પરમાત્મવિચાર – ભગવાન કર્તા-હર્તા

0
284

ગત અંકોથી આપણે વચનામૃત દ્વારા જીવનનાં વિક્ષેપો ટાળવાના ઉપાયો પર વિચાર કરી રહ્યા છીએ. આજે દુઃખરૂપી વિક્ષેપમાં પરમાત્માના સર્વકર્તૃત્વની સમજણથી કેવી રીતે સ્થિર રહી શકીએ, તે સમજીએ.

દુનિયામાં સૌથી વધુ વેંચાતો શબ્દ સુખ છે, સૌથી વધુ વંચાતો શબ્દ સુખ છે, સૌથી વધુ ગવાયેલો શબ્દ સુખ છે, સૌથી વધુ વગોવાયેલો શબ્દ પણ સુખ છે, પણ સુખ ક્યારેય કાયમી કોઈની પાસે ટકતું નથી, એ હકીકત છે.

સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવાયું છે,

અર્થાત્‌ સુખ અને દુઃખ ગાડાંનાં પૈંડાની જેમ ફરતાં રહે છે. કોઈ માનવીનું જીવન સ્થિર નથી. દરેકના જીવનમાં વિક્ષેપો તો આવવાના જ છે. તે વિક્ષેપો સંપૂર્ણપણે ટાળવા આપણા માટે શક્ય નથી પણ તેનાથી રક્ષણનો ઉપાય આપણે કરી શકીએ.

વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના ૬૦મા વચનામૃતમાંથી આપણે વિક્ષેપ ટાળવા માટેની બે સમજણો આત્મવિચાર અને સાંખ્યવિચાર વિષે ચર્ચા કરી. હવે ત્રીજી સમજણ પરમાત્મવિચાર વિષે વિમર્શ કરીએ.

પરમાત્મવિચાર અર્થાત્‌ ભગવાનના મહિમાનો વિચાર. એકવાર વૈજ્ઞાનિકો એવા તારણ પર આવ્યા કે હવે દુનિયાને ભગવાનની જરૂર નથી. એક વિજ્ઞાનીને ભગવાન સાથે આ વાત કરવા પસંદ કરવામાં આવ્યો. વિજ્ઞાની ભગવાન પાસે ગયો અને કહ્યું, ‘‘હે ભગવાન ! તમે અમારા માટે અત્યાર સુધી જે કાંઈ કર્યું તેની અમે કદર કરીએ છીએ ! આપે અમારી ખૂબ સંભાળ રાખી છે, પણ હવે અમારે આપની જરૂર નથી. અમે દવાઓ અને મેડિકલ સાયન્સમાં ખૂબ મહાન શોધો કરી ચૂક્યા છીએ. ‘કવોન્ટમ ફિઝીક્સ’થી અમે બ્રહ્માંડના ઊંડામાં ઊંડા રહસ્યોને ઉકેલી નાંખ્યાં છે. અમે ઘેટાની પ્રતિકૃતિ બનાવી ચૂક્યા છીએ અને માનવની પ્રતિછાયા બનાવવાની ખૂબ નજીક છીએ ને અમે તે કરી લઈશું.’’ ભગવાન કહે, ‘‘સારું, હું પરિસ્થિતિ સમજી ગયો, અને તમને સ્વતંત્રપણે એકલા મૂકી દઈશ, પણ એક પડકાર, એક સ્પર્ધા તમે ઝીલો !’’

વિજ્ઞાની કહે, ‘‘વાહ ! એ સારું રહેશે, કયો છે એ પડકાર !!’’

ભગવાન કહે, હું માનવ બનાવવાની સ્પર્ધાનો પડકાર ફેંકું છું.’’ અને ભગવાને નીચા વળી મૂઠ્ઠી ભરી ધૂળ લઈ માનવ બનાવવાની શરૂઆત કરી, વિજ્ઞાની પણ નીચો વળીને ધૂળ લેવા ગયો ત્યારે ભગવાન કહે, ‘‘ના, ના. તારી બનાવેલી ધૂળ લાવ !’’ એવી ધૂળ ક્યાં મળશે ?

માનવ જાણે મેં કર્યું પણ કરતલ બીજો કોઈ,

આદર્યાં અધુરાં રહે, હરિ કરે સો હોઈ.

ભગવાનની શક્તિ વગર સૂકું પાંદડું પણ હલવા માટે સમર્થ નથી. છતાં માણસ બધી પ્રવૃતિઓનાં કર્તા પોતાને જ માને છે. એટલે જ્યારે તેને કાર્યમાં નિષ્ફળતા મળે, ત્યારે નાસીપાસ થઈ જાય છે, પરિણામે જીવનમાંથી સુખ જતું રહે છે. પરંતુ માણસ જ્યારે એમ સમજી લે કે આ દુનિયાના કર્તા ભગવાન છે. અને દૂનિયામાં જે કંઈ થાય છે તે ભગવાનની ઈચ્છાથી થાય છે તો તે જીવનમાં શાંતિ મેળવી શકે. માણસ જ્યારે પોતે કરેલા કાર્યના અહંકારને ત્યજીને ભગવાનને સર્વ કર્તા-હર્તા માની લે તો તેને ઘણી હાશ થઈ જાય છે.

તા.૪/૯/૧૯૯૪ના રોજ લંડનમા પ્રમુખસ્વામી મહારાજને કોઈએ પ્રશ્ન પૂછેલો કે, ‘‘આટલી બધી પ્રવૃત્તિમાં આપ ફ્રેશ શાથી ?’’ ત્યારે તેમણે જવાબ આપ્યો કે, ‘‘ ‘હું કરું છું’ એવો ભાવ લાવ્યા વિના ભગવાન અને ગુરુમાં ખોવાઈ જવું. અમે માથે લેતા નથી. ‘આવ્યું તોય ભગવાનની ઈચ્છા ને ગયું તોય ભગવાનની ઈચ્છા’ તેમજ સમજવું. ટૂંકમાં આપણો ભાવ ટાળીને કરીએ તો બોજો ને રહે, સુખ રહે.’’

આવા મહાપુરુષોના જીવનમાંથી આપણે પણ ભગવાનના કર્તા-હર્તાપણારૂપી મહિમાને જીવનમાં આત્મસાત્‌ કરીએ તો ગમે તેવા વિક્ષેપોમા સ્થિર રહેવાશે.        (ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here