ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં આકાશી આંધીથી ભારે નુકશાન

751

ગાંધીનગરમાં અચાનક પલટાયેલા વાતાવરણે વરસાદ અને આંધી તો કયાંક કરા પાડીને ખેડૂતોને ભારે નુકશાન કર્યાના અહેવાલો છે. ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં કરા, પવન સાથે વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોટામોટા કરા પડવાથી ગાડીના કાચ, ઘરના પતરા અને નળીયા તૂટી જવાથી ઘરોમાં વરસાદી પાણી અને કરા પડ્‌યા છે. આ ઉપરાંત ખેડૂતોના ખેતરમાં પડેલા ઘઉં સહિત ડીસા વિસ્તારમાં તડબૂચ અને ટેટીના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે.

ડીસામાં ૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. બાદમાં ગાજવીજ સાથે વરસાદ પડ્‌યો હતો. ડીસાના ચંદ્રલોક રોડ પર કરા ગાડી પર પડતા ૫ થી વધુ ગાડીના કાચ ફૂટયા હતા ઉપરાંત અનેક કાચા પતરાવાળા ઘરમાં પણ વ્યાપક નુકશાન થયું હતું. ઉપરાંત ડીસાના માલગઢ ખાતે ગેલોત પરિવારમાં બે દીકરીઓના લગ્ન પ્રસંગ હોવાથી મંડપ બાંધ્યો હતો. જોકે વાવાઝોડાંના કારણે લગ્ન મંડપ ધરાશાહી થતા જાનૈયાઓમાં દોડધામ મચી હતી. બીજી તરફ ડીસા તાલુકામાં ખેડૂતોએ ટેટી સહિત અનેક વાવેતર કર્યું હતું જેને મોટા પાયે નુકશાન થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.

સુઇગામમાં કરા સાથે ૨૦ મિનિટ સુધી ૭ મી.મી.વરસાદ ખાબકતા ઠેરઠેર ખાડા ખાબોચિયા ભરાઈ ગયા હતાં. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જોકે કરાને લીધે સુઇગામ તાલુકાના સોનેથ ગામમાં ખેતરોમાં રહેણાંક મકાન બનાવી વસવાટ કરતા અમરતજી લાલાજી ઠાકોરના મકાન ઉપરના સિમેન્ટ ના પતરામાં છીંડા પડી તૂટી ગયા હતા.બપોરના ત્રણેક વાગ્યાના સમયે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા સાથે કરા પડ્‌યા હતા. હાલ લગ્નગાળાની સિઝન હોઈ ધણી જગ્યાએ લગ્નના મંડપ પણ બાંધવા મુશ્કેલ બન્યા હતા. સપ્રેડા ગામની સીમમાં પ્રજાપતિ કાનજીભાઈ કાળાભાઇના ખેતરમાં વીજળી પડતાં ગાયનું મોત નીપજ્યું હતું. જ્યારે ડાભલીયા વાસમાં આસલ બાબુભાઈ સામતાભાઇ ડાભલિયા વાસના ત્યાં વીજળી પડતાં ભેંસ અને પાડાનું મોત નીપજ્યું હતું

ભાભર તાલુકાના ઢેકવાડી ગામે ખેતરમાં સામાન્ય વરસાદમાં વીજળી પડી હતી. ખેતરમાં બીન રહેણાંક વિસ્તારમાં અચાનક વીજળી પડતાં ખેતરની વાડ ભડભડ સળગવા લાગી હતી. ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઇ જતા આગને ઓલવી હતી અને જેના કારણે ખેડૂતોને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. બપોર બાદ વરસાદ સાથે કરા પણ પડ્‌યા હતા. જેને લઇ અમુક ઘરોના પતરા અને નળીયા તોડી કરા ઘરમાં પડ્‌યા હતા. આ બાબતે ઢેકવાડી ગામના જયંતીભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે અમારા ગામમાં ૨૫૦થી વધુ ઘરોના પતરા અને નળીયા ચારણી જેવા કરા પડતા થયા છે. મારા ઘરના ૨૦ સિમેન્ટના પતરા અને નળીયા મોટા કરા પડતા ફૂટી ગયા છે. ઢેકવાડી ગામના કોઈ ઘર બાકી નથી.

