રૂપાણી સામે આચારસંહિતા ભંગની કોંગ્રેસે કરેલ ફરિયાદ

755

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે વડોદરામાં આદર્શ ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદ કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીને કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટનું ઉમેદવારીપત્ર ભરવાના પ્રસંગે આજે મુખ્યમંત્રી વડોદરા આવ્યા ત્યારે સરકારી તંત્રનો દૂરપયોગ કરાયો હોવાનો આરોપ કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ લગાવ્યો હતો અને  આ વાતને લઇ મુખ્યમંત્રી વિરૂધ્ધ વડોદરા જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે કલેકટરે સમગ્ર મામલામાં યોગ્ય તપાસની હૈયાધારણ આપી હતી. આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ઋત્વીજ જોષીએ જણાવ્યું હતું કે, વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટનું ઉમેદવારી પત્ર ભરવા માટે આજે મુખ્યમંત્રી વડોદરા આવ્યા હતા. હાલ લોકસભા ચૂંટણી માટે આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગેલી છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીઆઇપી પ્રોટોકોલ વિના આવવાનું હોય છે. પરંતુ તેઓના કાફલમાં સરકારી તંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઋત્વીજ જોષીએ વધુમા ઉમેર્યું કે, મુખ્યમંત્રીના આગમન સમયે જી.ઇ.બી.ના વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત કોઇપણ જાતના જાહેરનામા વિના મુખ્ય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. જેનાથી આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ થાય છે. જેથી તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદ આજે મળી છે. આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે. આ ફરિયાદ સામે તપાસ કરીને તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અગ્રણી ઋત્વિજ જોષીએ વડોદરા શહેરમાં ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટ અને એરપોર્ટ ઉપર લાગેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોર્ડિંગ્સ મામલે પણ ગુરૂવારે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી. તેમની રજૂઆત બાદ ચૂંટણી તંત્ર દ્વારા હોર્ડિંગ્સ ઉપર સફેદ પટ્ટો મારી દેવામાં આવ્યો હતો.

 

Previous articleઆ વખતની ચૂંટણી ચોકીદાર અને ચોરો વચ્ચે છે : રૂપાણી
Next articleમોદી દેશના ૫૦૦ સ્થળો પર લોકો સાથે સીધો સંવાદ કરશે