ગુજરાતમાં ૪૫૨ ઉમેદવારો ભાગ્ય અજમાવવા તૈયાર છે

756

ગુજરાત લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હવે તેની ચમરસીમા તરફ આગળ વધી રહ્યો છે.  તા.છઠી એપ્રિલના રોજ ગુજરાતની ૨૬ લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ આજે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ હતી. અમદાવાદ સહિત રાજયની વિવિધ લોકસભા બેઠક પરથી આજે અનેક ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લીધા બાદ અને ક્ષતિ કે ચૂકવાળા ફોર્મ રદ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ હવે રાજ્યમાં ૨૬ બેઠકો માટે કુલ ૪૫૨ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જયારે રાજ્ય વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી માટે ૬૦ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની ૨૬ લોકસભા બેઠક પર કુલ ૫૭૨ ઉમેદવારીપત્ર ભરાયા હતા.  અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક માટે ૪૧ ઉમેદવારીપત્રો ભરાયા હતા, જેમાંથી છ ફોર્મ રિજેકટ થતાં ૩૫ માન્ય ઠર્યા છે. ૩૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, તેમાંથી ૩૦ ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે.

ચાર ઉમેદવારો અમાન્ય ઠરતાં અને ચારના ઉમેદવારીપત્ર પાછા ખેંચાતા હવે અમદાવાદ પૂર્વની ેબેઠક માટે ૨૬ ઉમેદવારો મેદાનમાં છે. આ જ પ્રકારે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે ૧૭ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી ચાર રદ થતાં હવે ૧૩ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી ચકાસણી બાદ ૧૨૦ ઉમેદવારીપત્રક ખામીયુક્ત હોવાને કારણે ચૂંટણી પંચ દ્વારા તેમને રદ્દ કરી દેવામાં આવતા ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠક માટે હવે ૪૫૨ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ ૪૮ ઉમેદવારીપત્ર સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ભરવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ ફોર્મ રિજેક્ટ થઈ જતાં હવે ૪૩ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. જયારે રાજ્યમાં સૌથી ઓછા ૧૧ ઉમેદવારીપત્ર દાહોદ અને વલસાડની બેઠક પર ભરવામાં આવ્યા હતા. જેમાં દાહોદમાં ત્રણ અને વલસાડમાં બે ફોર્મ રિજેક્ટ થયા છે. આથી દાહોદની બેઠક પર હવે આઠ અને વલસાડની બેઠક પર નવ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે.  દાહોદ ઉપરાંત છોટા ઉદેપુરની બેઠક પર પણ માત્ર આઠ ઉમેદવાર જ ચૂંટણી મેદાનમાં રહ્યા છે. જયારે જામનગરમાં બીજા નંબરે સૌથી વધુ ૪૬ ઉમેદવારીપત્ર ભરાયા હતા. જેમાંથી ૧૨ ફોર્મ રિજેક્ટ કરવામાં આવતા હવે ૩૪ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહ્યા છે. રાજ્યમાં જામનગર પછી સૌથી વધુ ૪૫ ઉમેદવારીપત્ર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યાંથી ચૂંટણી લડવાના છે ત્યાં ગાંધીનગરની બેઠક પર ભરાયા છે. ગાંધીનગરમાં ૧૧ ઉમેદવારીપત્ર રદ્દ થતા હવે કુલ ૩૪ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. અમિત શાહની સામે કોંગ્રેસ તરફથી ગાંધીનગર ઉત્તરના વર્તમાન ધારાસભ્ય સી.જે. ચાવડાએ ઉમેદવારી નોંધાવી છે.  રાજ્યમાં લોકસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટેની પેટાચૂંટણી પણ યોજાવાની છે. જેમાં ઊંઝા, ધ્રાંગધ્રા, જામનગર(ગ્રામ્ય) અને માણાવદર આ ચાર બેઠકો પર કુલ ૮૩ ઉમેદવારીપત્ર ભરાયા હતા, જેમાંથી ચૂંટણી પંચની ચકાસણીમાં ૧૫ ફોર્મ રિજેક્ટ કરવામાં આવતા હવે કુલ ૬૮ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે. જો કે, મુખ્ય જંગ તો ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો વચ્ચે જ રહેશે.

Previous articleગાંધીનગર લોકસભા બેઠક પરથી દિલીપ સાબવાએ ઉમેદવારી પાછી ખેંચી
Next articleઘણી સ્કૂલમાં ઝીરો બેઠક તો અનેક વેબમાંથી ગાયબ રહી