પ્રિયંકા સોમનાથ, દ્વારકા અને અંબાજીના દર્શનાર્થે પહોંચશે

769

લોકસભાની ગુજરાતની ૨૬ બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. આગામી તા.૮ એપ્રિલે બપોરે ચૂંટણી જંગમાં ઉતરનાર ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટે આયોજન ઘડવાની કવાયત હાથ ધરી છે. તા.૧૦થી ૨૦ એપ્રિલ દરમ્યાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પ્રચાર-પ્રવાસનું આયોજન થઇ રહ્યું છે, જેને લઇ ગુજરાત કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીને લઇ રાહુલ ગાંધી ચાર ચૂંટણી સભા તો, પ્રિયંકા ગાંધી ત્રણ જાહેરસભાને સંબોધન કરે તેવી શકયતા છે. આ બંને મુખ્ય રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓના પ્રવાસના આયોજન ગોઠવાઇ રહ્યાં છે. પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીએ પક્ષના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીને ગુજરાતના દેશભરમાં પ્રસિદ્ધ એવા સોમનાથ, દ્વારકા અને અંબાજીની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. છેલ્લે અડાલજના ત્રિમંદિર ખાતે યોજાયેલ પક્ષની જન સંકલ્પ રેલીને પ્રિયંકા ગાંધીએ છ મિનિટ માટે સંબોધી હતી. ગત તા.૧ર માર્ચે યોજાયેલી આ રેલીમાં પ્રિયંકા ગાંધીએ પક્ષના મહાસચિવના હોદ્દાની રૂએ પ્રથમવાર લોકોને સંબોધ્યા હતા. પ્રિયંકા ગાંધી રાજકારણમાં સક્રિય બન્યા બાદ દેશભરમાં તેમના પક્ષ વતી પ્રચારના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમનાથ, દ્વારકા અને અંબાજીના દર્શન કરી ચૂક્યા છે. ગત વર્ષ ર૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પ્રવાસ ગોઠવાયો હતો. આ વખતે લોકસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી દેશભરમાં જાણીતા આ ત્રણ યાત્રાધામની મુલાકાત લે તેવી શક્યતા છે.  આ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પૂછતાં તેમણે જણાવ્યું કે, પ્રદેશ સ્તરેથી અમે પ્રિયંકા ગાંધીને સોમનાથ, દ્વારકા અને અંબાજીની મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવ્યું છે. જોકે તેમની તારીખ હજુ નિશ્ચિત નથી. જો કે, લોકસભા ચૂંટણીને લઇ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ગુજરાતમાં તા.૧૦થી ૨૦ એપ્રિલ દરમ્યાન પ્રચાર-પ્રવાસનું આયોજન ચાલી રહ્યું છે. જેમાં રાહુલ ગાંધી દ્વારા ચાર ચૂંટણી સભા અને પ્રિયંકા ગાંધીની ત્રણ જાહેરસભા સંબોધન માટેનું આયોજન થઇ રહ્યું છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઇ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના સ્ટાર પ્રચારકોની જાહેરસભા અને ચૂંટણીસભાઓને લઇ તડામાર તૈયારીઓ અને આયોજન ચાલી રહ્યા છે.

Previous articleપાકિસ્તાન જેલમાં કેદ ૩૫૫ માછીમારોને મુક્ત કરાશે
Next articleનરેન્દ્ર મોદી ૧૦મીએ ગુજરાતમાં આક્રમક ચુંટણી પ્રચાર માટે તૈયાર