મલેશિયા ઓપનઃ પીવી સિંધુ અને શ્રીકાંતે બીજા રાઉન્ડમાં મેળવ્યું સ્થાન

635

કુઆલાલંપુરઃ ટોપ ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને કિદાંબી શ્રીકાંતે બુધવારે અહીં મલેશિયા ઓપન વર્લ્ડ ટૂર સુપર ૭૫૦ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. ઓલમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડાલિસ્ટ સિંધુએ વિશ્વની ૨૦માં નંબરની ખેલાડી આયા ઓહોરીને ૨૨-૨૦, ૨૧-૧૨થી પરાજય આપ્યો હતો. જાપાનની ખેલાડી વિરુદ્ધ વિશ્વની છઠ્ઠા નંબરની ખેલાડી સિંધુની આ છઠ્ઠી જીત છે. ગત સપ્તાહે ઈન્ડિયા ઓપનના ફાઇનલમાં સ્થાન મેળવનાર શ્રીકાંતે ઈન્ડોનેશિયાના ઇહસાન મૌલાના મુસ્તફાને ૩૮ મિનિટમાં ૨૧-૧૮, ૨૧-૧૬થી પરાજય આપ્યો હતો. પાંચમાં ક્રમાંકિત સિંધુ આગામી રાઉન્ડમાં કોરિયાની સુંગ જી હ્યુન સામે ટકરાશે જેણે આ ભારતીય દિગ્ગજને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં હરાવીને બહાર કરી દીધી હતી. બીજા રાઉન્ડમાં શ્રીકાંતનો સામનો ગુરૂવારે થાઈલેન્ડના ખોસિત ફેતપ્રદાબ સામે થશે.

ગત સપ્તાહે દિલ્હીમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર એચએસ પ્રણોય રોમાંચક મેચમાં થાઈલેન્ડના સિથિકોમ થમાસિન વિરુદ્ધ ૧૨-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૪થી હારી ગયો હતો. સમીર વર્મા પણ પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયો હતો.

ઈન્ડિયા ઓપનના સેમીફાઇનલમાં પહોંચેલી મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીની પુરુષ ડબલ્સની જોડી પણ પ્રથમ રાઉન્ડના વિઘ્‌નને પાર કરવામાં નિષ્ફળ રહી અને હેન ચેંગકાઇ અને ઝાઉ હાઓડિંગની ચીનની જોડી વિરુદ્ધ ૧૬-૨૧, ૬-૨૧થી હારનો સામનો કરવો પડ્‌યો હતો.

 

Previous articleપરથી ભટોળને કોંગ્રેસે ટિકિટ આપતા ભાજપમાંથી પુત્ર રાજીનામું આપશે
Next articleડો.સી.જે ચાવડા આજે વિજય મુહુર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે