પાલીતાણા તાલુકાના રતનપર ગામે રહેણાંકી મકાનમાં ચોરી

969

પાલીતાણા તાલુકાના રતનપર ગામે ગત રાત્રીનાં સમયે રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાં પ્રવેશી કબાટમાંથી રોકડ રકમ, સોના-ચાંદીનાં દાગીના તેમજ એલઇડી ટીવી સહિત રૂા.૧.૩૧ લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થયાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પાલીતાણા તાલુકાનાં રતનપર ગામે રહેતા સુરેશભાઇ લાભુભાઇ ગોધાણીનાં મકાનમાં ગત રાત્રીનાં સમયે તસ્કરો ત્રાટક્યાં હતા અને ઘરમાં પ્રવેશી કબાટનું તાળું તોડી કબાટમાં રાખેલા રોકડા રૂપિયા, સોના-ચાંદીનાં દાગીના તેમજ એલઇડી ટીવી સહિતના રૂા.૧.૩૧ લાખનાં મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય પંથકમાં ચોરી સહિત ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હોય ગ્રામજનો દ્વારા પોલીસ પેટ્રોલીંગની પણ માંગ કરાઇ રહી છે. ત્યારે આજે રતનપર ગામે ચોરી કરીને તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હતો. આ બનાવ સંદર્ભે પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ચોરીનો ગુન્હો નોંધી તસ્કરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. આ બનાવથી નાનકડા એવા રતનપર ગામમાં ચકચાર મચી જવા પામી છે.

Previous articleકોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્દઘાટન
Next articleસિંધી સમાજ દ્વારા ચેટીચંડની આસ્થાભેર ઉજવણી