સૌરાષ્ટ્ર પ્રજ્ઞાચક્ષુ સખીમંડળનું ત્રીજુ વાર્ષિક અધિવેશન યોજાયું

628

પ્રજ્ઞાચક્ષુ બહેનો સામાજીક, શૈક્ષણિક અને આર્થિક રીતે ગૌરવ વધે તેમજ પ્રજ્ઞાચક્ષુ બહેનો સામાન્ય બહેનોથી પાછળ ન રહી જાય તેવા ઉમદા હેતુસર મંડળના પ્રમુખ નીલાબેન સોનાણીના પ્રમુખ સ્થાને પ્રજ્ઞાચક્ષુસખીમંડળનું તૃતિય વાર્ષિક અધિવેશન અંધ ઉદ્યોગ શાળા, ભાવનગર ખાતે યોજવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી જ્યારે મહેમાનોનું પુસ્તકરૂપી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળ દ્વારા ગત સામાન્ય સભાની મીનીટ બુકનું વાંચન નયનાબેન વાળાએ કર્યું હતું જેને સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી તેમજ મંડળ દ્વારા વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિઓનો અહેવાલ કીર્તિદાબેન ભટ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ તૃતિય અધિવેશનમાં સખી મંડળના સભ્યોના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં ઉત્તીર્ણ થનાર બાળકોને ‘બાળ કેળવણી પ્રતિભા પુરસ્કાર’ થી નવાજવામાં આવ્યા હતા. જેમાં મોમેન્ટો અને રૂ. ૧૦૦૦/- નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કાર્યક્રમના ઉદ્ઘાટક અને મુખ્ય મહેમાન  વૈશાલીબેન જોશી (જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી) ઉપસ્થિત રહી મંડળ દ્વારા થતી પ્રવૃત્તિઓને બિરદાવતા જણાવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુ બહેનોની સર્વાંગી વિકાસયાત્રા માટે સરકાર અને સમાજ સુરક્ષા ખાતું હંમેશા તત્પર રહી યોગ્ય સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી.

પ્રસંગે ઉપરાંત એન્ડ્રોઈડ મોબાઈલ, ઓનલાઈન બેન્કિંગ ફેસેલિટી પર હસમુખભાઈ ધોરડા અને મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીનાં ભાગરૂપે ‘૨૧ મી સદીમાં ગાંધી વિચાર’ વિશે  લાભુભાઈ સોનાણીનાં વિશેષ વાર્તાલાપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળના પ્રમુખ નીલાબેન સોનાણીએ મંડળની સખીઓને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મંડળની સભ્ય સખીઓને ઘરબેઠા કામ મળી રહે, તેઓનું આર્થિક ઉપાર્જન થઇ શકે તેવી સેવા પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર ટોબેકો કું-ભાવનગરનાં રુચિકાબેન એ. પટેલે ખાસ ઉપસ્થિત રહી પ્રજ્ઞાચક્ષુ બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.

Previous articleજાફરાબાદ પો.સ્ટે.ના પી.આઈ.નો ચાર્જ સંભાળતા યશવંતસિંહ ગોહિલ
Next articleવલ્લભીપુરનાં શખ્સને જામગરી બંધુક સાથે ઝડપી લેતી એસઓજી