દિયોદરમાં મંગળવારે અચાનક કરા સાથે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે બજારમાં અફરા-તફરી મચી જવા પામી હતી. દિયોદર તાલુકાના વડીયા ગામના ખેડૂત રાધાજી ઠાકોરે જણાવ્યું હતું કે ‘આ કમોસમી માવઠાને લીધે ખેતીના તમાકુ, વરિયાળી અને ઘઉં જેવા પાકોમાં ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. કાંકરેજના શિહોરી-કંબોઇ પંથકમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતોના જીવ અધ્ધર થઇ ગયા હતા.

થરાદ તાલુકામાં મંગળવારની વહેલી સવારે પાંચ વરસાદી માવઠું થવા પામ્યું હતું. જેને લઇ વરિયાળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતી ખેડૂતોમાં સેવાઇ રહી છે.

અમીરગઢ તાલુકામાં વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતું. થરા વિસ્તારમાં મંગળવારે બપોરે અડધા ઇંચ જેટલો વરસાદ ખાબકતા સોસાયટી વિસ્તારોમા વરસાદી પાણી ભરાયા હતા. ધાનેરામાં મંગળવારે બપોરે કરા સાથે વરસાદ પડ્‌યો હતો. ત્યારે આસિયા ગામે કમલેશભાઇ નિલાભાઇ રબારી (ઉં.વ.૨૦) જે કોલેજમાં અભ્યાસ કરતો હતો અને પોતાના ખેતરમાં પિયત કરતો હતો. ત્યારે અચાનક વરસાદ ચાલુ થતાં વિજળી કડાકા સાથે પડતા આ ૨૧ વર્ષના યુવાનને બાળી નાખ્યો હતો. જેને ધાનેરાની ખાનગી હોસ્પીટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરે મૃતક જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ ધાનેરા પોલીસને થતાં પોલીસ મૃતક યુવકના ઘરે પહોંચી હતી અને પોસ્ટમોર્ટમ માટે કહેતા મૃતકના પરીવારે પી.એમ.કરવાની ના પાડીને અગ્નીસંસ્કાર કર્યા હતા. આ ઘટનાને લઇને આસિયા ગામમાં શોક છવાયો હતો.

ચાળા ગામમાં ખેતરમાં રહેણાંક બનાવી વસવાટ કરતા કાનજીભાઈ રૂપસીભાઈ માળી (ઉં.વ.આશરે ૪૫) ઉપર અચાનક આકાશમાંથી વીજળી ત્રાટકી અને તેમના ઉપર પડતાં શરીરે દાઝી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. આધેડ ઉંમરે વીજળી પડવાથી આકસ્મિક મોતને ભેટેલા કાનજીભાઈનો પરિવાર નોંધારો બની ગયો હતો. મૃતક કાનજીભાઈ માળીને ખાનગી વાહનમાં સુઇગામ રેફરલમાં પી.એમ.અર્થે લવાયો હતો.‘અમે આ વર્ષે છ હેકટરમાં ટેટીનું વાવેતર કર્યું હતું. ટેટીની નિકાસની તૈયારી હતી પરંતુ મંગળવારે અચાનક કરા સાથે વરસાદ પડતા અમારી ટેટીઓ ફાટી જતા નુકસાન થયું છે. અમારા વિસ્તારમાં ટેટી અને તરબૂચનું વાવેતર કર્યું હતું. જેમાં ૭૫ ટકા નુકશાન થતા તમામને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ડીસાના ગેનાજી ગોળીયાના ખેડૂતના ખેતરમાં તડબૂચના પાકને પણ મોટું નુકસાન થયું છે.મંગળવારે અચાનક વાતાવરણ બગડતાં કરા સાથે વરસાદી ઝાપટું પડતાં દિયોદર, થરા, ભાભર માર્કેટયાર્ડોમાં શેડની બહાર પડેલી બોરીઓ પલળી જવાથી લાખોનું નુકસાન થવા પામ્યું હતું.

 

Previous articleસ્મૃતિ ઇરાનીની સભા બાદ મહિલાઓેને અપાયા ૧૦૦ રૂપિયા, વીડિયો વારયલ
Next articleભાજપની રેલીમાં પાટીદાર યુવાનોએ લગાવ્યા ’ચોકીદાર ચોર હૈ’ના નારા