રાજનીતિ અને ગ્લેમરસ -ગરજાઉ કજોડું

704

રાજનીતિ સૌથી વધુ ગરજ ઓશીંગણ હેઠળ દબાયેલો પ્રદેશ છે .ગુજરાતી કહેવત છે કે ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. રાજકારણમાં ગ્લેમરસ ને ચોગાનમાં મૂકવા પાછળ વર્ષોથી એક ચોક્કસ ફોર્મ્યુલા કામ કરી રહી છે .સાંપ્રત રાજનીતિ ના પ્રવાહોમાં સૌ જાણે છે કે પૈસા ,પ્રપંચને પોપ્યુલારિટી અહીં” સેલ “થાય છે ,મેનેજ થાય છે. આ સમીકરણ ફિલ્મ ,ટીવી ,નાટ્ય, લોકકલાના કલાકારોને ઘસડી લાવે છે .ક્રિકેટ કે સંગીત માં પોતાનું નામ બનાવનારને પણ સંજોગો આવી તક પૂરી પાડે છે. ટીવીની સ્ક્રીન ’ઓન ’થાય અને તેનો ચહેરો જોવાનો કે તેના અવાજને સાંભળવાનો ઓડકાર ન આવે તેવા એન્કર વધુ “એન્કેશ” થાય . જે એન્કેશ થાય તેને કેશ પણ વધુ મળે તે બટનેચરલ છે.

ફિલ્મ કે ટીવીના નટ-નટીઓ ને રાજનીતિ સાથે કોઈ લેવાદેવા ન હોય છતાં પણ તેને સંસદ કે ધારસભ્ય ની ટિકિટ શા માટે ?રાજકીય પક્ષો તેના ઘરના પગથિયે શા માટે ઓશિયાળા થઈ ઊભા રહે છે !?આપણે જાણીએ છીએ કે આવા નામો આપણી પાસે ઘણા છે. સ્મૃતિ ઇરાની ,હેમામાલિની, રાજેશ ખન્ના, શત્રુઘ્નસિંહા ,રાજબબ્બર ,જયાપ્રદા ,ઉર્મિલા માતોંડકર, સંજયદત્ત, પ્રિયા દત ,સુનિલ દત્ત, પરેશ રાવલ, અમિતાભ બચ્ચન વગેરે વગેરે .રાજકીય પક્ષોના નેતાઓ ભાગ્યે જ એવા હોય છે કે તે આમ જનતાને આકર્ષી શકે .આઝાદીના સમયે ગાંધીજી, સરદાર જેવા અગ્રણીઓ ભલે તેના ફિગરથી પોપ્યુલર ન હોઈ શકે તો પણ તેના કાર્યો ,સિદ્ધાંતો સૌને પોતાના તરફ ખેંચી લાવતા હતા. તેવી તેનામાં તાકાત હતી .આજે આ ફિગરનો શૂન્યાવકાશ છે. તેથી રાજકીય પક્ષોને “ક્રાઉડ પુલર” પર્સનાલિટીનની સતત ગરજ રહેતી હોય છે.માટે ફિલ્મના કલાકારો નું નામ પડતા યુવાવર્ગના લોકો તેને જોવા દોડીને આવે છે .જેટલા લોકોની અપેક્ષા હોય તેનાથી પણ વધુ લોકો સભા કે રેલી માં ભેગા થઈ જતા હોય છે. તેટલી સંખ્યા એકત્રિત કરવા પૈસાનો પટારો ખોલવો પડે .તે કામ ઝીરો બેલેન્સ થી પતી જાય .માટે તે સભાઓ કે રેલીમાં જે નેતાઓને પોતાની ભાષામાં વાત કરવી હોય, પ્રચાર-પ્રસાર કરવો હોય,ત્યા આવા અભિનેત્રી અભિનેતાઓ   ખુબ ઉપયોગી સાબિત થાય છે. અનુભવે એવું પણ જાણવા મળ્યું છે કે તેમા અભિનેત્રીઓને વિશેષ અગ્રતા આપવામાં આવે છે. તે કલાકારો એવા હોય છે કે જે ફિલ્મ કે ટીવીની માર્કેટમાં “આઉટડેટેડ” થઇ ગયા હોય. તેમની પાસે મહત્વનું કામ કે જવાબદારી હોતી નથી .જેથી તે રાજનીતિમાં આવા મલાઈદાર પદો ,પૈસા અને પ્રતિષ્ઠા મેળવવા માટે દોડી આવે છે .તેથી એવું કહેવાય કે સિક્કાની બંને બાજુ સરખી છે. હા ,ક્યાંક અહીં અંડર ટેબલ એકબીજા વચ્ચે આર્થિક વ્યવહારો પણ થતા હોવાનો ગણગણાટ સંભળાયા કરે છે.  આ બંને એકબીજાની ગરજ સારે છે. ભાજપ ,કોંગ્રેસ કે સપા, બસપા જેવા પક્ષોમાં આ પાત્રોની આવનજાવન થતી રહે છે .જેમાં સ્ટારને ફાયદો એવો હોય છે કે તે જે બેઠક પર આંગળી મૂકે  ત્યાં તેની ટિકિટ કન્ફર્મ થઈ જાય .વીતેલા દિવસોમાં જયાપ્રદા અને ઉર્મિલા માંતોડકર ના કિસ્સામાં આવું જ થયું .જો કે પાથરણાં પાથરનારા કે નાસ્તો પીરસણિયા કાર્યકર્તાઓ આખી જિંદગી વેઠ કરતા રહે તોપણ તે  આવા કોઈ પદના સ્વપ્ને ય અધિકારી થતા નથી. તેને એક કરુણાંતિકા તરીકે લેખાવી શકાય.

સંસદ કે ધારાસભામાં જનારા આવા તારકોને ક્યારેક દ્રાક્ષ ખાટી પણ થઈ જાય છે. અમિતાભ જેવા સ્ટાર કાયમ માટે મુઠ્ઠીવાળીને ભાગી જાય તેવું પણ બને !! સંસદમા મોકલાવામા આવતા આ કલાકારો પાસે હાજરી આપવાનો પણ સમય હોતો નથી. તે તેના વિસ્તારમાં પણ ચૂંટણી ટાણે જ દેખાય છે. કાયદો, વહીવટ જેવી બાબતોમાં આવા બિન અનુભવી હોય તેવા ચહેરા ઓ એક રીતે બોજ બની જાય છે. જે લોકશાહી વ્યવસ્થા માટે કલંક સમાન ગણાય. વિવેચકોનો મત એવો રહ્યો છે કે વ્યક્તિ ગમે તે ક્ષેત્રનો હોય પરંતુ તે જો લોકનેતા ન હોય, મતદારોની હાથવેતમાં કે સ્થાનિક ન હોય તો તે ચુંટાવા ન જોઈએ. તેની નામના જે ક્ષેત્રમાં હોય  ત્યાં તે કાર્યરત રહે તો તે બંને વિષયોને ન્યાય કરી શકશે .અન્યથા બંને ક્ષેત્રે રાતા પાણીએ રોવાનો વારો આવે . તે ના ઘરનો ન ઘાટનો રહે .ઈચ્છીએ કે રાજકીય પક્ષોને વાસ્તવિકતાનું ભાન કરવાનો સમય આવી ગયો છે.

Previous articleભાજપમાં હતો, છુ અને જીંદગી પર્યંત રહીશ – હિરાભાઈ સોલંકી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે