LRD પેપર લીક કાંડ : મુખ્ય સુત્રધાર દિલ્હીમાંથી ઝડપાયો

786

ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ એવો પ્રોફેશનલ ગેંગનો લીડર વીરેન્દ્ર માથુર આખરે દિલ્હીથી ગુજરાત પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. છેલ્લા ઘણા સમયથી વોચમાં બેઠેલા ગુજરાત એટીએસ અને શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓને વીરેન્દ્ર માથુરને રંગેહાથ ઝડપી લેવાના ઓપરેશનમાં મહત્વની સફળતા મળી હતી. વીરેન્દ્રએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે અને હવે પોલીસ તેના રિમાન્ડ મેળવી કેસ સંબંધિત મહત્વની કડીઓનો ભેદ ઉકેલશે. ચકચારભર્યા એલઆરડી પેપર લીક કૌભાંડમાં ગુજરાત એટીએસે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત રીતે ઓપરેશન હાથે ધરીને માસ્ટર માઈન્ડ અને પેપર લીક કરનારી ગેંગના લીડર વિરેન્દ્ર માથુરને દિલ્હીથી ઝડપી પાડ્‌યો હતો. વેઈટ લિફિં્‌ટગનો શોખીન માથુર નેશનલ સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યો છે અને તેના હાથ નીચે ૬૫૦ વેઈટ લિફ્‌ટર તૈયાર થયેલા જે પૈકી ૧૨એ ઈન્ટરનેશનલ અને ૨૦૦એ નેશનલ મેડલ જીતેલા છે. ટેક્નિકલ રિસોર્સિસ અને સર્વેલન્સને આધારે દિલ્હીના રોહિણીથી પકડવામાં સફળતા મળી હતી. પકડાયેલા આરોપી વિરેન્દ્રની પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા છે. જે મુજબ, પેપર લીકમાં અગાઉ ઝડપાયેલો આરોપી વિનય અરોરા અને તેનો સાથે વિનોદ ચિક્કારા તેને પરીક્ષા બે દિવસ પહેલા જ સોલ્વ કરેલા પ્રશ્નપત્ર આપ્યા હતા. તેના બદલામાં વિરેન્દ્રને એક કરોડ આપવાના હતા. વિરેન્દ્રએ પેપર વેચવા માટે મોનુનો સંપર્ક કર્યો હતો. જેણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પેપર લેવા માંગતા ઉમેદવારોનો સંપર્કો હતા.

૨૦૧૮માં તા.૨જી ડિસેમ્બર અગાઉ મોનુ એક દિવસ પહેલા ગુજરાતના ઉમેદવારોને દિલ્હી લઈ ગયો હતો. જ્યાં બધાને અલગ જગ્યાઓ પર પેપર વંચાવીને ગોખી લેવા કહેતો હતો. ચાર કલાક પેપર વંચાવ્યા બાદ વિનોદ પેપર લઈ જતો રહ્યો હતો. વિરેન્દ્રએ વિનોદને પેપરના એડવાન્સ પેટે ૯.૭૦ લાખ આપ્યા હતા. જો કે પેપર રદ્દ થતાં વિનોદે ફોન કરીને પરીક્ષા રદ્દ થઈ હોવાની વિરેન્દ્રને જાણ કરી હતી. બાદમાં બંનેએ એકબીજાનો સંપર્ક બંધ કરી દીધો હતો. આ પ્રકરણમાં ઘણા બધા આરોપીઓ પકડયા હતા પરંતુ વીરેન્દ્ર છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો પરંતુ આખરે ગુજરાત પોલીસે તેને આબાદ ઝડપી લઇને મહત્વની સફળતા મેળવી હતી.

Previous articleમ્યુનિ. સ્કૂલવાન, સ્કૂલ રિક્ષા માટે ૩૨ નિયમો જાહેર કર્યા
Next articleકંડલા એરપોર્ટ ખાતે પારો ૪૩.૮