ભભુકી ઉઠી હતી. આગ એટલી ભયાનક હતી કે આઠ કિલોમીટર દૂરથી જોઇ શકાતી હતી.

ગાંધીનગર ઉપરાંત આસપાસના તાલુકાના ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવામાં જોડાઇ હતી. ચાર કલાક બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. ફાયર બ્રિગેડે વધુ નુકસાન થતા અટકાવ્યું હતું. આગનું રહસ્ય હજુ અકબંધ છે.

જીઆઇડીસીમાં પ્લોટ નંબર ઇ-૮૨માં ટુનવાલ ઇ-વ્હીકલ પ્રાઇવેટ લીમીટેડ નામની ઇ બાઇક બનાવતી કંપનીના એસેમ્બલ યુનિટમાં આગ લાગી હતી. બાઇકના સ્પેરપાર્ટસના કારણે આગે ટુંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું.

આગ બાજુમાં આવેલ રીજન્ટ કંટ્રોલ પ્રાઇવેટ લિમીટેડમાં પ્રસરી હતી. જોકે, આ યુનિટને આગ સંપુર્ણ ભરડામાં લે તે પૂર્વે આગ પર કાબુ મેળવી શકાયો હતો. આગમાં ઇ-બાઇક એસેમ્બલ યુનિટ બળીને સંપુર્ણ ખાક થઇ ગયુ હતું. અહિ ૫૦૦ જેટલી ઇ-બાઇક તૈયાર હતી તે તમામ આગમાં ભસ્મીભુત થઇ છે. જ્યારે બાજુમાં આવેલ એલઇડી સ્ક્રિન બનાવતી રીજન્ટ કંટ્રોલ પ્રા. લિમીટેડ કંપનીમાં સામાન્ય નુકશાન થયુ છે.

યુનિટમાં કામ કરતા કર્મચારીઓ સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાની થતા અટકી ગઇ હતી. આ મામલે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. ટુનવાલ ઇ વ્હીલક પ્રાઇવેટ લીમીટેડ પાસે ફાયર સેફિ્‌ટનું એનઓસી નહી હોવાનું ખુલ્યુ હતું. યુનિટમાં એકપણ અગ્નિશામક યંત્રોકામ લાગ્યા નહતા. ગાંધીનગર ઉપરાંત કલોલ, કડી ફાયર બ્રિગેડના વાહનો અને પ્રાઇવેટ દસ જેટલા વાહનો આગ ઓલવવા કામે લાગ્યા.

આગ ઓલવવા ગાંધીનગર ફાયર બ્રિગેડની ચાર ગાડી, કલોલની ૨, કડીની બે, એક જીએસપીસીનું ટેન્કર, દસ જેટલા ખાનગી પાણીના ટેન્કરો દ્વારા સતત ચાર કલાક સુધી પાણીનો છંટકાવ કર્યા બાદ આગ કાબુમાં આવી હતી. કુલ અઢી લાખ લીટરનો પાણીનો છંટકાવ થયો હતો.  ફાયર બ્રિગ્રેડના સૂત્રોએ જણાવ્યું હતું કે આગનું કારણ શું હતું તે હજુ જાણી શકાયું નથી.

Previous article૩૪ વર્ષની સુદીર્ઘ સેવાઓ બાદ માહિતી ખાતાના ઓપરેટર એસ.એ.પઠાણ વયનિવૃત્ત
Next articleભાજપે અમિત શાહના રોડ શો અને સ્વાગત રૂટનો કાર્યક્રમ જાહેર કર્યો