કોંગ્રેસનું ફોર્મ રદ કરાવવા ભાજપે ધમપછાડા કર્યા પરંતુ ફાવ્યા નહીં

1558

૨૩ એપ્રિલના રોજ યોજાનાર ભાવનગર લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ચકાસણીનાં દિવસે આજે કલેકટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ કોંગ્રેસનાં ઉમેદવાર મનહરભાઇ પટેલનું ઉમેદવારી ફોર્મ રદ કરવા માટે વાંધાઓ રજૂ કર્યા હતા અને ભાજપનાં વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કલેકટર કમ ચૂંટણી અધિકારી દ્વારા તમામ વાંધા ફગાવી દીધા હતા અને કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ માન્ય રાખ્યું હતું.

ભાવનગર લોકસભા બેઠક માટે આજે ઉમેદવારી પત્ર ચકાસણી દરમ્યાન ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર સામે અલગ અલગ પાંચ વાંધા રજૂ કર્યા હતા અને ભાજપનાં વકીલ ઉત્પલભાઇ દવેએ કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ અમાન્ય રાખવા ધારદાર રજૂઆત કરી હતી જ્યારે સામા પક્ષે કોંગ્રેસ તરફે એડવોકેટ હિતેશભાઇ વ્યાસે પણ ધારદાર રજૂઆતો કરતા અને જે અપક્ષો કરવામાં આવ્યા છે તે સોગંદનામુ કરેલ નથી તેમ જણાવવા ઉપરાંત એફીડેવીટ રજૂ કર્યું તેમાં કોંગ્રેસે ચૂંટણી પંચે માંગેલી તમામ વિગતો રજૂ કરી હોવાનો દાવો કર્યો હતો. દરમ્યાન બંનેની રજૂઆતો બાદ કલેકટર કમ ચૂંટણી અધિકારીએ ભાજપે કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટે કરેલા દાવાઓ ફગાવ્યા હતા અને મનહર પટેલનું ફોર્મ માન્ય રાખ્યું હતું. આજે ફોર્મ ચકાસણી દરમ્યાન ભાજપનાં ઉમેદવાર ભારતીબેન શિયાળ સહિત ભાજપના આગેવાનો કલેકટર કચેરીએ પહોંચી ગયા હતા જ્યારે કોંગ્રેસનાં આગેવાનો પણ પહોંચ્યા હતા અને માહોલમાં ગરમાવો આવ્યો હતો. પરંતુ ધારદાર રજૂઆતો બાદપણ કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ કરાવવામાં ભાજપ કામયાબ થયું ન હતું.

Previous articleઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોએ સાવચેત રહેવું જરૂરી
Next articleમહિલાને માર મારી લૂંટ કરવાનાં ગુન્હામાં બે શખ્સોને ૭ વર્ષની કેદ